રણબીરે અત્યારે વિજય દેવરકોંડા માટે પોતાનો અવાજ આપ્યો એટલે ઘણા અકળાયા છે. ફિલ્મના વ્યવસાયને આજે મર્યાદિત રીતે જોઇ શકાય તેમ નથી. દેવરકોંડાની સામ્રાજ્ય નામની ફિલ્મ તમિલ, હિન્દી, તેલુગુમાં રજૂ થવાની છે. તમિલમાં સૂરીયાએ તો તેલુગુ માટે જુનિયર એન.ટી.આર અવાજ આપ્યો છે. જે ભાષામાં ફિલ્મ રજૂ થતી હોય તે ભાષાાના મોટા સ્ટાર્સ જો અન્ય ભાષાના કલાકારને અવાજ આપે તો તેનાથી ફિલ્મથી વેલ્યુ વધે છે. રણબીર કપૂરની રામાયણ પણ હિન્દી ઉપરાંતની ભાષામાં રજૂ થશે જે તે ભાષા-પ્રદેશના મોટા સ્ટાર્સના અવાજની જરૂર પડશે. રણબીર હકીકતે તો પોતાની રેન્જ વધારી રહ્યો છે. રામાયણમાં તેની સાથે સીતા તરીકે સાઇ પલ્લવી કામ કરે છે જે સાઉથમાં મોટા પ્રેક્ષકવર્ગ ધરાવે છે. હવે મુંબૈયા કલાકાર પૂરતી હિન્દી ફિલ્મોને વિચારવી ખોટી છે. ગ્લોબલ ઓડિયન્સ માટે તો હોલીવુડ પ્રયત્ન કરે આપણે હવે સમગ્ર ભારતના લોકો જોઇ શકે એ રીતે ફિલ્મ બનાવવાની જરૂર ઊભી થઇ છે અને રણબીર પોતાને એ સ્ટેટસ પર ઊભો રાખી આગળ વધી રહ્યો છે.
રણબીર અત્યંત કાબેલ અને ધીરગંભીર અભિનેતા છે. એનિમલ પછી 2024નું વર્ષ એકદમ ખાલી ગયું પણ તે તેના કામોમાં વળગેલો રહ્યો કારણ કે નિતીશ તિવારીની રામાયણ જેમ મોટી ફિલ્મ છે તેમ સંજય લીલા ભણશાલીની લવ એન્ડ વોર છે. મોટી ફિલ્મો માટે હવે શાહરૂખ, સલમાનની પસંદગી નથી થતી. રણબીરને જ સૌથી પહેલા યાદ કરવામા આવે છે. રણબીર અભિનયના વૈવિધ્ય સાથે પ્રેક્ષકના દરેક વર્ગ પાસે પહોંચી ચુક્યો છે. એનિમલની હિંસા માટે ખૂબ ટીકા થઇ પણ રણબીરે પૂરવાર કર્યું કે એક્શન ફિલ્મમાં પણ તે પર્ફેક્ટ છે. રામાયણના રામનુ પાત્ર તો તેને દેશ વ્યાપક બનાવી દેશે. આ પાત્ર તેના માટે પડકારરૂપ છે કારણ કે રામાયણ તો અને સ્વરૂપે વારંવાર બની છે ત્યારે જૂદા રામને શક્ય ન બને તો રણબીરને કોણ જુએ. પરંતુ તે પોતાના વ્યાપકપણાને એનિમલ પાર્કથી પણ આગળ વધારશે અને અયાન મુખરજીની દિગ્દર્શીત ધૂમ-4 પણ તેની ખૂબ મેજર ફિલ્મ બનશે. આદિત્ય ચોપરાએ ધૂમ શ્રેણીની દરેક ફિલ્મને ખાસ બનાવી છે અને ફરી ખાસ બનશે. અનુરાગ બસુ રણબીરને ફરી રશ્મિકા મંદાના સાથે ચમકાવવાનો છે. રણબીર અત્યારે સમજીને જ આલિયા ભટ્ટ સાથે વધુ કામ કરતો નથી. અમિતાભે પણ ઝંઝીર પછી જયા બચ્ચન સાથે કામ કરવું છોડી દીધેલું. આ એક સારો અભિગમ છે. નિર્માતાઓને એવી છૂટ હોવી જ જોઇએ નવી હીરોઇનો સાથે તેના સ્ટાર્સની જોડી બનાવે. રણબીરની આ બધી ફિલ્મો રજૂ થશે ત્યાં સુધીમાં શાહરૂખ, સલમાન, આમીર વગેરેની એકાદ-બે ફિલ્મો જ રજૂ થવાની છે. તમે કહી શકો કે હવેનો સમય રણબીરનો જ છે અને તે સ્ટારડમને યોગ્ય રીતે સમજનારો મેચ્યોર એક્ટર છે. તેને અન્ય કોઇની સલાહ જરૂર નથી. તેની જે ફિલ્મો આવી રહી છે તે જ તેની ગાઇડ છે. •

