National

દેશના સૌથી ગરમ રાજ્ય રાજસ્થાનમાં ઠંડીએ બધા રેકોર્ડ તોડ્યા, ઠેરઠેર બરફનું પાણી જામ્યું

નવી દિલ્હીઃ જે વિસ્તારોમાં સામાન્ય પણે ૫૦ ડિગ્રી સુધી તાપમાન રહેતું હોય અને લોકો ભારે ગરમીના લીધે હેરાન પરશાન થતા હોય તેવા રાજસ્થાનના રણ વિસ્તારોમાં આ વખતે ઠંડીએ રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષે રાજસ્થાનના રણ વિસ્તારમાં પારો માઈનસ ડિગ્રીમાં પહોંચી ગયો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાના લીધે આ વર્ષે મેદાની વિસ્તારોમાં ભારે ઠંડી પડી રહી છે ત્યારે રણ વિસ્તારો પણ ઠંડીથી અળગા રહ્યાં નથી. રાજસ્થાનના રણ વિસ્તારોમાં આ વખતે શિયળો અલગ જ રંગ બતાવી રહ્યો છે. અહીંનું લઘુત્તમ તાપમાન માઈનસ ૩.૫ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. અહીંના ખેતરોમાં પાક પર બરફનું પાણી જામવા લાગ્યું છે. કાશ્મીરની જેમ રાજસ્થાનમાં પણ વાહનો પર બરફનું પાણી જામવા લાગ્યું છે. સવારે નળોમાંથી પાણીના બદલે માત્ર બરફ નીકળી રહ્યો છે. રણવિસ્તારની હાલત તો રહેણાંક વિસ્તારોથી વધુ ખરાબ છે. અહીં ઠંડીએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. 

આ સાથે જ શુક્રવાર તા. ૧૩ જાન્યુઆરીની રાત સિઝનની સૌથી ઠંડી રાત બની હતી. દેશના સૌથી ગરમ વિસ્તાર ફતેહપુર શેખાવાટી અને ચુરૂમાં બરફ પડતા બધા ચોંકી ગયા છે. ફતેહપુરમાં વાદળો, ધુમ્મસ અને ઠંડા પવનોના લીધે જોરદાર ઠંડી પડી રહી છે. લોકો ઘરની અંદર પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. અહીં ચુરૂમાં તાપમાન માઈનસ ૦.૭ ડિગ્રી, બિકાનેરમાં ૧.૧ ડિગ્રી, ફલોદીમાં ૩.૮ ડિગ્રી અને જેસલમેરમાં ૩.૯ ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

ઉત્તરના પહાડો તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોના લીધે શુક્રવારે રાજસ્થાનમાં સૂર્ય દેવના દર્શન પણ થયા નહોતા. શુક્રવારની રાતથી જ અહીં કડાકાની ઠંડી પડી રહી છે. આજે સવારે પણ સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. શુક્રવારે મહત્તમ તાપમાન અંદાજે ૧૩ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જેના લીધે શુક્રવારે આખો દિવસ કોલ્ડ વેવની સ્થિતિ રહી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજસ્થાનમાં ૧૫ જાન્યુઆરીથી ૧૨થી વધુ જિલ્લામાં સિવિયર કોલ્ડ વેવ રહેશે. રાજસ્થાનના અન્ય જિલ્લામાં પણ ઠંડા પવનો ફૂંકાશે. હવામાન વિભાગ દ્વારા રાજસ્થાનમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર થોડા થોડા સમયે ફૂંકાતા બર્ફીલા ઠંડા પવનોના લીધે રાજ્યમાં કોલ્ડવેવની સ્થિતિ બની છે. રસ્તા પર દોડતા વાહનોના ચાલકોએ હેડલાઈટ ચાલુ કરવી પડી રહી છે. શુક્રવારની રાત્રે ખૂબ જ ધુમ્મસ પડ્યું હતું, જેના લીધે સવારે પણ અહીં વિઝિબિલીટી ખૂબ જ ઓછી રહી હતી. 

Most Popular

To Top