શિયાળુ પ્રવેશપ્રક્રિયા અને નવું શૈક્ષણિક વર્ષ

મિત્રો, મથાળું વાંચીને નવાઇ લાગી ને?! હા, ચોકકસ જ, આપણે ભારતીય શિક્ષણપ્રથામાં જૂનથી મેના શૈક્ષણિક વર્ષથી ટેવાયેલાં છીએ. હમણાંથી સમાચારપત્રોમાં કે અન્ય જાહેરખબર દ્વારા તમારા વાંચવામાં આવ્યું હશે કે યુનિવર્સિટીઓ સ્નાતક કક્ષાએ વર્ષમાં બે વખત પ્રવેશપ્રક્રિયા હાથ ધરશે. તે એ કે એક ઓગસ્ટ / સપ્ટેમ્બરમાં અને બીજી જાન્યુઆરીમાં. શિક્ષણજગત સાથે સંકળાયેલા સૌને એમ જ થાય કે આ શું નવું? શા માટે? ફરી પાછું એ જ ચકકર – વર્ષમાં પ્રથમ સત્ર બે વખત ભણાવવાનું કે? પરીક્ષાઓ લીધે રાખવાની? જેવા અસંખ્ય પ્રશ્નો એડમિનિસ્ટ્રેશન તેમ જ શૈક્ષણિક કાર્યને લાગુ પડતાં હોય છે. ત્યારે થોડી બહોળી દૃષ્ટિથી પરિવર્તન તરફ જોઇએ. પશ્ચિમી દેશોમાં ખાસ કરીને અમેરિકા, યુરોપ, કેનેડા જેવામાં આખા વર્ષ દરમ્યાન પ્રવેશપ્રક્રિયાની સાઇકલ ત્રણ વખત તો ચાલે જ છે. સ્પ્રીંગ, સમર અને ફોલ. દર ચાર મહિને પ્રવેશ પ્રક્રિયા. લાગીને નવાઇ? આ પધ્ધતિના અમલ પાછળ પણ વિવિધ કારણો છે. આપણે અહીં વિદ્યાર્થીના ફાયદા માટેનાં વિવિધ કારણોની ચર્ચા કરીશું. વિદ્યાર્થી ધો. ૧૦ અને ૧૨ પાસ કરીને ઉચ્ચ અભ્યાસ માટે સ્નાતક કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે છે અને કારકિર્દીનાં પંથે આગળ વધે છે.

વધુ પસંદગીની તકો: ધો. 12  પછી જયારે JEE / NEET કે અન્ય પ્રવેશપરીક્ષા થકી ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મળે છે ત્યારે વિદ્યાર્થીઓ કે જેનો JEE / NEET નો સ્કોર એટલો સારો નથી કે એ જે સંસ્થામાં તથા જે અભ્યાસક્રમમાં પ્રવેશ લેવો હતો ત્યાં પ્રવેશ નથી લઇ શકતો. ઘરની આર્થિક પરિસ્થિતિ સ્વનિર્ભરમાં જવા માટેની મર્યાદા છે તો હાલના શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે વિદ્યાર્થી કયાંક કોમ્પ્રોમાઇઝ કરીને કોઇ અલગ અભ્યાસક્રમમાં પ્રવેશ લઇ લેશે. કદાચ આખી જિંદગી પોતાના નીચા સ્કોરને કોસતો રહેશે. આમ અણગમતા કે નાપસંદ એવા કોર્ષમાં કારકિર્દી બનાવશે.

હીયા ધો. 1 થી 12 સુધી શાળામાં પ્રથમ ક્રમાંકે રહી છે. જીવવિજ્ઞાન સાથે ધો. 12 વિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે. ટકાવારી તો ઊંચી છે પરંતુ કોઇક કારણસર NEET માં ઊંચું ranking નથી લાવી શકી. મેડિકલમાં જવાનું ધ્યેય છે. ઘરની પરિસ્થિતિ સ્વનિર્ભર મેડિકલ કોલેજમાં પ્રવેશ લેવા માટે બહુ પ્રોત્સાહન નથી આપતી. તો જો હવે મેરીટમાં હીયાને સરકારી કોલેજમાં પ્રવેશ ન મળે તો હીયાનાં માતા-પિતા એને પેરા-મેડિકલમાં જવા માટે સમજાવશે. હીયા કદાચ માની પણ જશે પણ મનમાં સાતમા પડદે કચવાટ રહેશે.

