Editorial

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ અને રાજ ઠાકરે ફરી ભેગા થઇ શકશે?

મહારાષ્ટ્રમાં હાલ એક રાજકીય ઘટનાક્રમ સર્જાઇ રહ્યો છે. શિવસેનાના દિવંગત સ્થાપક બાલ ઠાકરેના પુત્ર ઉદ્ધવ અને ભત્રીજા રાજ વચ્ચે સમાધાન થાય અને તેઓ ફરી ભેગા થાય તેવા સંકેતો મળ્યા છે. બદલાયેલા રાજકીય સંજોગો વચ્ચે તેઓ ભેગા થઇ શકે છે એવા સંકેતો આપતા નિવેદનો આ બંને પિતરાઇ ભાઇઓએ આપ્યા છે. આમ તો પક્ષમાં વર્ચસ્વના મામલે બંને પિતરાઇ ભાઇઓ વચ્ચે ખટરાગ થયો અને રાજ ઠાકરેએ શિવસેના છોડી તેને બે દાયકા જેટલો સમય થઇ ગયો છે. ત્યારબાદ તો મહારાષ્ટ્રમાં ઘણા સંજોગો બદલાયા.

ઉદ્વવના વડપણ હેઠળની શિવસેનાએ ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી. પછી ઉદ્ધવને ભાજપ સાથે ખટરાગ થતા તેમણે કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી અને અઢી વર્ષ ચલાવી, પછી એકનાથ શિંદેની આગેવાની હેઠળ ઉદ્ધવ સામે જ બળવો થયો સરકાર પડી. હાલ હવે મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર છે. બાજુએ ધકેલાઇ ગયેલા અનુભવતા ઉદ્ધવ અને રાજ ઠાકરે હવે સમાન તરંગ લંબાઇ પર આવી ગયા છે અને બંને જણા હવે મરાઠી અસ્મિતાના નામે ભેગા થવાનો પ્રયાસ કરી રહ્યા છે.

એક સમય હતો જ્યારે શિવસેનામાં વધુ પ્રભાવશાળી એવા રાજ ઠાકરેને બાલ ઠાકરેના વારસદાર માનવામાં આવતા હતા. જો કે આ સંગઠનના નેતૃત્વના મુદ્દે ઉદ્ધવ ઠાકરે સાથે રાજને સંઘર્ષ સર્જાવા માંડ્યો અને બાલ ઠાકરેનું વલણ પણ ભત્રીજાની સામે પુત્રની તરફેણ કરતું જણાયું તેના પછી વર્ષ ૨૦૦૫માં ઠાકરે કુટુંબમાં તિરાડ પડી. રાજ ઠાકરેએ શિવસેના સાથે છેડો ફાડ્યો અને ત્યારબાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે) નામના પોતાના જુદા પક્ષની સ્થાપના કરી. ૨૦૧૨માં બાલ ઠાકરેના અવસાન પછી ઉદ્ધવ ઠાકરે શિવસેનાના સર્વેસર્વા બન્યા.

૨૦૧૪માં શિવસેનાએ મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સરકાર પણ બનાવી. પરંતુ ૨૦૧૯ની ચૂંટણી બાદ સરકાર રચના મામલે ભાજપ સાથે ખટરાગ થયા બાદ શિવસેના એનડીએમાંથી નિકળી ગઇ અને ઉદ્ધવે કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી અને પોતે મુખ્યમંત્રી બન્યા. જો કે અઢી વર્ષ બાદ તેમના જ પક્ષમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળ બળવો થયો અને શિંદેએ ભાજપ સાથે મળીને સરકાર બનાવી. હાલની વિધાનસભા ચૂ઼ંટણીમાં પણ આ યુતિ જીતી ગઇ અને ભાજપ અને શિંદે શિવસેના તથા એનસીપી(અજીત)ની સરકાર બની . આ સરકાર બન્યા સાથે સંજોગો બદલાયા. ઉદ્ધવ અને રાજ બંને હવે સમાન જેવી સ્થિતિમાં છે અને તેઓ ભેગા થવા માગે છે. જો કે ગઠબંધન પહેલા જ જૂની વાતોની કડવાશ પણ બહાર આવવા માંડી છે.

હવે બે દાયકા પછી ઉદ્ધવ અને રાજ ઠાકરે ભેગા થઇને મહારાષ્ટ્રમાં ભાજપનો મુકાબલો કરવા માગે છે. આમાં તેમણે મહારાષ્ટ્રના ગૌરવ અને મરાઠી અસ્મિતાને મુદ્દો બનાવ્યો છે. મહારાષ્ટ્રની શાળાઓમાં ત્રીજી ભાષા તરીકે હિન્દીને ફરજિયાત કરવાની બાબતને પણ એક મુદ્દા તરીકે જોવાય છે. બંને પિતરાઇ ભાઇઓ ભેગા થઇને ભાજપનો મુકાબલો કરવા માગે છે. પણ હાલના તેમના સામસામેના નિવેદનો જોતા બંને વચ્ચે સંપૂર્ણ કડવાશમુક્ત સમાધાન થઇ શકે કે મેમ તે બાબતે શંકા જાય છે. ઉદ્ધવ અને રાજ ઠાકરે ભેગા થઇને મહારાષ્ટ્રમાં ભાજપ અને તેના સાથીપક્ષોનો કેવી રીતે અને કેટલી હદે મુકાબલો કરી શકશે તે તો પછીની વાત છે. હાલ તો બંને વચ્ચે કેવું સમાધાન થાય છે અને તે કેટલું મજબૂત નિવડે છે તે જ જોવાનું રહે છે.

Most Popular

To Top