નવી દિલ્હી : ભારતીય ટીમના માજી મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ (Ravi Shashtri) કહ્યું હતું કે ટી-20 (T-20) ફોર્મેટના કેપ્ટનપદને છોડ્યા પછી વિરાટ કોહલી (Virat Kohli) ખાસ કરીને કોરોના (Corona) કાળમાં આ જવાબદારી સાથે જોડાયેલા તિવ્ર પ્રેશરને કારણે અન્ય ફોર્મેટની કેપ્ટનશિપ (Captainship) પણ છોડી શકે છે. શાસ્ત્રીનો કાર્યકાળ ટી-20 વર્લ્ડકપ (World Cup) સાથે જ પુરો થયો છે. કોરોના સમયના બબલના થાકને કારણે કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની ટી-20 સીરિઝ અને પ્રથમ ટેસ્ટમાંથી આરામ લીધો છે. ટી-20 વર્લ્ડકપ પછી તેણે ટૂંકા ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દીધી હતી.
એક ચેનલ સાથેની વાતચીતમાં શાસ્ત્રીને કોહલી વર્કલોડ મેનેજમેન્ટને સારી રીતે પહોંચી વળવા માટે અન્ય ફોર્મેટની કેપ્ટનશિપ છોડવા બાબતે પુછાયું હતું,, ત્યારે શાસ્ત્રીએ કહ્યું હતું કે રેડ બોલ ક્રિકેટમાં ભારત તેની કેપ્ટનશિપમાં છેલ્લા પાંચ વર્ષમાં નંબર વન રહ્યું હતુ. માનસિકરૂપે થાકીને જ્યાં સુધી તે તેને નહીં છોડે અથવા તો તે કહે કે મારે બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે ત્યાં સુધી નજીકના ભવિષ્યમાં એવું લાગતું નથી. આવું તરત તો નહીં થાય પણ એવું થઇ તો શકે જ છે. સફેદ બોલ ક્રિકેટમાં પણ એવું થઇ શકે છે.
તે એવું કહી શકે છે કે બહું થયું હવે હું ટેસ્ટ કેપ્ટનશિપ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગુ છુ, એ તેનું શરીર અને મન હશે જે આ નિર્ણય લેવડાવશે. પણ એવું કરનારો તે પહેલો નથી. ઘણા સફળ ખેલાડીઓએ પોતાની ટીમ માટે બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા કેપ્ટનશિપ છોડી છે. શાસ્ત્રીએ કહ્યું હતું કે કોહલી હજુ સુધી ટીમનો સૌથી ફિટ ક્રિકેટર છે.
નોંધનીય છે કે ટી-20 વર્લ્ડકપ પહેલાં જ વિરાટ કોહલીએ ક્રિકેટના આ શોર્ટ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી દીધી હતી. 17 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે શરૂ થનારી ટી-20 સિરીઝની કપ્તાની રોહિત શર્મા કરી રહ્યો છે. હાલમાં વિરાટ કોહલીએ આરામ લીધો છે. તે ટી-20 બાદ ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં પણ રમવાનો નથી.