દેશની સુપ્રીમ કોર્ટમાં આજે સતત બીજા દિવસે વકફ સુધારા અધિનિયમ 2025 પર સુનાવણી થવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટ આજે આ મામલે પોતાનો આદેશ આપી શકે છે. ગઈકાલે બુધવારે સુપ્રીમ કોર્ટે વક્ફ સુધારા કાયદા પર લગભગ 70 મિનિટ સુધી સુનાવણી કરી હતી.
આ સમય દરમિયાન કોર્ટે સંકેત આપ્યો કે તે આ કાયદાના કહેવાતા વિવાદાસ્પદ ભાગોના અમલીકરણ પર રોક લગાવી શકે છે. આજે, સુપ્રીમ કોર્ટ વકફ તરીકે જાહેર કરાયેલી મિલકતોને ડિનોટિફાઇ કરવાના અધિકાર, વકફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોનો સમાવેશ અને કલેક્ટરોની તપાસ દરમિયાન મિલકતને બિન-વકફ તરીકે જાહેર કરવાની જોગવાઈ સંબંધિત આદેશ જારી કરી શકે છે.
બુધવારે કેસની સુનાવણી દરમિયાન મૌખિક ટિપ્પણી કરતા ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે “અમે સામાન્ય રીતે આ તબક્કે કોઈપણ કાયદા પર રોક લગાવતા નથી, સિવાય કે અપવાદરૂપ સંજોગો હોય. આ એક અપવાદ હોય તેવું લાગે છે. અમારી ચિંતા એ છે કે જો વકફ-બાય-યુઝરને ડી-નોટિફાઇ કરવામાં આવે છે, તો તેના ખૂબ મોટા પરિણામો આવી શકે છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથનની બેન્ચ વકફ (સુધારા) કાયદાની જોગવાઈઓ પર સવાલ ઉઠાવી રહી હતી જેના પર મુસ્લિમ પક્ષકારોએ વાંધો ઉઠાવ્યો છે.
વકફ અધિનિયમ 2025 ભવિષ્ય માટે વકફ બાય યુઝર જોગવાઈને નાબૂદ કરે છે. “વક્ફ બાય યુઝર” એ એવી પ્રથાનો ઉલ્લેખ કરે છે જેમાં મિલકતને ધાર્મિક અથવા સખાવતી દેણગી (વક્ફ) તરીકે માન્યતા આપવામાં આવે છે, તેના લાંબા ગાળાના, અવિરત ઉપયોગના આધારે, ભલે માલિકે વક્ફની ઔપચારિક લેખિત ઘોષણા ન કરી હોય.
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કહ્યું, “જ્યાં સુધી વકફ-બાય-યુઝરનો સવાલ છે, તેને રજીસ્ટર કરવું ખૂબ મુશ્કેલ હશે. તેથી, તેમાં અસ્પષ્ટતા છે. તમે દલીલ કરી શકો છો કે વકફ-બાય-યુઝરનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે. તમે સાચા છો. તમે સાચા હોઈ શકો છો કે તેનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે, પરંતુ તે જ સમયે કેટલાક વાસ્તવિક વકફ-બાય-યુઝર્સ છે.
તમે એમ ન કહી શકો કે કોઈ વાસ્તવિક વકફ-બાય-યુઝર્સ નથી.” સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે તેઓ સરકારના આ વલણને યોગ્ય ઠેરવી શકશે કે જો વક્ફ-બાય-યુઝર નોંધાયેલ હોય, તો તે આવું જ રહેશે. કારણ કે ૧૯૨૩માં પહેલા વકફ કાયદાથી વકફ મિલકતોની નોંધણી ફરજિયાત છે. આ કારણે તેનો રેકોર્ડ મળી શકે છે.
