માર્ચનો અંત અને એપ્રિલ મહિનામાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપે અને અન્ય પક્ષોએ તેની તૈયારી પૂરજોશમાં શરૂ કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને કૈલાસ વિજયવર્ગીયના કાફલા પર તેઓ પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયા ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી એવું કહે છે કે આ પથ્થરમારો ભાજપે જ કરાવ્યો છે. આ વાત માન્યામાં આવે એમ નથી. ભાજપ પોતાના જ અધ્યક્ષ પર ભલા પથ્થરમારો શું કામ કરાવે?
મમતા બેનરજીનું કહેવું એવું પણ છે કે અહીં ગૃહમંત્રી, નડ્ડા ,ફડ્ડ , ભડ્ડ આવીને નૌટંકી કરાવે છે. જે રીતે ટી. વી. પર ફૂટેજ બતાવવામાં આવે છે તે જોતાં મમતા બેનરજીની વાત માન્યામાં આવે તેમ નથી. આ હુમલા જો તેમના પક્ષ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા જ કરાવવામાં આવ્યા હોય તો તે બંધ થવા જ જોઈએ. કદાચ આવતી ચૂંટણીમાં મમતા બેનરજીને હારનો ભય સતાવતો હોય તો કહેવાય નહીં. જો તમે તમારા શાસન દરમ્યાન પ્રજાલક્ષી કાર્યો કર્યાં હોય તો પ્રજા તમારા પક્ષને જ મત આપે.
પણ ક્યાંક છૂપો ડર મમતા બેનરજીને સતાવતો હોય એવું લાગ્યા વગર રહેતું નથી. આપણા દેશમાં રાજકારણ એટલી નીચલી કક્ષાએ પહોંચી ગયું છે કે કોઈ પણ પક્ષની તરફેણ કરી શકાય એમ નથી. પશ્ચિમ બંગાળમાં જે તોફાનો થયાં, તે જેણે પણ કરાવ્યાં હોય તેને રોકવાની જવાબદારી મમતા બેનરજીની સરકારની જ બને છે અને મમતા સરકાર તે તરફ આંખમીંચામણાં કરે તો અભણની સમજમાં પણ આવી જાય કે આ તોફાનો કોણ કરાવે છે? ટૂંકમાં આ પ્રકારની ગુંડાગીરી કોઈ પણ રાજ્યમાં થતી હોય તો તે અટકવી જ જોઈએ.
સુરત- સુરેન્દ્ર દલાલ