નવી દિલ્હી: IPL 2023ની (IPL 2023) તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તમામ ખેલાડીઓ પોતપોતાની ટીમના કેમ્પમાં પહોંચી ગયા છે અને રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. IPL શરૂ થવા પહેલાથી જ ફેન્સમાં કંઈક અલગ જ ક્રેઝ જોવા મળે છે. થોડા દિવસો પહેલા જ CSK કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો (MS Dhoni) એક વીડિયો CSK દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ પોતના હાથે ખુરશીઓને પેઈ્ન્ટ કરતા જોવા મળે છે. આ વીડિયો વાયરલ (Video Viral) થયા બાદ એવી પણ અટકળો સામે આવી રહી છે કે એમએસ ધોનીની આ છેલ્લી IPL હોઈ શકે છે. જો કે એમએસ ધોની તરફથી કે પછી CSK તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જો કે મીડિયા દ્વારા જ્યારે રોહિત શર્માને (Rohit Sharma) આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે રોહિત શર્માએ આ અંગે મોટો ખુલાસો કર્યો હતો.
આઈપીએલની સૌથી મોટી ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ તેની ગત વર્ષની નિષ્ફળતાને પાછળ છોડીને નવેસરથી તૈયારી કરી રહી છે અને આ વખતે તે ફરીથી ટાઈટલ જીતવા માટે સંપૂર્ણ તાકાત લગાવવાની રણનીતિ તૈયાર કરી રહી છે. આઈપીએલના બે દિવસ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ પોતાની ટીમ અને આઈપીએલ મેચો વિશે વિગતવાર વાત કરી છે અને એમએસ ધોની વિશે પણ મોટું નિવેદન આપ્યું છે. આટલું જ નહીં રોહિત શર્માએ જસપ્રિત બુમરાહની ઈજાને લઈને અપડેટ પણ આપી છે.
રોહિત શર્માએ કહ્યું, એમએસ ધોની હજુ બેથી ત્રણ વર્ષ રમી શકે છે
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન અને આઈપીએલના સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાંના એક એમએસ ધોની વિશે રોહિત શર્માએ કહ્યું કે એમએસ ધોની હજુ પણ સંપૂર્ણ રીતે ફિટ દેખાય છે. લાગે છે કે તે હજુ બેથી ત્રણ વર્ષ સુધી ક્રિકેટ રમી શકશે. રોહિત શર્માએ કહ્યું કે તેને નથી લાગતું કે આઈપીએલમાં એમએસ ધોનીનું આ છેલ્લું વર્ષ હશે. રોહિતે કહ્યું કે તે છેલ્લા કેટલાક સમયથી સાંભળી રહ્યો છે કે ધોનીની આ છેલ્લી આઈપીએલ હશે, પરંતુ તેને એવું નથી લાગતું. રોહિત શર્માએ તેની ટીમ એટલે કે મુંબઈ ઈન્ડિયન્સ વિશે કહ્યું કે તેને આ ટીમની કેપ્ટનશિપ કરતા દસ વર્ષ થઈ ગયા છે. તે એક અદ્ભુત સફર રહી છે અને ઘણી બધી શાનદાર ક્ષણો આવી છે જે હંમેશ માટે પ્રિય રહેશે. જસપ્રિત બુમરાહ વિશે અપડેટ આપતા, રોહિત શર્માએ પુષ્ટિ કરી કે તે હવે IPL રમી શકશે નહીં, તેના સ્થાનની જાહેરાત એક-બે દિવસમાં કરવામાં આવશે.
IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચ RCB સામે
રોહિત શર્માની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ વખતે RCB સામે મેચ રમીને પોતાની IPL સફરની શરૂઆત કરશે. આ મેચ 2 એપ્રિલે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ મેચ વિશે કહ્યું છે કે અમારી પ્રથમ મેચ આરસીબી સામે છે અને અમને ખબર છે કે તેઓ કેવી રીતે રમે છે. એટલા માટે અમે અમારી ટીમના શ્રેષ્ઠ ખેલાડીઓને મેદાનમાં ઉતારીશું અને કયો ખેલાડી પ્રભાવશાળી ખેલાડી તરીકે ઉભરી આવશે તે અંગેની વ્યૂહરચના પણ બનાવી રહ્યા છીએ. મીડિયા સાથે વાતચીત દરમિયાન જ્યારે રોહિત શર્માને પૂછવામાં આવ્યું કે શું તે આ સિઝનની કેટલીક મેચોમાં આરામ કરશે તો રોહિત શર્માએ હસીને કહ્યું કે કોચ તેનો જવાબ આપશે. ટીમના મુખ્ય કોચ માર્ક બાઉચર છે. જ્યારે માર્ક બાઉચરને આ જ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે શું તમે રોહિત શર્માને આરામ કરવા માંગો છો. તેણે કહ્યું કે એક કેપ્ટન તરીકે અમે ઈચ્છીએ છીએ કે રોહિત શર્મા પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપે. રોહિત શર્માએ કહ્યું કે આ વખતે IPLમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ પણ જોડાઈ રહ્યો છે. આ એક સારો નિયમ છે, એક ખેલાડી આવશે અને મેચ તરત જ બદલાઈ જશે.