બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આ ચૂંટણી દરમિયાન બુરખા અને પરદા હેઠળ ઓળખ છુપાવવાનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવી રહ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પણ તેમની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ પ્રશ્નનો જવાબ આપ્યો. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સોમવારે જણાવ્યું હતું કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં બુરખા પહેરેલ અથવા ધૂંઘટ કે પરદાવાળા મતદારોની ઓળખ કરવા માટે આંગણવાડી કાર્યકરો મતદાન મથકો પર ઉપલબ્ધ રહેશે અને જો જરૂરી હોય તો સ્થાપિત માર્ગદર્શિકા મુજબ ઓળખ ચકાસણી કરવામાં આવશે. બિહાર વિધાનસભા ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરતી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પૂછવામાં આવ્યું હતું કે ઘૂંઘટ કે બુરખા પહેરેલી મહિલા મતદારોની ઓળખ માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે. જવાબમાં મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, “જ્યાં સુધી બુરખા પહેરેલી મહિલાઓનો સંબંધ છે અમારા આંગણવાડી કાર્યકરો ઓળખ માટે ઉપલબ્ધ રહેશે. જો જરૂર પડે તો ચકાસણી કરવામાં આવશે. ચૂંટણી પંચ પાસે સ્પષ્ટ માર્ગદર્શિકા છે કે મતદાન મથકો પર ઓળખ ચકાસણી કરવામાં આવશે, અને તેનું કડક પાલન કરવામાં આવશે.”
અગાઉ બિહાર ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલે ગયા શનિવારે ચૂંટણી પંચને વિનંતી કરી હતી કે વિધાનસભા ચૂંટણી એક કે બે તબક્કામાં યોજવામાં આવે અને મતદાન મથકો પર બુરખા પહેરેલી મહિલાઓના ચહેરા તેમના મતદાર ઓળખ કાર્ડ સાથે મેચ કરવામાં આવે. બિહારની મુલાકાતે આવેલા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વ હેઠળની કમિશનની ટીમને મળ્યા બાદ તેમણે કહ્યું કે અમે કમિશનને વિનંતી કરી છે કે ચૂંટણી એક કે બે તબક્કામાં યોજવામાં આવે. ચૂંટણી પ્રક્રિયાને લંબાવવાની કોઈ જરૂર નથી. એ પણ જરૂરી છે કે મતદારો ખાસ કરીને બુરખા પહેરેલી મહિલાઓની ઓળખ તેમના ઓળખ કાર્ડ સાથે તેમના ચહેરા મેચ કરીને ચકાસવામાં આવે જેથી ફક્ત સાચા મતદારો જ મતદાન કરી શકે.