Editorial

સોનાના સિક્કાઓને ચલણ તરીકે રજૂ કરવાનું ઝિમ્બાબ્વેનું પગલું સફળ રહેશે ખરું?

ઝિમ્બાબ્વે તેના અતિ પ્રચંડ કહી શકાય તેવા ફુગાવા માટે એક સમયે વિશ્વમાં ખૂબ ચર્ચિત બનેલો દેશ હતો. ૨૦૦૮માં તો ત્યાં મોંઘવારી હદબહાર વધી હતી અને નોટોની આખી થોકડી લઇને જાઓ તો માંડ એક બ્રેડનું પેકેટ મળે તેવી  હાલત હતી. દેશના કૃષિ અને ઉદ્યોગોની ખૂબ કથળેલી હાલતને કારણે આવું જ થાય. આજે તો સ્થિતિ થોડી સુધરી છે પરંતુ હજી પણ ત્યાં આવી સખત મોંઘવારીનો માર વેઠી ચુકેલા લોકોમાં ત્યાંના સ્થાનિક ચલણ પરનો વિશ્વાસ ફરી  સ્થાપિત થઇ શક્યો નથી. લોકો હજી પણ ગેરકાયદે રીતે ડોલરની નોટો ખરીદીને તેનો સંગ્રહ કરી રહ્યા છે. આવા સંજોગોમાં દેશના ચલણમાં લોકોનો વિશ્વાસ ફરી સ્થાપિત કરવા માટે ત્યાંની સરકારે હવે સોનાના સિક્કાઓ પણ  કાયદેસરના ચલણ તરીકે મુકવાનો પ્રયોગ કર્યો છે. આવુ કરવા પાછળનો તેનો હેતુ દેશના ચલણને ફરી વિશ્વસનીય બનાવવાની સાથે હજી પણ પ્રવર્તી રહેલા ફુગાવાને નાથવાનો પણ છે.

ઝિમ્બાબ્વેના આ અભૂતપૂર્વ પગલાની જાહેરાત સોમવારે કરવામાં આવી હતી. દેશની મધ્યસ્થ બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઝિમ્બાબ્વે દ્વારા સ્થાનિક ચલણમાં લોકોનો વિશ્વાસ વધારવા માટે આ જાહેરાત કરવામાં આવી છે. ઝિમ્બાબ્વેના  ચલણમાં ત્યાંની પ્રજાનો વિશ્વાસ ખૂબ નીચો ગયો છે. ૨૦૦૮ના અતિ તીવ્ર ફુગાવાએ લોકોની બચતો ધોઇ નાખી તેના પછી લોકોનો વિશ્વાસ દેશના ચલણ પરથી ડગી ગયો હતો. હોનારતકારી ફુગાવાની મજબૂત યાદો સાથે ઘણા  ઝિમ્બાબ્વિયનો આજે પણ ઘરોમાં બચત તરીકે રાખવા કે પછી રોજીંદા વ્યવહારો માટે અમેરિકી ડોલર ખરીદવા માટે ગેરકાયદે બજાર તરફ ધસારો કરે છે. ઝિમ્બાબ્વેના ચલણમાં લોકોનો વિશ્વાસ એટલી હદે નીચો ગયો છે કે ઘણા છૂટક  વેપારીઓ તો તે સ્વીકારતા પણ નથી. ઝિમ્બાબ્વેની મધ્યસ્થ બેન્કે સોમવારે વાણિજ્ય બેન્કોને સોનાના બે હજાર સિક્કા વહેંચ્યા હતા. આ સિક્કાઓનો પ્રથમ બેચ દેશની બહાર છાપવામાં આવ્યો છે પણ તેને તબક્કાવાર રીતે દેશમાં રજૂ  કરવામાં આવશે એમ આરબીઝેડના ગવર્નર જોહન માન્ગુડ્યાએ જણાવ્યું હતું.

આ સિક્કાઓનો ઉપયોગ દુકાનોમાં ખરીદી માટે કરી શકાશે, જે એના પર આધાર રાખશે કે દુકાનવાળા પાસે પુરતા પ્રમાણમાં પરચુરણ છે કે નહીં? આ  સિક્કાઓ બેન્ક જેવા અધિકૃત એજન્ટો પાસેથી ખરીદી શકાશે. સ્થાનિક અથવા વિદેશી ચલણનો ઉપયોગ કરીને ખરીદી શકાશે અને આ સિક્કાઓ બેન્કમાં રાખી શકાશે કે ઘરે લઇ જઇ શકાશે. વિદેશીઓ આ સિક્કાઓ વિદેશી ચલણ  વડે જ ખરીદી શકશે એમ મધ્યસ્થ બેન્કે જણાવ્યું હતું. સિક્કાની કિંમત સોનાના એક આઉંસના આંતરરાષ્ટ્રીય ભાવના આધારે નક્કી થશે. હાલમાં ચીન, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો ફુગાવા સામે સોનાના સિક્કાઓનો  ઉપયોગ કરે છે ખરા, પણ મર્યાદિત રીતે. પરંતુ ઝિમ્બાબ્વેએ વ્યાપક ઉપયોગ કરવા માટેનો આરંભ કર્યો છે.

સોનાના સિક્કાઓને કાયદેસરના ચલણ તરીકે રજૂ કરવા પાછળ એ ગણતરી સ્પષ્ટ જણાય છે કે સોનુ એ દુનિયાભરમાં એક વિશ્વાસપાત્ર ધાતુ છે. કોઇ પણ આર્થિક સંકટમાં લોકો સોના તરફ વળે છે. જો સોનાના સિક્કાઓને પણ  કાયદેસરના ચલણ તરીકે રજૂ કરવામાં આવે તો દેશની પ્રજામાં સ્વદેશી ચલણ પ્રત્યે વિશ્વાસ વધે અને ધીમે ધીમે લોકો દેશની ચલણી નોટોમાં પણ વ્યવહાર કરતા થઇ જાય તેવો હેતુ લાગે છે. જો કે સોનાના સિક્કાઓ કાયદેસરના ચલણ  તરીકે રજૂ તો કરવામાં આવ્યા છે પરંતુ તેમાં અનેક વ્યવહારિક મુશ્કેલીઓ તો ઉભી થશે જ એવા સંકેતો જણાઇ રહ્યા છે. આ સોનાના સિક્કાઓ ખરીદી માટે રજૂ કરાશે ત્યારે વસ્તુની કિંમત ઉપરાંતની બાકીની રકમની પરત ચુકવણી  વેપારી કયા ચલણમાં કરશે, વગેરે બાબતોમાં ગુંચવાડા સર્જાશે એમ લાગે છે. સોનાના સિક્કાઓ પણ સમાંતર ચલણ તરીકે મૂકવાનું ઝિમ્બાબ્વેનું પગલું કેટલું સફળ રહેશે તે હવે જોવાનું રહે છે.

Most Popular

To Top