‘ગાઝા પીસ બૉર્ડ’ની જાહેરાત ટ્રમ્પનું છમકલું કહેવું કે પછી યુનાઇટેડ નેશન્સને બાજુમાં મૂકી વિશ્વમાં એક નવી વ્યવસ્થા ઊભી કરવા માટેની ઊંડી અને ચતુરાઈપૂર્વકની ચાલ ગણવી એ તો સમય વીત્યે જ જાણી શકાશે. ગાઝા પીસ બૉર્ડમાં જોડાવા માટે એક અબજ ડૉલરનો ફાળો આપવાનો છે. ભારતીય ચલણ મુજબ આ રકમ ૯,૧૦૦ કરોડ થાય. કહેવાય છે કે, મોટા ઘરનો દીકરો ગમે તેવો છકી ગયેલ પાક્યો હોય તો પણ મોટા ઘરનું માગું આવે તો ધડાક્ દઈને ના કહી શકાતી નથી. ટ્રમ્પની આ રમત પેલા મોટા ઘરના માંગા જેવી છે. બીજું, એની ખૂબી એ છે કે, ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ હોય કે ના હોય, એમણે પોતે જાહે૨ કર્યું છે કે, તેઓ આજીવન ગાઝા પીસ બૉર્ડના પ્રમુખ રહેશે એટલે કરોડો ડૉલરનો આ ખેલ ટ્રમ્પ કંઈ અમસ્તા કરે છે એવુંય નથી. એમની નજર લાંબા ગાળાના વ્યક્તિગત લાભો ઉપર છે.
ડોબરમેન જેવા ખુંખાર કૂતરાને એક નાનકડી બિલાડી સાથે એક જ વાસણમાં દૂધ પીવડાવવાની કરામત પણ આ દરખાસ્તમાં છે, કારણ કે, ટ્રમ્પનો પરમ મિત્ર ઇઝરાયલ એનો એમ કહીને વિરોધ કરે છે કે, ટ્રમ્પે જે દેશોને આમંત્રણ આપ્યું છે તેમાં કેટલાક પેલેસ્ટાઇનના સમર્થકો પણ છે. ભારત અને પાકિસ્તાન જેવા પરસ્પર દુશ્મની નિભાવતા દેશોને પણ ગળામાં ગાળિયો નાખીને ટ્રમ્પે સાથે બેસાડવાનો પ્રયત્ન કર્યો છે. આમ, ટ્રમ્પનું આ સંભવિત ‘બૉર્ડ ઑફ પીસ’ પરસ્પર આંતરિક વિરોધાભાસોથી ઘેરાયેલું છે.
ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા આ આમંત્રણને ઠુકરાવાયું છે, જેના પ્રતિસાદરૂપે ટ્રમ્પે ફ્રાન્સની પ્રખ્યાત વાઇન અને શેમ્પેઇન પર ૨૦૦ ટકા ટેરિફ લગાવવાની ચેતવણી આપી હતી. ટ્રમ્પની ઉદ્ધતાઈનો જવાબ આપતાં દાઓસ ખાતે યોજાયેલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં મેક્રોને કહ્યું હતું કે, ‘‘કોઈ પણ દેશની જમીન, આઝાદી કે સાર્વભૌમત્વ પર દબાણ લાવવા માટે ટેક્ષ અને આર્થિક પાબંદીઓનો હથિયાર તરીકે ઉપયોગ કરવો બિલકુલ સ્વીકાર્ય નથી.’’
ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર અમેરિકા કબજો કરવા કૃતનિશ્ચયી છે તેના પ્રતીકરૂપે AIથી દોરાયેલ એક નકશાને પોતાના ટ્રુથ સોશ્યલ પર મૂક્યો જેમાં કેનેડા, વેનેઝુએલા અને ગ્રીનલેન્ડને અમેરિકાના ભાગ તરીકે દર્શાવ્યા છે. બ્રિટન અને મોરેશિયસ વચ્ચેના કરાર મુજબ ‘ડીએગો ગાર્શિયા’ જેવો મહત્ત્વનો ટાપુ જેમાં આવેલો છે તે ચાગોસ દ્વીપસમૂહનું સાર્વભૌમત્વ મોરેશિયસને સોંપવા માટે બ્રિટને સંમતિ આપી છે.
ટ્રમ્પ આને બ્રિટનની નબળાઈ અને મોટી મુર્ખામી ગણાવે છે. હિંદ મહાસાગરમાં આવેલા આ ટાપુને બ્રિટન તેમજ મોરેશિયસ વચ્ચે થયેલા કરાર મુજબ મોરેશિયસને સોંપાશે પરંતુ ડીએગો ગાર્શિયા પરનું સૈન્ય મથક આગામી ૯૯ વર્ષ સુધી બ્રિટનના તાબામાં લીઝ હેઠળ રહેશે. આ કરારને અગાઉ ટ્રમ્પે ટેકો આપ્યો હતો પણ યુરોપ સાથેના વણસી રહેલા સંબંધમાં હવે ટ્રમ્પે અચાનક આ મુદ્દે ફેરવી તોળ્યું છે. ભારતે મોરેશિયસને સમર્થન આપવાનું વલણ અપનાવ્યું છે અને ચાગોસ વિસ્તારમાં મરીન પ્રોટેક્ટેડ એરિયા તેમજ સેટેલાઇટ સ્ટેશન વિકસાવવા સાથે અન્ય વિકાસલક્ષી કામગીરી માટે ૬૮ કરોડ ડૉલરનું પૅકેજ આપ્યું છે.
આમ, અમેરિકન આખલો ટ્રમ્પ ભુંરાટો થયો છે. ટ્રમ્પના આ આક્રમક વલણની ઝાટકણી કાઢતાં મેક્રોન કહે છે કે, ‘‘ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો’’. જો કે ફ્રાન્સની આ ચેતવણીની અસર આખલાને લાલ લૂગડું બતાવ્યા જેવી થાય તેવી શક્યતાઓ વધારે છે. મેક્રોનનું આ વલણ ટ્રમ્પને વધારે છંછેડી શકે છે અને કેનેડા, વેનેઝુએલા, પનામા કેનાલ, ગ્રીનલેન્ડની સાથોસાથ ડીઆગો ગાર્શિયા વિશેની એની ટિપ્પણી આવનાર સમયમાં હિન્દ મહાસાગરના આ ટાપુને પણ ઘર્ષણનું કેન્દ્ર બનાવે અને તેટલા પૂરતી ભારતીય વિદેશનીતિ અને કૂટનીતિ સામે એક નવો જ કોયડો મૂકે એ શક્યતાઓ નકારી શકાય નહીં. દરમિયાનમાં ભારત એક અબજ ડૉલરનો ચાંદલો કરી ટ્રમ્પનું આ પીસ બૉર્ડ, જે એક રીતે યુનાઇટેડ નેશન્સની સમાંતર સંસ્થા ઊભી કરવાનો ટ્રમ્પનો વ્યક્તિગત પ્રયાસ છે, તેમાં જોડાવા અંગે શું નિર્ણય લે છે તે જોવું પણ અગત્યનું બની રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.