Comments

બિહારમાં પણ આપ એકલા હાથે લડશે, કોંગ્રેસ – આરજેડીની બાજી બગાડશે?

આમ આદમી પાર્ટી હવે પંજાબમાં જ સરકાર ધરાવે છે. દિલ્હીનો ગઢ એ ગુમાવી ચૂક્યો છે. પણ એ ઇન્ડિયાથી અલગ પડી અને એકલા હાથે લડવા લાગ્યો છે. એ કારણે સૌથી વધુ નુકસાન કોંગ્રેસને થયું છે. પ્રાદેશિક પક્ષો પણ આપના આ વલણથી પરેશાન છે. કારણ કે, બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ આપ એકલા હાથે ચૂંટણી લડશે એવી જાહેરાત થઇ ચૂકી છે. આ કારણે આરજેડી – કોંગ્રેસ મોરચાને નુકસાન થઈ શકે છે. અગાઉ બિહારમાં ઓવૈસીના પક્ષ AIMIM ના કારણે એનડીએ સત્તા પર આવ્યો હતો અને હરિયાણામાં આપના કારણે કોંગ્રેસ સત્તાથી વંચિત રહી હતી. 

ગુજરાતમાં પણ આપે કોંગ્રેસને ખાસું નુકસાન કર્યું હતું. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો, કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી અને મત પૂરા 26.5 ટકા. તો આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી અને મત 13 ટકા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠકો મળી હતી અને તેની મત ટકાવારી 41.4% હતી. 2022માં, કોંગ્રેસની બેઠકો ઘટીને માત્ર 17 થઈ ગઈ અને તેની મત ટકાવારી 26.5% પર આવી ગઈ. આ કોંગ્રેસનો ગુજરાતના ઇતિહાસમાં સૌથી ખરાબ દેખાવ હતો. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે કોંગ્રેસના પરંપરાગત મતદારોનો એક મોટો હિસ્સો આપ તરફ વળ્યો હતો.

ઘણી બેઠકો પર, આપ અને કોંગ્રેસ બંનેએ મળીને ભાજપ કરતાં વધુ મત મેળવ્યા હોવા છતાં, મતોના વિભાજનને કારણે ભાજપના ઉમેદવારો જીતી ગયાં. હરિયાણામાં પણ આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને અમુક અંશે નુકસાન થયું હતું. હરિયાણામાં ગયા વર્ષે ચૂંટણી થઇ એમાં ભાજપને 48 બેઠકો, મત ટકાવારી: 39.94% હતી. કોંગ્રેસને 37 બેઠકો ને મત ટકાવારી: 39.09% હતી. આપના ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ થયેલી પણ એને પોણા બે ટકા મત મળ્યા હતા. જે આગલી ચૂંટણીમાં 0.48 ટકા હતી. આપને એક પણ બેઠક મળી નહોતી. પણ હરિયાણામાં ઘણી બેઠકો પર જીતનો માર્જિન ખૂબ ઓછો હતો.

આવા સંજોગોમાં આપને મળેલા મતો કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થયા હતા. કારણ કે કેટલીક બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હારનું અંતર 500-1000 મતનું જ હતું. આ કારણે કોંગ્રેસની બેઠકો ઘટી હતી. મતની ટકાવારી વધી છતાં કોંગ્રેસને સત્તા મળી ન હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સત્તા મળી. ભાજપને 48 બેઠકો મળી અને આપને માત્ર 22 બેઠકો. કોંગ્રેસને એક પણ બેઠક મળી નહોતી. પણ કોંગ્રેસને મળેલા મત એ આપને સીધું નુકસાન હતું. હરિયાણાની જેમ જ દિલ્હીમાં પણ બંને પક્ષ વચ્ચે બેઠક સમજૂતી ના થઇ અને એનો સીધો ફાયદો ભાજપને થયો હતો. અલબત્ત આપને ભ્રષ્ટાચારના કેસો નડી ગયા હતા.

હવે વાત કરીએ બિહારની. અહીં પણ આપ ઇન્ડિયા બ્લોક સાથે જોડાવાનું નથી અને બધી 243 બેઠકો પર એકલા હાથે લડવાનો છે. મુખ્ય લડાઈ એનડીએ અને મહાગઠબંધન વચ્ચે છે. આપ ભલે સફળ ના થાય પણ બે ચાર ટકા મત પણ મેળવે તો એ નુકસાન કોંગ્રેસ અને આરજેડીને થવાનું છે. દિલ્હી અને હરિયાણાનાં ઉદાહરણો દર્શાવે છે કે AAP એ કોંગ્રેસના પરંપરાગત વોટ બેંકમાં ગાબડું પાડ્યું છે. બિહારમાં પણ કોંગ્રેસની સંગઠનાત્મક નબળાઈ અને આપની ‘નવા વિકલ્પ’ તરીકેની છબી તેને નુકસાન પહોંચાડી શકે છે અને ફાયદો એનડીએને થઇ શકે છે.

ઉત્તરાખંડ ચીનના પગલે …!
ઉત્તરાખંડની ભાજપ સરકાર આઈટી ઉદ્યોગ માટે એક નવી નીતિ તૈયાર કરી રહી છે. આ નીતિ ઉદ્યોગોને રાહત આપે એવી છે અને એમાં એક નિયમ એવો કરવામાં આવનાર છે કે જેટલી વધુ રોજગારી મળે એ એકમને વધુ સબસીડી આપવામાં આવશે. આ નીતિ બહુ આવકાર્ય છે અને દેશનાં બધાં રાજ્યોએ અપનાવવા જેવી છે. ઉત્તરાખંડ પર્વતીય વિસ્તાર છે અને ત્યાં ભારે ઉદ્યોગ સ્થાપિત કરવાનું મુશ્કેલ છે ત્યારે આઈટી હબ બની શકે એવી શક્યતા છે. અત્યારે 100 આઈટી કંપનીઓ છે જેનું વાર્ષિક કામકાજ 500 કરોડનું છે. પણ કોઈ મોટી કંપની નથી. હવે રાજ્ય સરકાર નવી આઈટી ઇન્ડસ્ટ્રી પોલીસ બનાવી રહી છે. દોઢેક માસમાં આ નીતિ તૈયાર કરી કેબીનેટને સોંપવામાં આવનાર છે અને એમાં કેટલીક રાહતો અપાશે. પણ મુખ્ય વાત એ છે કે, જે એકમ વધુ રોજગારી આપશે એને વધુ સબસીડી આપવાની વાત છે.

આવી નીતિ ચીને વર્ષોથી અપનાવેલી છે. ચીનના દરેક એકમ સાથે રોજગારીને જોડવામાં આવી છે. એક કેટલી રોજગારી આપે છે એ પ્રમાણે એને કોઈ ને કોઈ રાહત અપાય છે. દર વર્ષે આ મુદે્ રાહત અંગે સરકાર નિર્ણય લે છે. ટેક્સથી માંડી વીજળીના દરમાં રાહત આપવામાં આવે છે અને આ કારણે ચીનના ઉદ્યોગોમાં રોજગારીનું પ્રમાણ વધ્યું છે અને બીજી બાજુ આવા એકમને સરકારી રાહતમાં વધારો થાય છે. ઉત્પાદન પણ વધે છે. આ જ નીતિથી આકર્ષાઈ કેટલીક ભારતીય અને ગુજરાતની કંપનીઓ ચીનમાં એક્મો સ્થાપવા ઉત્સાહિત થઇ હતી. પણ ચીન ભારતના સબંધો બગડ્યા છે એટલે કોઈ ભારતીય કંપની ત્યાં જાય એવી શક્યતા રહી નથી.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top