World

શું ટ્રમ્પ ટેરિફમાં રાહત આપશે?, પુતિન સાથેની બેઠક પછી ભારતને આશા

અલાસ્કામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી ભારત સહિત અનેક દેશો માટે રાહતના સંકેત મળ્યા છે. ખાસ કરીને ટેરિફ મુદ્દે ભૂતપૂર્વ રાજદ્વારી વીણા સિકરીએ સકારાત્મક અભિપ્રાય આપ્યો છે.

હાલમાં અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. જેના કારણે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં તણાવ વધ્યો હતો. પરંતુ અલાસ્કાની બેઠક બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ હવે ટેરિફ મુદ્દે થોડા નરમ થઈ શકે છે.

વીણા સિકરીના દાવા:
ભૂતપૂર્વ રાજદ્વારી વીણા સિકરીએ જણાવ્યું કે ટ્રમ્પે પુતિન સાથેની ચર્ચામાં ટેરિફનો મુદ્દો ચોક્કસ રીતે ઉઠાવ્યો હશે. તેમના મતે, “એવું લાગે છે કે ટ્રમ્પ અને પુતિન બંને આ વાત પર સંમત થયા છે કે રશિયા પાસેથી તેલ ખરીદતા ભારત, ચીન અને યુરોપિયન યુનિયન પર વધારે ટેરિફ લાદવામાં આવશે નહીં.”

તેમણે આગળ કહ્યું કે પુતિન ખુદ અમેરિકાના વેપાર અંગે સકારાત્મક રહ્યા હતા. પુતિને જણાવ્યું હતું કે “અમારો અમેરિકા સાથેનો વેપાર સારો છે.” આથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા કદાચ થોડા સમય માટે ટેરિફ યુદ્ધ મુલતવી રાખે.

અમેરિકાની ચેતવણી:
અલાસ્કાની બેઠક પહેલાં જ અમેરિકાના મંત્રી સ્કોટ બેસન્ટે ભારતને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે જો બેઠક સફળ નહીં થાય તો ભારત પર લાદવામાં આવેલા ટેરિફમાં વધારો થઈ શકે છે.પરંતુ બેઠક બાદ પરિસ્થિતિ થોડું બદલાઈ ગઈ છે. પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે ચીન પર ટેરિફ કેમ વધારવામાં આવ્યા નથી, તો ટ્રમ્પે જવાબ આપ્યો કે તેઓ થોડા અઠવાડિયા રાહ જોશે. ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે કયા દેશો પર ટેરિફ વધારવો કે ઘટાડવો.

આગળ શું?
બેઠકમાંથી મળેલા સંકેતો મુજબ, હાલ ભારત પરના 50 ટકા ટેરિફમાં રાહત મળી શકે છે. જોકે ટ્રમ્પે અંતિમ નિર્ણય હજી જાહેર કર્યો નથી. આવતા અઠવાડિયામાં અમેરિકાની નીતિ સ્પષ્ટ થશે.

ભારત માટે આ બેઠક મહત્વપૂર્ણ રહી શકે છે, કારણ કે ટ્રમ્પ અને પુતિન વચ્ચેની ચર્ચામાં ભારતના હિતોને પણ સ્થાન મળ્યું છે. જો ટેરિફમાં રાહત મળે, તો દ્વિપક્ષીય વેપારમાં ફરી ગતિ આવશે.

Most Popular

To Top