ભગવાન બુદ્ધ અને કિસા ગોતમીની વાત અતિ જાણીતી અને જીવનના અર્કરૂપ છે. કિસાના નાનકડા પુત્રનું મૃત્યુ થાય છે. એનાથી બેબાકળી બનેલી કિસા બાળકને સજીવન કરે એવા કોઈક ઔષધની શોધમાં ઠેરઠેર ભટકે છે. આખરે એક બૌદ્ધ ભિક્ષુ એને ગૌતમ બુદ્ધ પાસે મોકલે છે. કિસાની વિગત જાણીને ગૌતમ બુદ્ધ કહે છે કે પોતે એ બાળકને સજીવન કરશે. એ માટે જરૂર પડશે થોડી રાઈની. પણ રાઈ એવા ઘેરથી લાવવાની કે જે ઘરમાં કોઈનું મૃત્યુ ન થયું હોય. પુત્રવિરહમાં પાગલ બનેલી કિસા ઘેરઘેર ભટકે છે, પણ એક ઘર એને એવું મળતું નથી કે જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય. આવા શોકના સમયે મૃત્યુનું અફરપણું કિસાને સમજાવવા માટે ગૌતમ બુદ્ધે આગવી રીતે ઊપાય વિચાર્યો.
સદીઓ પુરાણી આ વાતને વર્તમાનમાં યાદ આવવાનું કારણ? એના માટે ઑગષ્ટ, 2024ના પ્રથમ સપ્તાહમાં બનેલી એક દુર્ઘટના વિશે જાણવું જરૂરી છે. મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં આવેલા શાહપુર ગામના હરદૌલ મંદિરમાં પાર્થિવ શિવલિંગ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું. ભાગવત કથાનું પણ આયોજન હતું. રવિવાર હોવાથી અનેક બાળકો અહીં ઉપસ્થિત હતાં. અચાનક મંદિરના સંકુલને અડકીને આવેલા એક જર્જરિત મકાનની દીવાલ ધસી પડી. અનેક બાળકો કાટમાળ નીચે દબાયાં,ફસાયાં. એમાંથી નવ બાળકો ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યાં. બીજા ચારેકની હાલત અતિ ગંભીર છે.
આ દીવાલ તૂટી શાથી? એના માટે મંદિરના પરિસરમાં જોરશોરથી વાગી રહેલા ડી.જે.સાઉન્ડા સિસ્ટમને કારણભૂત માનવામાં આવે છે. આમ પણ સતત વરસાદને કારણે દીવાલ પાયામાંથી નબળી પડી ગઈ હશે, અને અતિશય મોટા સૂરે વાગી રહેલા ધ્વનિથી પેદા થતી ધ્રુજારી સામે આ જર્જરિત દિવાલ ઝીંક ઝીલી શકી નહીં. મૃત બાળકો આઠથી પંદર વર્ષની વયનાં હતાં.
તંત્ર દોડતું થયું. મુખ્ય પ્રધાને પ્રત્યેક મૃતકના પરિવારને ચાર લાખનું વળતર આપવાની જાહેરાત કરી. જિલ્લા કલેક્ટર અમે પોલિસ વડા સહિત અન્ય અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. મકાનમાલિક અને ધાર્મિક કાર્યક્રમના આયોજકો સામે ફરિયાદ નોંધાવાઈ છે. આ ફરિયાદમાં કઈ કલમ લગાડવામાં આવે છે એ જોવું રહ્યું, કેમ કે, કેવળ ધ્વનિ પ્રદૂષણના કાનૂનભંગની કલમ લગાવવામાં આવે તો એમાં દંડ ભરવાનો આવે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ દ્વારા વિવિધ વિસ્તારો માટે તેમજ સમયાનુસાર ઘોંઘાટની તીવ્રતાની માત્રા નિર્ધારીત કરાયેલી છે. અત્યાર સુધી વાયુ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1981માં ધ્વનિ પ્રદૂષણને લગતી બાબતોનો સમાવેશ કરાયેલો હતો. હવે તેના માટે અલાયદો ધ્વનિ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમ, 2000 અમલી કરવામાં આવ્યો છે.
નિવાસી વિસ્તારોમાં દિવસ દરમિયાન આ માત્રા 55 ડેસિબલની અને રાત માટે 45 ડેસિબલની છે. આની સામે વાસ્તવિકતા એ છે કે સામાન્ય સંજોગોમાં પણ ડી.જે.સાઉન્ડવ દ્વારા વગાડવામાં આવતા સંગીતના ધ્વનિની તીવ્રતા 145 ડેસિબલથી વધુ હોય છે. સામાન્ય સંજોગોમાં કોઈ વ્યક્તિના કાને 55 ડેસિબલથી વધુ ધ્વનિ પાંચ મિનીટ સુધી કાને પડે તો એ નુકસાનકર્તા સાબિત થઈ શકે છે.
