લંડન : વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે અને આવતીકાલે શનિવારે અહીં સેન્ટર કોર્ટ પર મહિલા સિંગલ્સની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની એશ બાર્ટી અને ચેક પ્રજાસત્તાકની કેરોલિના પ્લીસકોવા વચ્ચે ટાઇટલ જીતવા માટેનો જંગ ખેલાશે.
આ મુકાબલો એટલા માટે રસપ્રદ બની રહેશે કે બંને ખેલાડીઓ પહેલીવાર વિમ્બલડનની ફાઇનલમાં પહોંચી છે અને બંને પહેલું વિમ્બલડન ટાઇટલ જીતવા માટે જોર અજમાયશ કરશે. બાર્ટી માટે વિમ્બલડન પહેલું જ્યારે ગ્રાન્ડસ્લેમનું બીજું ટાઇટલ બની શકે છે. જ્યારે પ્લીસકોવા માટે આ પહેલું જ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ બની શકે છે. જો કે વિમ્બલડનની ફાઇનલ આ વર્ષની સૌથી રસપ્રદ મહિલા સિંગલ સાબિત થઇ રહેશે, કારણ કે એક તરફ લપસણા ગ્રાસ કોર્ટના વિવાદમાં નંબર 1 ખેલાડીઓ બહાર નીકળી જતા વિવાદો સર્જાયા હતા, તો બીજી બાજુ નવા ચેહરા આવતા પ્રેક્ષકોને પણ વધુ પડતો ઉત્સાહ છે, નવા ચેમ્પિયનને જોવાનો.
એશ બાર્ટીએ ગત મહિને ઇજાને કારણે રમવાનું બંધ કર્યું હતું પણ વિમ્બલડનમાં તેણે જે રમત બતાવી છે તે પ્રભાવક રહી છે. તેણે ફાઇનલમાં પહોંચીને એ દર્શાવી દીધું છે કે તે નંબર વન કેમ છે. તે છેલ્લા 41 વર્ષોમાં વિમ્બલડનની ફાઇનલમાં પહોંચેલી પહેલી ઓસ્ટ્રેલિયન ખેલાડી છે અને 1980માં બાર્ટી માટે તેની આઇડલ અને મેન્ટોર એવી ઓસ્ટ્રેલિયાની ઇવાન ગુવાલોંગ કાવલીએ પોતાનું બીજુ ટાઇટલ જીત્યું હતું. તેથી જો બાર્ટી આવતીકાલે જીતશે તો તે છેલ્લા 41 વર્ષમાં વિમ્બલડન ટાઇટલ જીતનારી પહેલી ઓસ્ટ્રેલિયન બનશે.
આ તરફ ચેક પ્રજાસત્તાકની પ્લીસકોવાએ જે રીતે સેમી ફાઇનલમાં નંબર 2 આર્યના સબાલેન્કાને હરાવી છે તેને ધ્યાને લેતા એવું કહી શકાય કે બાર્ટી માટે આવતીકાલની આ ફાઇનલ ધારવા જેટલી સરળ તો નહીં જ રહે. પ્લીસકોવાએ સબાલેન્કા સામે પહેલો સેટ 5-7થી ગુમાવ્યો હોવા છતાં પછીથી મેચમાં વાપસી કરીને 6-4, 6-4થી બે સેટ જીતીને મેચ જીતી લીધી હતી. બંને પહેલીવાર ફાઇનલમાં પહોંચી હોવાથી આ વખતે વિમ્બલડનને નવી મહિલા ચેમ્પિયન મળશે.