વિત્યા મહિનાઓમાં કોઇ ‘ખાન’ની ફિલ્મ રજૂ નથી થઇ અને આવનારા 8-10 મહિનામાં પણ કદાચ એક ‘સિતારે જમીં પર’ રજૂ થાય તો આમીરખાન સિવાય કોઇ ‘ખાન’ બોકસ ઓફિસ પર દેખાશે નહીં. અરે તે શું ઋતિક રોશન કે રણબીર કપૂર, રણવીર સીંઘની ફિલ્મો પણ નથી રજૂ થવાની. શું તેમની જગ્યાએ કોઇ સ્ટારનો ઉદય થશે? યા જે છે તેમાંથી કોઇ પોતાની સ્થિતિ મજબૂત કરશે? થિયેટરમાં ફિલ્મો જોનારા મોટા સ્ટાર્સથી જ આકર્ષાતા હોય છે. અજય દેવગણ, અક્ષયકુમાર મોટા સ્ટાર્સ છે છતાં તેઓ જાદુ કરે તેવા નથી. તો કોણ છે જે વધુ સારા વિકલ્પ તરીકે આવનારા સમયમાં છવાશે?
રણવીર સીંઘને મોટા સ્ટાર તરીકેની ઇમેજ ઊભી કરવામાં સંજય લીલા ભણસાલીની ફિલ્મોનો હાથ છે. હવે ભણસાલીની નજર વિકી કૌશલ પર ઠરી હોય એમ લાગે છે. તેની ‘લવ એન્ડ વોર’ બની રહી છે, જેમાં રણબીર કપૂર તો છે પણ સાથે વિકી કૌશલ પણ છે. આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસમાં રજૂ થવાની છે પણ વિકીની ઇમેજ આ ફિલ્મથી સ્ટ્રોંગ બનશે એ નક્કી છે. રણવીર સીંઘને જરૂર આઘાત લાગ્યો હશે કે તે હવે ભણસાલીનો ફેવરીટ નથી રહ્યો.
જો બહુ લોકપ્રિય સ્ટાર હોય તેનામાં પ્રેક્ષકોને ઘેલા કરવાની તાકાત હોવી જોઇએ. જે લોકોના દિલ પર રાજ કરે તે જ બોકસ ઓફિસ પર રાજ કરે. અત્યારે રણબીર કપૂર સિવાય કોઇનામાં એવી તાકાત નથી. ‘ખાન’ ત્રિપુટી અને ઋત્વિક રોશન પછી રણબીર જ છે. તેની જગ્યાએ વિકીએ પણ આવવું હોય તો તેણે હવે રોમેન્ટિક ફિલ્મો કરવી જરૂરી છે, પણ તે જરા સિરીયસ પ્રકારનો એકટર છે. વિકી ‘છાવા’ જેવી ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા કરી રહ્યો છે અને તે તેને ઘણી નામના આપશે. સાથે રશ્મિકા મંદાના છે એટલે પણ આ ફિલ્મ જોવાશે પણ આવી ફિલ્મથી વિકી કૌશલની સ્ટાર તરીકેની ઇમેજ કદાચ જ સ્ટ્રોંગ બનશે.
વિકી કૌશલ અત્યારે મોટી ફિલ્મોની કાસ્ટમાં સ્થાન પામે છે અને આમીર ખાન જેવા નિર્માતાની ‘લાહોર 1947’માં આમીર ખાન, સની દેઓલ સાથે દેખાવાનો છે. તે કયારેય આવા મોટા સ્ટાર્સ સાથે આવ્યો નથી. ‘સંજુ’માં રણબીર કપૂર સાથે હતો પણ ત્યારે તે હજુ વિકી કૌશલ તરીકે ઓળખ પામ્યો ન હતો. વિકીને સારી ફિલ્મો જ નહીં, સારી હીરોઇનો સાથેની ફિલ્મો પણ મળી રહી છે. ‘બેડ ન્યૂસ’માં તેની સાથે ત્રિપ્તી ડીમરી છે જે આવનારા સમયમાં કિયારા અડવાણી, રશ્મિકા મનદાના વચ્ચે સેન્સેશન તરીકે જોવામાં આવે છે. મેઘના ગુલઝાર સાથે ‘રાઝીદ અને ‘સામ બહાદૂર’, રાજકુમાર હીરાની સાથે ‘સંજુ’ અને ‘ડંકી’ કરી ચૂકેલો વિકી કૌશલ મોટા સ્ટાર્સ સાથે કામ કરવામાં સંકોચાતો નથી. તેનામાં સાહજિક અભિનય પ્રતિભા છે. ભણસાલી જ તેને વધુ એક ફિલ્મમાં કિયારા અડવાણી, નયનતારા સાથે તક આપી રહ્યા છે. એવું લાગે છે કે બધા અત્યારે વિકી કૌશલ પર સૌથી વધુ આશા રાખી રહ્યા છે. આદિત્ય ઘર પણ તેને ‘ધ ઇમ્મોર્ટલ અશ્વત્થામા’માં સામંથા રૂથ પ્રભુ અને અલ્લુ અર્જુન સાથે અશ્વત્થામા રૂપે રજૂ કરશે. આ બધી જ મોટી ફિલ્મો છે પણ શું તેનાથી વિકી કૌશલમાં મોટા સ્ટાર તરીકેની ચમક ભરાશે? તે પ્રેક્ષકોને ઘેલાં કરશે? બોકસ ઓફિસ પર જાદુ બની છવાશે? •
વિકીનું કૌશલ શું તેને ટોપ સ્ટાર બનાવશે?
By
Posted on