Sports

વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે?, BCCIએ શું કહ્યું જાણો…

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે અને તેણે આ અંગે બીસીસીઆઈ (BCCI)ને પણ જાણ કરી દીધી છે. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમનો ભાગ બનવાની તેની શક્યતા ઘણી ઓછી છે. જોકે, બોર્ડના એક ઉચ્ચ સ્તરીય અધિકારીએ કોહલીને આ નિર્ણય પર પુનઃવિચાર કરવાની અપીલ કરી છે. હવે જોવાનું એ રહે છે કે પસંદગી સમિતિ જ્યારે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરશે ત્યારે કોહલીના ભવિષ્ય અંગે શું નિર્ણય લેવામાં આવશે.

વિરાટ પહેલા હિટમેન રોહિત શર્માએ બુધવારે (7 મે) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 7 મેના રોજ તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી અને લાલ બોલ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. જોકે તે વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેચ રમવાનું ચાલુ રાખશે. ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ 38 વર્ષીય રોહિત શર્માએ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

રોહિતની જેમ કોહલીએ પણ 2024 માં T20 વર્લ્ડ કપ જીત્યા પછી ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટને અલવિદા કહ્યું હતું. આવી સ્થિતિમાં ક્રિકેટ ચાહકો ROKO (રોહિત અને કોહલી) ની જોડીને ODI માં રમતા જોઈ શકશે. તે બંને હાલમાં IPL ક્રિકેટમાં રમતા જોવા મળ્યા હતા. જે ભારત-પાકિસ્તાન તણાવને કારણે હાલ સ્થગિત કરવામાં આવી છે.

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ થોડા દિવસોમાં નક્કી થશે
ભારતીય પસંદગીકારો આગામી મહિને ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમ પસંદ કરવા માટે દિવસોમાં મળવાના છે. જાણવા મળ્યું છે કે કોહલી આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીથી તેના ટેસ્ટ ભવિષ્ય પર વિચાર કરી રહ્યો હતો, જ્યારે તેણે પહેલી ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ ખરાબ પ્રદર્શન કર્યું હતું.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન કોહલી ગુસ્સામાં હતો
36 વર્ષીય વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રમતા જોવા મળ્યો હતો. જ્યાં ભારતને 5 મેચની શ્રેણીમાં 1-3 થી હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીએ શ્રેણીની પહેલી મેચ એટલે કે પર્થ ટેસ્ટમાં સદી ફટકારી હતી પરંતુ તે પછી તે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.

કોહલીએ તે શ્રેણીની 5 મેચની 9 ઇનિંગ્સમાં 23.75 ની સરેરાશથી ફક્ત 190 રન બનાવ્યા હતા. આમાં પર્થમાં ફટકારવામાં આવેલી 100 રનની અણનમ સદીનો સમાવેશ થાય છે.

કોહલીનું ટેસ્ટ ડેબ્યૂ 2011માં થયું હતું
વિરાટ કોહલીનું ટેસ્ટ ડેબ્યૂ જૂન 2011માં કિંગ્સ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે થયું હતું. કોહલીએ પહેલી ઇનિંગમાં 4 રન અને બીજી ઇનિંગમાં 15 રન બનાવ્યા હતા. તેમની છેલ્લી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં હતી, જે જાન્યુઆરી 2025માં રમાઈ હતી. આ છેલ્લી ટેસ્ટમાં કોહલીએ પહેલી ઇનિંગમાં 17 રન અને બીજી ઇનિંગમાં 6 રન બનાવ્યા હતા.

વિરાટ કોહલીની ક્રિકેટ કારકિર્દી
123 ટેસ્ટ, 210 ઇનિંગ્સ, 9230 રન, 46.85 સરેરાશ, 30 સદી, 31 અડધી સદી,
302 વનડે, 290 ઇનિંગ્સ, 14181 રન, 57.88 સરેરાશ, 51 સદી, 74 અડધી સદી, 5 વિકેટ
125 ટી૨૦, 117 ઇનિંગ્સ, 4188 રન, 48.69 સરેરાશ, 1 સદી, 38 અડધી સદી, 4 વિકેટ

Most Popular

To Top