ભારતીય હવામાન વિભાગે (Indian Meteorology Department) મંગળવારે જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ ભારતમાં (North-West India) આગામી 4 થી 5 દિવસ દરમિયાન ગાઢ થી અત્યંત ગાઢ ધુમ્મસ (Fog), તીવ્ર શીત લહેર ચાલુ રહેવાની શક્યતા છે. ધુમ્મસ અને ઓછા વાદળોના આવરણને કારણે પંજાબના મોટાભાગના ભાગો, હરિયાણાના ભાગો, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં મંગળવારે તીવ્ર ઠંડી જોવા મળી હતી. હવે ચાર-પાંચ દિવસ સુધી આ સ્થિતિ રહેશે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના 60 જિલ્લાઓમાં તીવ્ર ઠંડી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ટ્રેન અને ફ્લાઈટ્સને અસર
આઈએમડીએ જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં શીત લહેરની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે અને ત્યારબાદ ધીમે ધીમે તેની તીવ્રતા ઘટશે. ગાઢ ધુમ્મસના કારણે વાહન ચલાવવામાં મુશ્કેલી, ટ્રાફિક વ્યવસ્થામાં સમસ્યા અને ટ્રેનો અથડાવાની શક્યતા ઉભી થઈ શકે છે. ધુમ્મસને કારણે ટ્રેનોના સંચાલનને અસર થઈ છે. ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે. જ્યારે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે. બીજી તરફ હવામાનની સ્થિતિને કારણે પાવર લાઇન ટ્રીપ થવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
સ્વાસ્થ્યને લઈ અપાઈ આ ચેતવણી
એક તરફ ધુમ્મસના કારણે વિઝિબિલિટીની સમસ્યા છે તો બીજી તરફ વધુ ઠંડીને કારણે લોકોના આરોગ્ય પર પણ અસર જોવા મળી રહી છે. ખરાબ હવામાનને કારણે અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે આ ખરાબ હવામાનને કારણે શ્વાસોશ્વાસ, ઉધરસ અને આંખની સમસ્યા થઈ શકે છે. બળતરા તેમજ સંક્રમણની સમસ્યા થઈ શકે છે. લોકો બીમારીઓનો ભોગ બની શકે છે.
IMD એ લોકોને લાંબી મુસાફરી માટે પાણી અને દવાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓ સાથે રાખવા અને ફોગ લાઇટનો ઉપયોગ કરીને સુરક્ષિત રીતે વાહન ચલાવવાનું સૂચન કર્યું હતું. આ સાથે રેલવે, એરલાઇન્સ, રાજ્ય પરિવહન અને ફેરી સર્વિસ ઓપરેટરોને બીમાર લોકોની તપાસ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
બીજી તરફ ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીનો માહોલ છે. રાજ્યના 8 શહેરોમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જ્યારે નલિયામાં 8.1 ડીગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં હજુ પણ આગામી 3 દિવસ સુધી ઠંડી યથાવત રહેવાની શક્યતા છે. બે દિવસથી રાત્રે તેમજ વહેલી સવારે સુસવાટા મારતો પવન ફુંકાઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ઠંડીનો ચમકારો રહેશે.