Gujarat

દેશમાં કુલ પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતાના 23.2% જ્યારે સૌર ઉર્જા ક્ષેત્રમાં 13.6% સાથે ગુજરાત અગ્રેસર – મુકેશ પટેલ

ગાંધીનગર: વર્ષ 1993-94 માં દેશની પ્રથમ પવન ઊર્જા (Wind energy) નીતિ ગુજરાતમાં (Gujarat) અમલમાં આવી હતી. ત્યારબાદ વધુ ચાર પવન ઊર્જા નીતિઓ જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત હાલમાં પાંચમી પવન ઊર્જા નીતિ 2016 અમલમાં છે. આ નીતિ હેઠળ 31 ડિસેમ્બર 2022 સુધીમાં પવન ઊર્જાથી વીજ ઉત્પાદનની સ્થાપિત ક્ષમતા 9712.06 મેગા વોટ છે જેમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા સ્થાને છે.

ગુજરાત વિધાનસભામાં ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગના રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે , ગુજરાતમાં 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 9712.06 મેગાવોટ અને સૌર ઊર્જાની સ્થાપિત ક્ષમતા 8640.20 મેગાવોટ છે. આમ રાજ્યની પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા દેશની કુલ પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતાના 23.2 ટકા છે. આ જ રીતે રાજ્યની સૌર ઊર્જાની સ્થાપિત ક્ષમતા દેશની કુલ સૌર ઊર્જાની સ્થાપિત ક્ષમતાના 13.6 ટકા છે.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સૌથી વધુ 1600 કિલોમીટર લાંબો દરિયાઈ કિનારો ધરાવે છે જે પવન શક્તિનો સૌથી મોટો સ્ત્રોત છે. ગુજરાતમાં પવન ઊર્જામાં કચ્છ જિલ્લો 4906.68 મેગાવોટ સાથે અગ્રેસર છે. જ્યારે જામનગરમાં 1948 મેગાવોટ, રાજકોટમાં 734, અમરેલીમાં 456, મોરબીમાં 375, સુરેન્દ્રનગરમાં 363, દેવભૂમિ દ્વારકામાં 295, પાટણમાં 208, પોરબંદરમાં 196, ભાવનગરમાં 189 અને બોટાદમાં 38 એમ કુલ 9,712 મેગાવોટથી વધુ પવન ઊર્જા ક્ષમતા ગુજરાત ધરાવે છે.

લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા પુછાયેલા પેટા પ્રશ્નનો ઉત્તર આપતા પટેલે કહ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2009 -10માં શરૂ થયેલી સોલર રૂફટોપ યોજના થકી સૌર વીજ ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. ઘર પર સોલર રૂફટોપ સ્થાપવામાં માટે વધારાની જમીનની જરૂરિયાત રહેતી નથી તેનાથી ખર્ચ બચે છે તેમજ વીજળી ઉત્પાદનથી બચત થાય છે. આથી વપરાશકાર અને સરકાર બંનેને ફાયદો થાય છે.આ માટે ગુજરાત સરકારે વર્ષ 2016- 17માં ખાનગી ઘર પર સોલર રૂફટોપ દ્વારા વીજ ઉત્પાદન માટે નવી પહેલ કરી છે નીતિ અમલ બનાવી છે. આ યોજના હેઠળ 31 ડિસેમ્બર 2022 સુધી કુલ 4.5 લાખ ખાનગી ઘરો પર કુલ 1584 મેગાવોટથી વધુ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપવામાં આવી છે. આ યોજના હેઠળ સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપવા માટે ત્રણ કિલોવોટ સુધી 40% સબસીડી અને ત્રણ કિલો વોટથી વધુ અને 10 કિલોવોટ સુધી 20 ટકા સબસિડી સરકાર દ્વારા આપવામાં આવે છે. આ અંતર્ગત ગુજરાતમાં અંદાજે રૂ. 2,539 કરોડથી વધુની સબસીડી ચૂકવવામાં આવે છે.

Most Popular

To Top