હકીકતે તો વિકી કૌશલ ગળે આવી ગયો છે. ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક’ પછી તેની ત્રણ ફિલ્મો રજૂ થઈ પણ એકે નથી ચાલી. ફિલ્મજગતમાં એવું છે કે જ્યારે કોઈ હીરોની ફિલ્મ સફળ જાય કે તરત તેનો મોટો પ્રચાર થવા લાગે કે બીજા હટી જાય, રિયલ સ્ટાર આવી ગયો છે. સારી વાત એ છે કે વિકી કૌશલ સ્વયં એવા ભ્રમમાં નથી પડ્યો પણ તેણે ‘ગોવિંદા નામ મેરા’ ફિલ્મ ઈમેજ પ્રમાણે નહોતી એ પણ સ્વીકારી, ખરું આજના સમયમાં કોઈ સ્ટારને પ્રયોગ કરવાનો ઝાઝો સમય નથી મળતો. એટીએમ કાર્ડ જેવું છે. અંદર સરકાવો એટલે બહાર નોટ સરકવા માંડવી જોઈએ. વિકી કૌશલને સફળતાની જરૂર એટલે પણ છે કે કેટરીના કૈફને તે 2021માં પરણ્યોને પત્નીને એક પણ સફળ ફિલ્મનું ગૌરવ અપાવી શક્યો નથી. અલબત્ત, કેટરીના કાંઈ ડાયવોર્સ લેવાની નથી એમ માનીએ તો પણ વિકી પર મોટું દબાણ છે.
‘ઝરા હટકે જરા બચકે’ ફિલ્મ રજૂ થઈ રહી છે પણ તેનો કોઈ મોટો પ્રચાર નથી થયો. થિયેટરમાં રજૂ થનારી ફિલ્મો મોટા પ્રચાર વિના લોકોમાં કુતુહલ ન જગાડી શકે. ‘ધ કેરલા સ્ટોરી’નું ઉદાહરણ મનોરંજક ફિલ્મોને લાગુ ન પાડી શકાય. વિકી કૌશલની ‘જરા હટકે જરા બચકે’ ના નિર્માતા દિનેશ વિજન શું એમ માનતા હશે કે વિકી મોટો સ્ટાર છે અને ફિલ્મ ચલાવી જશે? આજકાલ મોટા ડ્રામાવાળી, વધુ પડતી નાટકીયતા ધરાવતી, વીએફએક્સ વાળી ફિલ્મો ‘મનોરંજન’ની અપેક્ષામાં ઉમેરાય ગઈ છે. વિકીની ફિલ્મ એવી નથી તો શું તેની વાર્તા અને વિકી-સારા અલીખાન આ ફિલ્મને ચલાવી જશે? જો તેમ થાય તો વિકી-સારાની જોડી સફળ ગણાશે. આ ફિલ્મ તેમના પ્રેમ-લગ્નમાં જે ઊપર-તળે થાય તેના આધારીત જ છે. આમ તો શાહરૂખ ખાનની ‘જવાન’ની રજૂઆત સપ્ટેમ્બરમાં ઠેલાય એટલે અચાનક આ ફિલ્મ આવી ચડી છે પણ તેથી કોઈ વિકી પોતાને શાહરૂખ તો ન જ માનશે.
આજકાલ ફિલ્મ રજૂ કરતી વેળાની બેચેની ખૂબ વધી ગઈ છે. સલમાને ‘કભી ઈદ કભી દિવાલી’ શીર્ષક હેઠળ શરૂ કરેલી ફિલ્મને રજૂ થવા પહેલા ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ રાખી દીધેલું. ‘જરા હટકે જરા બચકે’નું મૂળ શીર્ષક ‘લુકાછુપી-2’ હતું. શું આમ શીર્ષક બદલવાથી ફિલ્મનું ભાગ્ય બદલાવી શકાય છે? જુઓ, હવે જે થાય તે પણ હા, વિકીની ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’, ‘મેરે મહેબૂબ મેરે સનમ’, ‘સામ બહાદૂર’ અને ભલે શાહરૂખ-તાપસીની છે તો પણ વિકી તેમાં છે તો ‘ડંકી’ની પ્રતિક્ષા રહેશે. આમાની ‘મેરે મહેબૂબ મેરે સનમ’ ફિલ્મ સાન્યા મલ્હોત્રા, તૃપ્તિ ડીમરી સાથેની છે જે શીર્ષકથી રોમેન્ટીક લાગે છે. વિકી પોતાની ઈમેજ ડેવલપ કરવા અથવા નવી ક્રિયેટ કરવા પ્રયત્નશીલ છે. પણ બધો આધાર અત્યારે બોક્સ ઓફિસ રિસ્પોન્ડ નથી કરતી તેની વચ્ચે સફળ થવા પર છે.
અત્યારે વેકેશનનો અને ગરમીનો માહૌલ છે તેની વચ્ચે વિકીની ફિલ્મ ટાઢક આપશે? સારા અલી ખાન પણ સફળતા માટે તરસી રહી છે તો હવે શરૂઆત કરે. ગરમી આજકાલ ખૂબ છે પણ બોક્સ ઓફિસ ગરમ નથી થતી. ‘ઝરા હટકે’ ફિલ્મ હશે તો લોકો જોશે બાકી એકબીજાને કહેશે ‘ઝરા બચકે.’ •