છેલ્લાં બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલતું રશિયા યુક્રેન યુદ્ધ હજુ સમાપ્ત થાય એવા કોઈ સંકેત દેખાતા નથી. અસંખ્ય ટેન્કો, આધુનિક ડ્રોન વિમાનનો ઉપયોગ અને તમામ પ્રકારની મિસાઈલોનો એકબીજા પર હુમલા કરવા છતાં હજુ સુધી યુદ્ધનું પરિણામ આવ્યું નથી. યુક્રેન પર હુમલો કરતાં પહેલાં રશિયાએ ધાર્યું હતું કે યુક્રેન ટૂંક સમયમાં તબાહ થઈને શરણે આવી જશે પરંતુ તેવું થઈ શક્યું નથી.
ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન યુદ્ધ પણ તેની ચરમસીમાએ છે પરંતુ હાર-જીતનું કોઈ જ પરિણામ આવતું દેખાતું નથી. 1939થી 1945 સુધી ચાલેલું બીજું વિશ્વયુદ્ધ અટકવાનું નામ દેતું ન હતું પરંતુ જાપાનને શરણે લાવવા અમેરિકાએ નાગાસાકી અને હિરોશિમા શહેર પર અણુ બોમ્બ ફેંકતાં જીવલેણ તબાહી થતાં જાપાન તરત જ શરણે આવી ગયું હતું અને તેની સાથે જ બીજું વિશ્વયુદ્ધ પણ સમાપ્ત થઈ ગયું હતું. હાલમાં રશિયા યુક્રેન અને ઈઝરાઇલ પેલેસ્ટાઇન યુદ્ધ તેની ચરમ સીમાએ છે.
શું આ યુધ્ધ પણ ન્યુક્લિયર બોમ્બના ઉપયોગ પછી જ સમાપ્ત થશે? દુનિયાના અર્થતંત્રને અને મિસાઈલ બોમ્બના એકબીજા પર કરાતા હુમલાથી વૈશ્વિક વાતાવરણને પણ ગંભીર અસર પડી રહી છે. વૈજ્ઞાનિકો વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની ચેતવણી આપતા આવ્યા છે અને તેની અસર હાલ દુનિયાના બદલાયેલા વાતાવરણ પરથી ખરી પડતી આપણે જોઈ રહ્યા છીએ. નેતાઓ સરહદ વિસ્તારવા કે પોતાની મહત્ત્વાકાંક્ષા સંતોષવા યુદ્ધો તો ઠોકી દે છે પરંતુ તેને માટે મરવાનું તો સૈનિકોને અને જાનમાલની ખુવારી બન્ને દેશનાં નાગરિકોએ જ ભોગવવી પડે છે. યુદ્ધ ઘોષિત કરનાર નેતાઓ તો સલામત જ રહેતા હોય છે.
સુરત – વિજય તુઈવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.