આપણે ત્યાં મજાકમાં એમ કહેવાય છે કે જેની પાસે કોઈ કામ ધંધો ના હોય તે રાજનીતિમાં સફળ થાય છે. એ.ડી.આર. મારફત દેશભરમાં કરાયેલા સર્વે મુજબ માત્ર ગુજરાતના જ ધારાસભ્યોની વાત કરીએ તો આપણા ગુજરાતના ૧૮૦ ધારાસભ્યોની મિલકત ૩૦૦૦ કરોડ ઉપર થવા જાય છે. બોલો આ તો પાછો સત્તાવાર આંકડો છે. બે નંબરી નાણાં તો બેહિસાબ છે. ૨૮ રાજ્યોના ૪૦૯૨ ધારાસભ્યોની કુલ મિલક્ત ૭૩,૩૪૮ કરોડ થવા જાય છે. જે નાગાલેન્ડ- ૨૩૦૮૬ ત્રિપુરા- ૨૬૮૯૨ અને મેઘાલય- ૨૨૦૨૨ કરોડ- રાજ્યના બજેટ કરતા પણ વધારે છે. જે રાજ્યોના ધારાસભ્યો સૌથી ધનવાન શ્રીમંત છે એમાં કર્ણાટક સૌથી મોખરે આગળ છે.
શિક્ષણની વાત કરીએ તો દેશમાં ૫ અભણ, ૫ પાસ- ૩૭, ૮-પાસ ૧૭૪ અને ૧૦ ભણેલા ૪૩૫ છે. ૪૦૯૨ ધારાસભ્યોમાંથી ૪૫ ટકા ધારાસભ્યો પર ફોજદારી કેસો નોંધાયેલા છે, જેમાં ૧૨૦૫ સામે તો હત્યા જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. હત્યા હત્યાનો પ્રયાસ, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધ ગુના નોંધાયેલા છે. આમાં આંધ્રપ્રદેશ ટોપ પર છે જેના ૧૩૮ આશરે ૮૦ ટકા ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસો ચાલે છે એમ લેખિતમાં કબૂલ્યું છે. અહીં એ ખાસ યાદ રાખવાનું છે કે આમાં પક્ષ પ્રમુખો, હોદેદારો, મંત્રીઓ, સચિવો, સરકારી બાબુઓનો સમાવેશ થયો નથી.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રમઝાન માસમાં રાંદેર કેમ ભુલાય?
શહેર સુરતનો તાપી નદીના સામે છેડે કે, પેલે પાર આવેલ રાંદેર સાથેનો સંબંધ મઝા, રંગરાગ, આનંદ, થનગનાટનો છે, આમ રાંદેર અને સુરત તથા સુરત અને રાંદેર વચ્ચેનું અંતર એક કાંઠેથી નદી પાર કરી સામે છેડે હાથ ઝાલવાનો છે. તેથી સુરતના રાંદેરને રમઝાન માસમાં કેમ ભુલાય? અસલ તો ત્યાં કવિ, શાયરો સાથે રાંદેરની બોરડી ઝુલવા અને પતંગ ખરીદવા જતા હતા! ખેર, રાંદેર સુરત શહેરનો એક વિકસીત અને મહત્ત્વનો વિસ્તાર છે. રાંદેર મૂળે સુરત શહેરની તાપી નદીનાં સામા કિનારાનું એક પ્રાચીન ગામ હતું, જ્યાં જુના સુરતની સમાંતરે જ વિકાસ થતો હતો, કવિ નર્મદ પણ તેને વખાણી ચુક્યા છે.
નર્મદ જે શાળામાં નોકરી કરતા હતાં તે શાળા આજે પણ અહીં છે. રાંદેર ગામમાં મુઘલ કાળની અસર ત્યાંનાં સ્થાપત્યોમાં તથા નગર આયોજનમાં તથા રમઝાન માસનાં મેળાનાં પકવાનોમાં સ્પષ્ટ જણાઇ આવે છે. રાંદેર વિસ્તાર નવી સીટી અને જૂના ગામમાં વહેંચાયેલો છે. સ્થાપત્યોમાં એક પીલરની મસ્જીદ, વિયર-કમ-કૉઝવે, નર્મદની શાળા ખરી જ! અલબત, સુરતીઓ રાંદેરી આલુપુરી નહિ ખાય તો તે જ્ઞાત બહાર મુકાય અને અસલ તળ સુરતી નહિ કહેવાય, એ વાસ્તે પણ રમઝાન ટાણે રાંદેરને સહપરિવારનો એક સદસ્ય સમજીને પણ મુલાકાત રમઝાન બજારમાં લેવી ખાસ જરૂરી છે!
સુરત – સુનીલ બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
