તાજેતરમાં જ આઇપીએલ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી આઉટ થતાં એણે ગુસ્સામાં ખુરશી સાથે બેટ પછાડયું હતું. આવા વર્તન માટે મેચ રેફરીએ કોહલીને આકરા શબ્દોમાં ઠપકો પણ આપ્યો હતો. કોહલીએ સીધી રીતે કબૂલાત પણ કરી હતી. કોહલી શોર્ટ ટેમ્પર્ડ છે એ કોઇ નવી વાત નથી પણ આખરે વિરાટ ત્રણેય ફોર્મેટસનો કેપ્ટન છે. ઘણા ક્રિકેટરો કહી ચૂકયા છે કે એ શોર્ટ ટેમ્પર્ડ જ નથી પણ તોછડો પણ છે. આવી કબૂલાત ગૌતમ ગંભીર તો જાહેરમાં કરી ચૂકયો છે.
ગ્રેશન કે એટિટયુડ કોહલી માટે કોઇ નવી વાત નથી પણ એના કલાસના લીધે બધું સચવાતું આવ્યું છે. કોહલી જુનિયર વર્લ્ડકપ કેપ્ટન તરીકે જીત્યો એ વેળાનો એનો સાથી ખેલાડી કહેતો ફરે છે કે વિરાટ ઘમંડી અને બોલવામાં અતડો છે. કોહલીનું સૌથી મોટું ડ્રો-બેક એ છે કે એ સમીક્ષા કરતી વેળા કોઇની પણ ટીકા કરી લે છે પણ એની કોઇ સાચી ટીકા કરે તો રાતોપીળો થઇ જાય છે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસિર હુશેને એક વાર એવી ટીકા કરી હતી કે કેપ્ટન તરીકે વિરાટ મેદાનમાં જે ઉછળકૂદ કરે છે એમાં મલાજો જળવાતો નથી. કોહલીએ જવાબ વાળેલો કે લંડનની એમસીસીએ એવો કોઇ નિયમ નથી બનાવ્યો કે ઉછળકૂદ ન કરવી. અમે સ્વચ્છ ક્રિકેટના હિમાયતી છીએ!
ક્રિકેટ ફિલ્ડ પર પણ વિરાટ અગ્રેસીવ રહે છે. વિરાટના સ્વભાવમાં એક પરિવર્તન અવશ્ય દેખાયું છે. પહેલા સાથી ખેલાડીને ખીજવાયને તતડાવી કાઢતો હતો. પણ રવિ શાસ્ત્રી સાથે સંબંધો કેળવાયા પછી સાથી ખેલાડીઓ સાથે સારું એકીકરણ નિહાળવા મળ્યું છે. હા, રોહિત શર્મા અને ગૌતમ ગંભીર સાથે કોહલીને ઝાઝું હળતું નથી. છતાંયે અહીં પણ રવિ શાસ્ત્રીના પ્રયાસોએ સમાધાન તો થયું જ છે. કોહલી ફિલ્ડ પર વારંવાર ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંગ ધોનીની સલાહ લેતો હતો. હવે રોહિત શર્મા સાથે ચર્ચા કરતો જણાય છે. એવું કહેવાય છે કે જસપ્રીત બુમરાહ સ્વભાવે સાવ એકાકી છે પણ કોહલી બુમરાહ સાથે સારા સંબંધો રાખે છે. બુમરાહ નંબર વન બોલર છે. વચમાં લેજેન્ડ સુનીલ ગાવસકરે અનુષ્કા વિરાટ માટે સામાન્ય જોક કર્યો હતો. અનુષ્કાએ છણકો કરી જવાબ વાળ્યો હતો પણ લોકોએ આ વાતને હસી કાઢી હતી.
ઓસ્ટ્રેલિયન મીડિયા કે લોકો સાથે કોહલીને રાસ આવતી નથી. પબ્લિક સાથે પણ એકબે વાર એ અથડામણમાં ઊતરી પડયો હતો. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ સ્લેજીંગની શરૂઆત કરી એટલે કોહલી તરત જ જવાબ વાળે છે. એ ત્યાંનાં મીડિયા કે લોકો સહિષ્ણુ બની સાંભળી શકતાં નથી. આથી જ ત્યાંનાં લોકો વિરાટને ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે. પર્થ પર વિરાટે લડાયક શતક ફટકાર્યો હતો. સુકાની પાઇને અને સાથીઓએ પજવણી કરવા હળવી સ્લેજીંગ કરી હતી. પણ આવા ચક્રવ્યૂહમાં કોહલી ફસાય જાય એવું કેરેકટર નથી. અગાઉ કોહલીનો પુરોગામી કેપ્ટન સૌરવ ગાંગુલીએ એક વાર કહયું હતું કે ઓસ્ટ્રેલિયામાં ઢીલાપોચા કેપ્ટનનું કામ જ નથી. ટીમ ભલે હારે કે જીતે કડકાય તો ત્યાં રાખવી જ પડે. ઇંગ્લેન્ડનું મીડિયા આથી જ ઓસ્ટ્રેલિયનોને હલકા હવાલદારો કહે છે!
વિરાટની લાઇફસ્ટાઇલમાં છેલ્લાં વરસોમાં ઘણા ફેરફારો જણાયા છે. નજીકના મિત્રો માને છે કે અહીં અનુષ્કાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. અનુષ્કા ધાર્મિક અને સંસ્કારી કબીલાનું ફરજંદ છે. પહેલાં તો વિરાટને પ્યોરલી વેજ બનાવી દીધો. આહારમાં અનેક ફેરફારો આવ્યા. વિરાટ જે પાણી પીએ છે એ મોંઘીદાટ પરદેશી બીસલેરી બોટલ્સ છે. એ પરફેકટલી ફિટ રહે છે. વિરાટ તળેલી અને તીખી પંજાબી વાનગી ખાતો હતો. હવે નિયંત્રણોને કારણે અને જીમમાં વધુ સમય લેતો હોવાથી એકાગ્રતા પણ કેળવી શકયો. વિશ્વના ચોટીના છ ખેલાડીઓમાં કમાણીમાં એ ગણના પામે છે. આજે તો કેટલીયે કંપનીઓનો બ્રાન્ડ એમ્બેસેડર છે.
(વાત અહીં વિરાટ કોહલીની છે. હવે આઉટ થતાં ખુરશીમાં બેટ મારી બેઠો. વિરાટને કોઇ ને કોઇક વિવાદ નડતો જ હોય છે. છેલ્લાં વરસોમાં એની લાઇફસ્ટાઇલ કે રૂચિઓમાં અનેક પરિવર્તનો નિહાળવા મળ્યાં છે. અહીં એની અનેક અભિવ્યકિતઓ નિહાળવા મળશે.)