uncategorized

વિશ્વના જાણીતા ટેનિસ ખેલાડીઓ ટૂર્નામેન્ટમાંથી શા માટે ખસી રહ્યાં છે, કારણ જાણી ચોંકી જશો

આ વર્ષની ફ્રેન્ચ ઓપનમાંથી (French Open) જ્યારે પહેલો રાઉન્ડ જીતીને નાઓમી ઓસાકા (Naomi Osaca) મેન્ટલ પ્રેશરને કારણે બીજા રાઉન્ડમાંથી ખસી ગઇ ત્યારે એક અલગ જ ચર્ચા જાગી હતી. મોટાભાગના લોકોનો મત હતો કે પહેલા રાઉન્ડની મેચ જીત્યા પછી પ્રેસ કોન્ફરન્સમાં હાજરી ન આપવાને કારણે તેને જે દંડ ફટકારાયો તેને પગલે તેણે આ નિર્ણય લીધો છે, પણ હકીકત એ હતી કે ઓસાકાએ મેન્ટલ સ્ટ્રેસના કારણે આ નિર્ણય લીધો હતો. પ્રેસ કોન્ફરન્સમાં પુછાતા કેટલાક સવાલોના કારણે મેન્ટલ સ્ટ્રેસ થતું હોવાના કારણે તેણે આ નિર્ણય લીધો હતો. હવે તેણે માનસિક રીતે સ્વસ્થ થવા માટે વધુ સમય મેળવવાના ઇરાદાથી વિમ્બલડનમાં (Wimbledon) નહીં રમવાનો નિર્ણય કર્યો છે. ઓસાકા છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી ડિપ્રેશન અને એન્જાઇટીથી પીડાઇ રહી હોવાનો તેણે ખુદ ખુલાસો કર્યો હતો.

ફ્રેન્ચ ઓપનની સેમી ફાઇનલમાં નોવાક જોકોવિચ સામે હાર્યા પછી રાફેલ નડાલે થોડા દિવસો બાદ ટ્વિટ કરીને જાહેરાત કરી દીધી કે તે વિમ્બલડન અથવા તો ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ નહી લે. તેણે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે મારા શરીરનું કહ્યું માનીને મેં આ નિર્ણય લીધો છે. તેની પાછળનો તેનો તર્ક એવો હતો કે ફ્રેન્ચ ઓપન અને વિમ્બલડન વચ્ચે માત્ર બે અઠવાડિયાનો જ સમય હોવાથી ક્લે કોર્ટની થકવી નાંખનારી સિઝન પછી શરીરને ફરીથી ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટ માટે તૈયાર કરવું સરળ નથી. નડાલનું સાથે જ કહેવું હતું કે કેરિયરને લંબાવવાના લક્ષ્યની સાથે જ જાતને ખુશ રાખવા મારે જે કરવાનું છે તે ચાલુ રાખવા માટે મે આ નિર્ણય લીધો છે.

આવી જ વાત ફ્રેન્ચ ઓપનમાં ચોથો રાઉન્ડ જીત્યા પછી દિગ્ગજ રોજર ફેડરરે કરી હતી. એ ચોથા રાઉન્ડની મેચ દરમિયાન ફેડરર થાકેલો જ જણાતો હતો અને તેણે એ મેચ પછી જાહેર કરી દીધું હતું કે શરીરની વાત માનીને હું ટૂર્નામેન્ટમાંથી ખસી રહ્યો છું. ડોમિનિક થિએમે પણ ટ્વિટ કરીને જાહેર કરી દીધું કે હું ટોક્યો ઓલિમ્પિક્સમાં રમવા માગતો નથી, સાથે જ તેણે એવું પણ કહી દીધું હતું કે હાલમાં હું યુવાન છું તેથી હું 2024ના પેરિસ ઓલિમ્પિક્સમાં ભાગ લઇશ. આ ઉપરાંત મિલોસ રાઓનિચે પોતાના કાંડાની ઇજાને કારણે વિમ્બલડનમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે, આ ઉપરાંત 2019નો ક્વાર્ટર ફાઇનાલિસ્ટ ડેવિડ ગોફિન ઘુંટીની ઇજાને કારણે, બે વારનો ક્વાર્ટર ફાઇનાલિસ્ટ સ્ટાન વાવરિંકા પગની ઇજાને કારણે, કાઇલ એડમન્ડ ઘુંટણની સર્જરીને કારણે તો બોર્ના કોરિચ ખભાની ઇજાને કારણે વિમ્બલડનમાં રમવાના નથી.

Most Popular

To Top