Entertainment

વિકીના‘બૅડ ન્યૂઝ’‘ગુડ ન્યૂઝ’લાવશે?

ગમે તે કહો પણ એક સત્ય સ્વીકારવું પડે એમ છે કે અત્યારના જે અભિનેતા પોતાને જે કક્ષાનો સ્ટાર માનતા હોય તો તે માની શકે પણ એવો કોઇ સ્ટાર નથી જેની ફિલ્મ રજૂ થાય અને બોકસ ઓફિસ પર જાદુ થાય. વચ્ચે વચ્ચે કોઇ ફિલ્મ એકાદ-બે અઠવાડિયા જોર કરે ને તે દરમ્યાન તેના હીરો-હીરોઇનની ચર્ચા થાય પણ ફિલ્મ થિયેટરમાંથી ઊતરે અને પેલા સ્ટારનું સ્ટારડમ ઊતરે. 500 કે 600 કરોડના રોકાણથી ફિલ્મ બનાવવાથી સ્ટાર પેદા કરી શકાતા નથી.
વિકી કૌશલની ‘બેડ ન્યૂઝ’ રજૂ થઇ રહી છે. શાહરૂખ, સલમાન, આમીર, ઋતિક વગેરે પછી રણબીર કપૂર, રણવીર સીંઘ, કાર્તિક આર્યન અને વિકી કૌશલ પાસે સૌથી મોટી અપેક્ષા રાખવામાં આવે છે પણ આમાં રણબીર કપૂર સિવાય કોઇ સ્ટારનો બહુ મોટો ચાહક વર્ગ નથી. ટોપ સ્ટાર્સ થનારા હેન્ડસમ હોય છે. ચાર્મિંગ હોય છે, છોકરીઓના ડ્રીમ બોય બની શકે તેવા હોય છે. વિકી કૌશલ સારો અભિનેતા છે પણ તેને ચાર્મિંગ, ડેશીંગ, ડ્રીમ બોય કહી નહીં શકો. જો કે એવું ય બનતું હોય છે કે કોઇ ફિલ્મ ખૂબ જ સફળ જાય તો તેના સ્ટાર અચાનક એક ખાસ આકર્ષણ ઊભું કરે છે અને પ્રેક્ષકોને તેની દરેક ચેષ્ટા, દરેક બોડી લેંગ્વેજ, દરેક અદા, દરેક ડાયલોગ પર મોહી પડવાનું મન થાય છે. શું ‘બેડ ન્યૂઝ’ વડે વિકી કૌશલ એવું સંમોહન જગાડશે? જાદુ જગાડશે? થોડાં વર્ષ પહેલાં ‘ગુડ ન્યૂસ’ આવેલી જેમાં અક્ષયકુમાર, કરીના કપૂર, કિયારા અડવાણી ને દિલજીત ડોસાંજ હતા. એ ફિલ્મ ખૂબ ચાલેલી. વિકી સુધી આવતાં એ ગુડ ન્યુઝ હવે ‘બેડ ન્યૂઝ’માં ફેરવાઈ ગઇ છે. ફિલ્મમાં તૃપ્તિ ડિમરી બે અલગ અલગ પુરુષો સાથે વન નાઈટ સ્ટેન્ડ કરે છે અને બને છે એવું કે તેને ગર્ભ રહી જાય છે.અહીં સુધી તો સમજો કે આટલું બને પણ તેને જોડકાં બાળક જન્મે છે તો એ જોડકાં શું પેલા અલગ અલગ પુરુષમાંથી એકના છે કે બંનેનાં એક-એક છે. તમે કહી શકો કે આ એક રોમેન્ટિક કોમેડી છે. વિકી સતત નવા નવા પ્રકારની ભૂમિકાઓમાં અખતરા કરે છે. ગયા વર્ષે ‘સામ બહાદુર’માં તેણે જબરદસ્ત ભૂમિકા કરેલી પણ એ ફિલ્મ એકદમ મનોરંજક બની શકે તેવી ન હતી. ‘બેડ ન્યૂસ’ કદાચ હળવી ફિલ્મ છે એટલે વધારે ગમે ય ખરી. વિકીની આ વર્ષની પહેલી ફિલ્મ છે અને બીજી કોઇ રજૂ થશે એમ લાગતું નથી. ભણશાલીની ‘લવ એન્ડ વોર’ તો આવતા વર્ષે જ આવશે પણ જેમાં તે છત્રપતિ સંભાજી મહારાજા બન્યો છે તે ‘છાવા’ પણ આ વર્ષે રજૂ થશે નહીં. તેને આમીર ખાને ‘લાહોર 1947’માં એક ભૂમિકા આપી છે પણ એ ફિલ્મનીય રાહ જોવી પડશે એટલે વિકીએ ‘બેડ ન્યૂસ’ને ગુડ ન્યૂસ ગણવા જોઈએ.
વિકીનું લગ્નજીવન કૈટરીયા સાથે કોઇ ખોટા ગણગણાટ વિના સારું વીતી રહ્યું છે. બસ હવે તેની પાસે રખાતી અપેક્ષા મુજબ તો બોકસ ઓફિસને જોશમાં લાવે એવો પુરવાર થાય તો હાશ થશે. ખાન ત્રિપુટી હવે થાકી છે ત્યારે વિકીએ પેલા ‘શોલે’ના ડાયલોગ ‘લોહા ગરમ હે હથોડા માર દો’ જેવું કરવું જોઇએ. કયાર કયારનો હથોડો ઉગામીને ફરે છે તો મારતો કેમ નથી? •

Most Popular

To Top