આમ, બની ગયેલી દુર્ઘટના અને કાનૂની જોગવાઈ વિશે જાણ્યા પછી મૂળ મુદ્દા પર આવીએ. મધ્ય પ્રદેશમાં બનેલી આ દુર્ઘટના અને તેનો ભોગ બનેલાં બાળકો પ્રત્યે શોક પ્રદર્શિત કરી લીધા પછી આપણે આપણી જાત વિશે વિચારવાનું છે. ડી.જે.સાઉન્ડરનું દૂષણ અનેકગણું વધી ગયું છે, અને તે કાનૂન દ્વારા નિયંત્રીત કરી શકાતું નથી એ હકીકત છે. કેમ? કેમ કે, એ દૂષણ ફેલાવનારા કોઈ અન્ય ગ્રહ પરથી નથી આવતા, બલ્કે આપણે સૌ જ છીએ. એ દૂષણ ત્યાં સુધી જ લાગે છે કે જ્યાં સુધી આપણે એ કાર્યક્રમનો હિસ્સો ન હોઈએ.
પોતાને આંગણે પ્રસંગ આવે ત્યારે આપણે પણ પૂરા જોશથી એ દૂષણ ફેલાવવા માટે પૂરતો પ્રયત્ન કરીએ છીએ. ધારો કે, એની વિરુદ્ધ કોઈ ફરિયાદ કરે તો પોલિસ મોટે ભાગે સમજાવટથી કામ પાર પાડવાનું પસંદ કરે છે. કેમ કે, ડી.જે.સાઉન્ડાનો મામલો પ્રદૂષણનો નહીં, સામાજિકતાનો છે. આ પ્રદૂષણ હોંશે હોંશે, ઉત્સાહપૂર્વક નહીં, પણ ઝનૂનપૂર્વક ફેલાવનારને એમ જ લાગે છે કે પોતાને ઘેર પ્રસંગ હોવાથી આટલા સમય પૂરતો ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનો પોતાનો હક છે, અને બીજાઓને તેમાં કશો વાંધો ન હોવો જોઈએ. આવી માન્યતા ઘણાખરા કિસ્સામાં સાચી હોય છે, કેમ કે, આસપાસના લોકોને ત્યાં પણ પ્રસંગ આવે ત્યારે ડી.જે.ના ‘સ્થાપન’ વિના પ્રસંગની ઉજવણી પૂરી થયેલી ગણાતી નથી.
ગુજરાતમાં ભારે વરસાદે સર્જેલી તબાહીની અસર અને આઘાત હજી ઓસર્યાં નથી કે ગણેશ ચતુર્થીના આગમન પહેલાં ડી.જે.સાઉન્ડે સિસ્ટમ બેશરમીપૂર્વક વગાડાઈને કાનના પડઘા ધ્રુજાવી રહી છે. આ સંવેદનજડતા માટે કયા શબ્દો વાપરવા? આ સંજોગોમાં મધ્ય પ્રદેશની ઘટના અંગે ટીકા કરી શકવાની લાયકાત આપણી પાસે રહેતી નથી. આથી કિસા ગોતમીનો કિસ્સો યાદ આવે છે. એવું કોઈ ઘર હશે ખરું કે જેણે પોતાના કોઈ પ્રસંગની ઉજવણી ડી.જે.સાઉન્ડદના ઉપયોગ વિના કરી હોય!
આમ પણ, ઉજવણી દરમિયાન ઘોંઘાટ આપણા લોકોનું પ્રમુખ લક્ષણ છે. ઘરઆંગણે ઉજવાતા તહેવારોમાં હવે સરકારનો પગપેસારો થઈ ગયો છે. એને કારણે ઘોંઘાટને નિયંત્રીત કરવો મુશ્કેલ બની રહે છે. કેમ કે, સરકારને પોતાની હાજરી પુરાવવી હોય તો તીવ્ર સ્તરનો ઘોંઘાટ પેદા કર્યા વિના ચાલે નહીં. હજી આ બાબતની એટલી સમજણ પણ આપણા એકે સ્તરના નાગરિકમાં કેળવાયેલી જોઈ શકાતી નથી કે ડી.જે.સાઉન્ડન બીજાને તો ઠીક, સૌથી પહેલું નુકસાન ખુદ આપણને કરે છે. જનતામાં લોકશાહીની સમજણનો આ પણ એક માપદંડ ગણી શકાય. એવું કોણ હશે જેણે પોતાને ઘેર પ્રસંગની ઉજવણી કરી હોય અને ડી.જે.સિસ્ટમનો કાનફાડ ઘોંઘાટ પેદા ન કર્યો હોય! વર્તમાન સમયમાં ભગવાન બુદ્ધ કિસા ગોતમીને કદાચ આમ કહીને આપણા દેશમાં ઘોંઘાટનું અફરપણું સમજાવત.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.