હવે આવી પરિસ્થિતિમાં જો એને એક-બે મહિના પછી NEET ની પરીક્ષા આપી- ફરી આ જ વર્ષે નવા પ્રવેશની સાઇકલમાં તક મળે તો ચોકકસથી હીયાની કારકિર્દીની દશા અને દિશા બંને બદલાઇ શકે છે.

વર્ષ બગડતું અટકે છે: એક કરતાં વધુ પ્રવેશ સાઇકલ એક જ વર્ષમાં મળતી હોય તો વિદ્યાર્થીના એક વર્ષનો બગાડ થતો અટકે છે. સાથે જ જે કોઇ વિદ્યાર્થી એક કે બે વિષયમાં નાપાસ હોય તો મોટે ભાગે એક મહિનામાં પૂરક પરીક્ષા આપી દેતા હોય છે. પછી ચાલતી પ્રવેશપ્રક્રિયામાં પ્રવેશ ફોર્મ ભરી દેતાં હોય છે. આમ પ્રવેશપ્રક્રિયા ત્રણ ચાર મહિના લાંબી ચાલતી હોય છે. જે વિદ્યાર્થીઓના ભણવાના દિવસો ઓછા કરી દે છે માટે જો એક કરતાં વધુ પ્રવેશપ્રક્રિયા હાથ ધરવામાં આવશે તો પ્રવેશપ્રક્રિયા જલ્દી થવાથી વધુ દિવસો ભણવાના મળી શકશે. સાથે જ મોડા પાસ થનારા વિદ્યાર્થીઓનું વર્ષ પણ બગડતું અટકશે.

પ્રવેશથી વંચિત રહ્યા હોય તેમને ઉમદા તક મળશે: વિવિધ કારણો જેવા કે વિદ્યાર્થી અન્ય યુનિવર્સિટી કે અન્ય જગ્યાએ ભણવાના વિચારથી ફોર્મ નથી ભરતો અને ત્યાં એડમિશન લેવાનું માંડી વાળે છે ત્યારે જો આવી અન્ય પ્રવેશની તક મળે તો યુવાનોનાં વર્ષો, શકિત વેડફાઇ જવામાંથી બચાવી શકાશે અને શિક્ષણકાર્યમાં સાતત્યતા જાળવી શકાશે.

શિક્ષણક્ષેત્ર ફેરબદલ કરવાની તક મળે છે: જો વિદ્યાર્થીએ એક સ્ટ્રીમમાં પ્રવેશ લીધો છે, નથી ફાવતું તો જો ડ્રોપ લેશે તો આખું વર્ષ વેડફાઇ જશે. કદાચ શિક્ષણમાંથી રસ ઊઠી જશે. આના બદલે જો એ જ શૈક્ષણિક વર્ષમાં નવા પ્રવેશની એક વધુ તક મળશે તો એ ફેરવિચારણા કરી પોતાની વધુ પસંદગીના કોર્ષમાં કારકિર્દી બનાવી શકશે. – આવી નીતિના અમલથી આપણે આંતરરાષ્ટ્રીય શિક્ષણમાં ભાગીદાર બની શકીએ છીએ. વિશ્વ લેવલે દરેક દેશો પોતાનાં સામાજિક, ભૌગોલિક કે રાજકીય એજન્ડા પ્રમાણે શૈક્ષણિક વર્ષના કેલેન્ડરનો અમલ કરતા હોય છે. સાથે જ કોઇ વિદ્યાર્થીને ટૂંકી નોકરીનો અનુભવ કરી શિક્ષણમાં જોડાવું હશે કે આર્થિક, સામાજિક, કારણોસર એક સેમેસ્ટરનો ડ્રોપ લેવો હોય તો એની પાસે વિકલ્પ છે કે હવે પછીના સેમેસ્ટરમાં પ્રવેશ મેળવી શિક્ષણકાર્ય પૂર્ણ કરશે. તો એની માટે ઉત્તમ તક મળી રહેશે. પરિવર્તન દુનિયાનો નિયમ છે. આપણે પણ નવા નિયમોને સમજીને આવકારીયે તો યુવા પેઢીને ઉત્તમ સેવા મળી રહેશે. વધુ પસંદગીની તકો મળી રહેશે.
‘’Change is not pleasent,
But change is constant.’’

Most Popular

To Top