Comments

જીત વિરોધની થશે કે વિકાસની?

વૃદ્ધિને આપણે વિકાસ સમજીને પોરસાતા રહીએ છીએ. ભલે એમ, પણ વિકાસ કેટલો અને કઈ હદ સુધી હોવો જોઈએ એ નક્કી કરવું અઘરું છે, કેમ કે, એ અંતહીન દોડ છે. પર્યાવરણની ખો કાઢીને શરૂ થયેલી દોડ આજે એવા તબક્કામાં આવી પહોંચી છે કે અત્યાર સુધી વિકાસ થકી ભોગવેલી સગવડોનું સાટું જાણે કે એક સાથે વળી રહ્યું હોય એમ તેનાં દુષ્પરિણામ દેખાવા લાગ્યાં છે. વિકાસ અને તેની પર્યાવરણ પરની અસરને લઈને કર્ણાટકના માયસુરુ નજીક આવેલું ચામુન્ડી હીલ્સ નામનું યાત્રાધામ અવારનવાર સમાચારમાં ચમકતું રહે છે. હમણાં તે વધુ એક વાર ચમક્યું છે. સમુદ્રતટથી આશરે ૩,૫૦૦ ફીટની ઊંચાઈએ આવેલા આ સ્થળે ચામુન્ડેશ્વરી માતાનું મંદિર છે, જે માયસુરુના શાહી પરિવારનાં દેવી છે.

માયસુરુથી માત્ર પંદરેક કિ.મી.ના અંતરે આવેલું આ સ્થળ સઘન વનવિસ્તાર ધરાવે છે, જેમાં વનસ્પતિઓની આશરે ચારસો પ્રજાતિઓ તેમ જ પક્ષીઓની દોઢસો જેટલી પ્રજાતિઓ નોંધાયેલી છે. આસપાસના વિસ્તારના હવામાન પર આ સ્થળની દેખીતી અસર રહે, કેમ કે, આસપાસના વિસ્તારનું આ સ્રાવ ક્ષેત્ર છે. ૧૯૨૯ માં આ વિસ્તારને આરક્ષિત ઘોષિત કરાયો હતો. પર્યાવરણવાદીઓ વાજબી કારણોસર આ સ્થળ અંગે ફિકર કરતા આવ્યા છે અને આ વિસ્તારની આસપાસ એક બફર ઝોન ઊભો કરવાની માંગણી કરી રહ્યા છે, કેમ કે, માયસુરુ નગર વિસ્તરવા લાગ્યું છે અને ચામુંડી હીલ્સ વિસ્તાર હવે કોન્ક્રીટ જંગલથી ઘેરાવા લાગ્યો છે.

આ સ્થળે શ્નરોપ-વેઌ મૂકવાની હિલચાલ છએક વરસ અગાઉ શરૂ થયેલી ત્યારે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ તેના વિરોધમાં સહી ઝુંબેશ શરૂ કરેલી. આ ઝુંબેશને મળેલા જબ્બર પ્રતિસાદ અને તેને પગલે ઊભા થયેલા પ્રચંડ વિરોધને પગલે આ હિલચાલને સ્થગિત કરવામાં આવી હતી.  બેએક મહિના પહેલાં કર્ણાટકના પ્રવાસન મંત્રી સી.પી.યોગેશ્વરે ઘોષિત કર્યું કે ચામુંડી હીલ પરના રોપ-વે પ્રકલ્પને અનુભવી ખાનગી સંચાલકો થકી આગળ વધારવામાં આવશે. એ અગાઉ અન્ય મંત્રી વી.સોમન્નાએ કહ્યું હતું કે ચામુંડી હીલ પર રોપ-વે ઉપરાંત સામુહિક ભોજનખંડ તેમજ નવાં કિઓસ્ક બનાવવામાં આવશે.

મંત્રી યોગેશ્વરે અલબત્ત, જણાવ્યું છે કે આ પ્રકલ્પથી પર્યાવરણને કશું નુકસાન થશે નહીં, કેમ કે, થોડા થાંભલા ઊભા કરાશે અને રોપ-વે ના ડબ્બાઓના વહન માટે તારના દોરડા ખેંચવામાં આવશે. આમાં નથી ક્યાંય ધ્વનિ પ્રદૂષણ થવાનું કે નથી ક્યાંયથી ધુમાડાનું ઉત્સર્જન થવાનું કે જેથી વાતાવરણ પ્રદૂષિત થાય. મંત્રીશ્રીની આ નિર્દોષતા કાબિલેતારીફ છે, કેમ કે, તેમને મન રોપ-વે નો અર્થ ફક્ત આટલો જ થાય છે. એમ તો હિમાલયના પહાડી પ્રદેશોમાં રોપ-વે નો ઉપયોગ થઈ રહ્યો છે, જે સ્થાનિકોએ પોતાની સુવિધા સારું કેવળ માલસામાનની હેરફેર માટે તૈયાર કરેલી છે. આવી રોપ-વે અને પ્રવાસન હેતુથી તૈયાર કરાતી રોપ-વે વચ્ચે મોટો તફાવત હોય છે. અગાઉ જે સ્થળ માત્ર પગપાળા જઈ શકાતું હોવાને કારણે મર્યાદિત લોકો તેની મુલાકાત લેતા, એ સ્થળ રોપ-વે ની સુવિધા પછી પ્રવાસીઓથી ધમધમવા લાગે છે. પ્રવાસીઓનો આ ધસારો બીજાં અનેક દૂષણોને તાણી લાવે છે.

