Editorial

એલન મસ્કના હાથમાં ગયેલું ટ્વીટર વિકસશે કે પડી ભાંગશે?

વિશ્વના ટોચના ધનવાન એવા એલન મસ્ક છેલ્લા કેટલાક દિવસોથી ફરીથી ચર્ચામાં છે. તેમણે વિશ્વનું એક જાણીતું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર ખરીદી લીધું છે અને એટલું જ નહીં પણ ટ્વીટર ખરીદ્યા પછી તેમણે ટ્વીટરની નીતિઓને લગતા મોટા ફેરફારો કરવાની જાહેરાત કરી છે અને કેટલાક ફેરફારો તો કરી પણ નાખ્યા છે. ટ્વીટર કંપનીની અંદર પણ તેમણે કેટલાક મોટા ફેરફારો કર્યા છે અને હજી ઘણા કરે તેવા સંકેતો છે. સોશ્યલ મીડિયા જાયન્ટ ટ્વીટર કંપની ખરીદી લીધા પછી વિશ્વના ટોચના ધનપતિ એલન મસ્ક તેમાં ઘણા મોટા ફેરફારો લાવી રહ્યા છે.

કર્મચારીઓની બાબતમાં તેમણે ઘણા મક્કમ પગલાઓ લેવાનું શરૂ કર્યું છે અને સીઇઓ પરાગ અગ્રવાલ સહિતના ટોચના અધિકારીઓને છૂટા કર્યા બાદ હવે તેઓ આ કંપનીના અડધો અડધ કર્મચારીઓને છૂટા કરવાની તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલ છે. મસ્કની યોજના એવી છે કે ટ્વીટર કંપનીના ૩૭૦૦ જેટલા કર્મચારીઓને છૂટા કરવા અને આ સંખ્યા આ કંપનીના કુલ કર્મચારીઓના પ૦ ટકા જેટલી થાય છે. ટ્વીટર કંપનીના ભારતમાંના તો મોટા ભાગના કર્મચારીઓને છૂટા પણ કરી દેવાયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત ટ્વીટર કંપનીમાં ચાલી રહેલી વર્ક ફ્રોમ હોમ પોલિસીનો પણ અંત લાવવાનું મસ્કે નક્કી કર્યું હોવાના અહેવાલ છે.

આ વર્ષની શરૂઆતમાં અમલમાં મૂકવામાં આવેલી આ પોલિસી હેઠળ ટ્વીટર કંપનીના કર્મચારીઓને ઘરેથી કે ગમે ત્યાંથી કામ કરવાની છૂટ હતી પરંતુ મસ્ક તરફથી હવે સૂચના જારી કરવામાં આવી રહી છે કે તમામ કર્મચારીઓએ ઓફિસે આવીને જ કામ કરવાનું રહેશે. ખરેખર તો નાના કર્મચારીઓને બહુ લક્ષ્ય બનાવવાની જરૂર જણાતી ન હતી અને તેમ કરવાથી ટ્વીટરને કે મસ્કને કોઇ બહુ મોટો ફેર પણ પડવાનો ન હતો પરંતુ સનકી સ્વભાવના મસ્કે ટ્વીટર હાથમાં લેવાની સાથે કંપનીના નાના કર્મચારીઓને પણ નિશાન બનાવી દીધા છે.

કંપનીની આવક વધારવા મસ્કે બ્લૂ ટીક માટે મહિને ૮ ડોલરની ફી વસૂલવાનો નિયમ પણ બનાવ્યો છે. ટ્વીટરમાં હાઇ પ્રોફાઇલ એકાઉન્ટો માટે તે એકાઉન્ટની નીચે ભૂરી ટીક કરવામાં આવતી હતી. અત્યાર સુધી આ મફત હતું પણ મસ્કે નક્કી કર્યું છે કે જેણે પણ આ બ્લૂ ટીક મૂકાવવી હશે તેમણે મહિને આઠ ડોલરની ફી આપવી પડશે. આનાથી કંપનીને આવક તો થશે જ પરંતુ રાજા અને રંકની હાલની સિસ્ટમનો પણ અંત આવશે એમ કહેવામાં આવે છે. અમેરિકામાં તો બ્લૂ ટીક માટે ફી વસૂલવાનું શરૂ પણ થઇ ગયું છે.

