નડિયાદ: રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં એકાએક કેસમાં ઉછાળો આવવાની સાથે સાથે ઓમીક્રોન વેરિયેન્ટના દર્દીઓ મળી આવ્યા બાદ સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હીતમાં શાળા બંધ કરવાનો નિર્ણય લઇ ૭ મી જાન્યુઆરી ૨૦૨૨ થી શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ કાર્ય બંધ કરાવવામાં આવ્યું હતું. જોકે, હવે 3૦ દિવસ બાદ શાળાઓમાં ફરી ઓફલાઇન શિક્ષક શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ વાલીઓના મનમાં હજીપણ કોરોનાને લઇને ભય જોવા મળી રહ્યો છે.
ગુજરાત રાજ્ય સહિત નડિયાદ અને આણંદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયા બાદ રાજ્યના મહાનગરોની સાથે સાથે આણંદ અને નડિયાદ શહેરમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. રાજ્યમાં ઓમીક્રોન અને કોવિડના કેસ વધ્યા બાદ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇને શાળાઓમાં ઓફલાઇન શિક્ષક બંધ કરવાનો આદેશ સરકાર દ્વારા ૭ મી જાન્યુઆરીએ આપવામાં આવ્યો હતો. જોકે, હવે કોવિડના કેસ ઘટતાં 3૦ દિવસ બાદ પુન: શાળાઓ શરૂ થઇ છે. સોમવારે શહેરની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી સાથે શિક્ષણ કાર્ય શરૂ થયું હતું. વાલીઓમાં કોરોનાને લઇને ભિતી સ્પષ્ટ જોવા મળી હતી. જોકે, શાળાઓમાં કોવિડ નિયમનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું ન હોવાનું પણ જોવા મળ્યું હતું.
અમુક શાળાઓ આજથી શરૂ થશે
નડિયાદ શહેર સહિત જિલ્લાની કેટલીક શાળાઓમાં સોમવારથી ઓફ લાઇન શિક્ષણ કાર્ય શરૂ થયું હતું. જ્યારે અમૂક શાળાઓ દ્વારા મંગળવારથી ઓફલાઇન શિક્ષક કાર્ય શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શાળામાં ઓનલાઇન અને ઓફ લાઇન બંને રીતે શિક્ષણ કાર્ય ચાલુ રહેશે.
કર્ફ્યુ નથી હટાવ્યો તો શાળા કેમ શરૂ કરી ?
શાળાઓમાં ઓફ લાઇન શિક્ષક શરૂ કરવાને લઇને કેટલાક વાલીઓએ નામ ન આપવાની શરતે તીખી પ્રતિક્રિયા આપી હતી. વાલીઓએ જણાવ્યું હતું કે, જો કોરોનાના કેસ ઘટી ગયા છે તો પહેલાં રાત્રિ કર્ફ્યુ દૂર થવો જોઇએ. કેમ હજી કર્ફ્યુ યથાવત રાખીને નાના બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર શાળા શરૂ કરવાનું ફરમાન આપવામાં આવ્યું ? બાળકોના શિક્ષણની સાથે સાથે તેમના સ્વાસ્થ્યની ચિંતા પણ સરકારે કરવી જોઇએ. ઓનલાઇન શિક્ષણ ચાલુ હોવાથી બાળકોને શિક્ષણકાર્યમાં કોઇ મુશ્કેલી આવતી ન હતી. સરકારના આ નિર્ણય સામે વાલીઓમાં છૂપો રોષ જોવા મળ્યો હતો.