માનવજીવન એક પ્રવાસ છે. શૈશવકાળ બાદ જ્યારે વ્યક્તિ નવયુવાન બને ત્યારે સમજશક્તિ અને સહનશીલતા, સમાધાનવૃત્તિના સદ્દગુણો આવશ્યક સ્વીકારવા જ રહ્યા. અનેક સંબંધો સાથે માનવી સંકળાયેલો હોય છે. તુંડે તુંડે મતિર્ભિન્ના હોવાથી સંબંધનો સેતુ મજબૂત રાખવો હોય તો સહનશીલતા અને સમાધાન આવશ્યક બની જાય છે. જીવનપ્રવાસમાં ચાલશે, ફાવશે અને ભાવશે. આ ત્રણ બાબત સ્વીકારી લઈએ તો પરિવાર કે અન્ય સગાં સંબંધીને પણ પ્રિય થઈ શકીએ. બહારગામ ફરવા જઈએ ત્યારે પણ આ ત્રણ મુદ્દા સ્વીકારી લઈએ તો પર્યટનનો, પ્રવાસનો આનંદ શ્રેષ્ઠ રીતે માણી શકાય છે.
આપણી સાથે સંકળાયેલી પ્રત્યેક વ્યક્તિ આપણું જ ધાર્યું કરે એ શક્ય નથી. અન્ય વ્યક્તિ પર આપણા વિચારો થોપી દેવા એ પણ અયોગ્ય વાત, પછી એ પરિવારજનો હોય કે મિત્ર કે સંબંધી હોય. દરેક વ્યક્તિને સ્વયંની વિચારધારા, પસંદ- નાપસંદ હોય જ. નિખાલસતા, સરળતા, સ્મિતસભર વ્યવહાર, જતું કરવાની ભાવના વિ. અનેક સદ્દગુણો માનવીને જીવનમાં સંબંધ જાળવી રાખવામાં મદદરૂપ નિવડી શકે અને જીવનસંધ્યાએ આ સદ્દગુણો માનવીનું સન્માન જાળવી રાખવામાં મદદગાર નિવડી શકે છે. પરિવારમાં વડીલોનું માનસન્માન જાળવી રાખવાની પણ યુવાવર્ગની ફરજ અને ધર્મ બંને છે.
સુરત – નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.