ટ્વીટર ખરીદ્યા બાદ આ કંપનીની આવક વધારવા અને ખર્ચાઓ ઘટાડવા જાત જાતના નુસ્ખા અજમાવી રહેલા અને ટ્વીટર પર બ્લુ ટીક માટે મહિને આઠ ડોલરની ફી વસૂલ કરવાની યોજના બનાવી રહેલા વિશ્વના ટોચના અબજપતિ એલન મસ્ક વિશે એવા અહેવાલ બહાર આવ્યા છે કે તેમણે પોતાના માટે ૭૮ મિલિયન ડોલર એટલે કે લગભગ ૬૪૬ કરોડ રૂપિયાની કિંમતના એક મોંઘાદાટ જેટ વિમાન માટે ઓર્ડર આપ્યો છે. મસ્કે ગલ્ફસ્ટ્રીમ જી૭૦૦ જેટ વિમાન માટે ઓર્ડર આપ્યો છે અને આ વિમાન તેમને આવતા વર્ષની શરૂઆતમાં મળી જાય તેવી આશા છે. આ વિમાન મળવાની સાથે મસ્કના અંગત કાફલામાં કુલ પાંચ ખાનગી વિમાનો થઇ જશે.

ટેસ્લા કંપીનીના માલિક અને હવે ટ્વીટરના પણ બોસ બની ચુકેલા એવા વિશ્વના ટોચના અબજપતિ મસ્ક જેટ વિમાનોના ખૂબ શોખીન છે. મસ્ક પોતે એક બાજુ અબજોના ખાનગી વિમાનોમાં મહાલે છે અને બીજી બાજુ પોતે નવી ખરીદેલી ટ્વીટર કંપનીના કર્મચારીઓને નાણાકીય કારણોસર છૂટા કરી રહ્યા છે તે બાબત ટીકાને પાત્ર બની છે. મસ્ક કદાચ પોતે નવી ખરીદેલી કંપનીના કર્મચારીગણ પર ધાક પણ જમાવવા માગતા હોય તેમ લાગે છે. ટ્વીટર એ એક એવું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ છે કે જે દુનિયાભરના દેશોના રાજકીય પ્રવાહો પર પ્રભાવ ધરાવે છે, કદાચ રાજકારણ પર તેનો પ્રભાવ અન્ય કોઇ પણ સોશ્યલ મીડિયા મંચ કરતા વધારે છે.

આમ તો ફેસબુક ઉપરાંત ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપ સુદ્ધાંનો ઉપયોગ રાજકીય પ્રભાવ માટે કરવામાં આવે છે પરંતુ ટ્વીટર પર જે રીતે અભિપ્રાયો ઉભા થાય છે અને ચર્ચાઓ થાય છે અને તેનાથી જે એક માહોલ ઉભો થાય છે તે જોતા રાજકીય પ્રવાહો પર તેનો સૌથી વધુ પ્રભાવ જણાય છે. કયા નેતાના ટ્વીટર પર કેટલા ફોલોઅર્સ છે તે બાબત પણ મહત્વની બની રહે છે અને ટ્વીટર પર થતી ચર્ચાઓનું એક નોખું જ મહત્વ છે. આવા સંજોગોમાં ટ્વીટર પર કરાતી ટ્વીટ્સ સહિતની પોસ્ટ કરાતી સામગ્રી અંગેની નીતિ મહત્વની બની રહે છે.

મસ્કે ટ્વીટરને બિલકુલ ફ્રી સ્પીચનું મંચ બનાવવાની વાત કરી છે તેથી કેટલાક એવો પણ ભય વ્યક્ત કરી રહ્યા છે કે ટ્વીટર પર વૈચારિક ગંદવાડનો કચરો હવે બેરોકટોક ઠલવાવા માંડશે. કન્ટેન્ટ મોડરેટિંગ ખૂબ જરૂરી છે જે અને તે માટે તટસ્થ મોડરેટરો હોવા જોઇએ. મસ્કે ટ્વીટરનો વહીવટ સંભાળ્યા બાદ કન્ટેન્ટ મોડરેટિંગ કમિટિ રચવાની જાહેરાત પણ થઇ છે, આ કમિટી તટસ્થ અને વાજબી અભિગમ સાથેના સભ્યો ધરાવતી હોય તો ઘણુ સારું. જો એલન મસ્ક સનકી અને ધૂની રીતે, બેજવાબદારીપૂર્ણ રીતે ટ્વીટરનું સંચાલન કરશે તો આ સોશ્યલ મીડિયા મંચનું ભવિષ્ય સારું નહીં હોય.

Most Popular

To Top