રોપ-વે ના આ પ્રકલ્પની ઘોષણાથી ફરી શરૂ થયેલો વિરોધ હજી શમ્યો નથી, ત્યાં અન્ય એક મુદ્દે પર્યાવરણવાદીઓ અકળાયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચામુંડી હીલ્સની સૂચિત મુલાકાતને પગલે અહીંના માર્ગો પર સ્ટ્રીટલાઈટ મૂકવામાં આવી રહી છે અને દોઢસો જેટલા થાંભલા એલ.ઈ.ડી.બલ્બથી ઝળકાવવાનું આયોજન ઝડપભેર થઈ રહ્યું છે. વનવિભાગ દ્વારા જણાવાયું કે માર્ગ અને તેની આસપાસનું કામ પોતાના વિભાગમાં નહીં, પણ પી.ડબલ્યુ.ડી. વિભાગમાં આવે.

પર્યાવરણવાદીઓનો વિરોધ એ બાબતે છે કે વડા પ્રધાનની મુલાકાત કેવળ એક જ વારની હશે અને એ પણ હજી સૂચિત છે, નિશ્ચિત નથી, જ્યારે આવી હરકતોને કારણે વન્ય સૃષ્ટિને થતું નુકસાન કાયમી હશે. આ એલ.ઈ.ડી.બલ્બના પ્રકાશને કારણે અહીં રહેતાં પક્ષીઓને ખલેલ પહોંચશે અને તેઓ પોતાનો માર્ગ ચૂકી જાય એવી પૂરી શક્યતા છે. તનુજા નામનાં એક પર્યારણવિદ્ના જણાવ્યા અનુસાર વડા પ્રધાનની ચામુંડી હીલ્સની મુલાકાત દિવસના સમય દરમિયાન આયોજીત કરવાથી લાઈટોનો આ પ્રકલ્પ ટાળી શકાયો હોત.

એલ.ઈ.ડી.બલ્બનો ઝળહળાટ પક્ષીઓની રાત્રિચર્યાને ગંભીર રીતે ખલેલ પહોંચાડે છે. સ્ટ્રીટલાઈટની જરૂર શહેરી વિસ્તારમાં હોય નહીં કે વનવિસ્તારમાં. વિરોધ કરનારાઓના મતે સરકાર પર પ્રવાસન સાથે સંકળાયેલા ઉદ્યોગો દ્વારા વ્યાપક દબાણ છે, પણ એ યાદ રાખવું રહ્યું કે ચામુંડી હીલ્સ પ્રવાસન ધામ નહીં, બલ્કે યાત્રાધામ છે. તેનું અવિચારીપણે વ્યાપારીકરણ રોકવું જ જોઈએ. ચાહે રોપ-વે નો પ્રકલ્પ હોય કે વનના માર્ગ પર સ્ટ્રીટલાઈટ મૂકવાની વાત હોય, એ સ્પષ્ટ બાબત છે કે પ્રશાસનને પર્યાવરણની જાળવણી સાથે ખાસ લેવાદેવા નથી. દેશમાં અનેક પ્રાકૃતિક સ્થળોએ સહેલાણીઓને ધ્યાનમાં રાખીને રોપ-વે ચાલી જ રહ્યા છે અને ત્યાં વિરોધ થયો હશે તેમ જ પર્યાવરણને ખલેલ પહોંચી જ હશે. પણ એક વાર વિરોધને અવગણીને પ્રકલ્પનો આરંભ થઈ જાય એટલે પ્રવાસન થકી થતી આવકના આંકડા વધુ મહત્ત્વના બની રહે છે.

સહેલાણીઓ પોતાને મળતી સુવિધાથી રાજી હોય છે. પર્યાવરણને થયેલું નુકસાન ભરપાઈ કરી ન શકાય એવું હોય છે. તે દેખીતું પણ હોય છે, છતાં ઘણાખરા કિસ્સામાં તેની વિપરીત અસરો લાંબે ગાળે તેમ જ અનેકવિધ બાબતો પર જોવા મળે છે. ચામુંડી હીલ્સ પર રોપ-વે નો મુદ્દો સમયાંતરે ઉછળતો રહે છે. તેને પગલે વિરોધ થાય છે અને અત્યાર સુધી એમ બનતું આવ્યું છે કે એ પ્રકલ્પ ઠેલાતો રહ્યો છે. વિરોધ કરનારાઓએ મુખ્યમંત્રી બોમ્માઈને અપીલ કરી છે કે આ પ્રકલ્પ સામેના વિરોધને ધ્યાનમાં લે અને પ્રકલ્પની દરખાસ્તને ફગાવી દે. પર્યાવરણ ક્ષેત્રના કર્મશીલોનો વિરોધ ક્યાં સુધી આ પ્રકલ્પને ખાળી શકે છે એ જોવું રહ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top