કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં મોટો ફેરફાર કરી શકે છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રિટાયરમેન્ટ ફંડ ડિપાર્ટમેન્ટે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે EPFO સભ્યોને દર 10 વર્ષે એકવાર તેમની સંપૂર્ણ રકમ અથવા તેનો આંશિક ભાગ ઉપાડવાની મંજૂરી આપવી જોઈએ.
જો આ દરખાસ્ત પસાર થઈ જાય છે તો તે સંગઠિત ખાનગી ક્ષેત્રમાં કામ કરતા 7 કરોડથી વધુ સક્રિય EPFO સભ્યોને રાહત આપશે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર 10 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી સભ્યો દ્વારા પૈસા ઉપાડવાના નિયમોને હળવા બનાવવાનું વિચારી રહી છે. જે લોકો વહેલા નિવૃત્તિ લેવા માંગે છે તેમને ધ્યાનમાં રાખીને આ વિચારણા કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં 58 વર્ષ સુધી રાહ જોવાને બદલે તેઓ નિવૃત્તિ લેતાની સાથે જ સમગ્ર પીએફ રકમનો દાવો કરી શકે છે.
આ ફેરફાર શા માટે જરૂરી છે?
અત્યાર સુધી EPFમાંથી સંપૂર્ણ રકમ ફક્ત ત્યારે જ ઉપાડી શકાતી હતી જ્યારે કોઈ કર્મચારી 58 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય અથવા નોકરી છોડ્યાના બે મહિના પછી પણ બેરોજગાર રહે પરંતુ ઘણા લોકો એવા છે જે 35 થી 40 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દી બદલવા માંગે છે અથવા કોઈ કારણસર નિયમિત નોકરી કરી શકતા નથી. આવી સ્થિતિમાં આ ફેરફાર તેમના માટે ખૂબ મદદરૂપ થશે.
EPFO એ આ ફેરફારો કર્યા
- UPI અથવા ATM દ્વારા EPF ખાતામાંથી તાત્કાલિક 1 લાખ રૂપિયા સુધી ઉપાડવાની સુવિધા હશે. આનાથી કટોકટીમાં પૈસા ઉપાડવાનું સરળ બનશે.
- પહેલા 1 લાખ રૂપિયા સુધીના ક્લેઈમ આપમેળે સેટલ થતા હતા પરંતુ હવે આ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ માટે ચકાસણીની જરૂર રહેશે નહીં.
- પ્રક્રિયાને સરળ બનાવવા માટે EPFO એ દાવાની ચકાસણી માટે જરૂરી દસ્તાવેજોની સંખ્યા 27 થી ઘટાડીને 18 કરી છે. આ કારણે આ પ્રક્રિયા હવે 3-4 દિવસમાં પૂર્ણ થાય છે.
- હવે જો 3 વર્ષની સેવા પૂર્ણ થઈ જાય અને તે પૈસા ઘરના ડાઉન પેમેન્ટ અથવા EMI માટે વાપરવાના હોય તો PF ખાતામાંથી 90% રકમ ઉપાડી શકાય છે.
નોંધનીય છે કે સરકાર સમયાંતરે EPF ખાતામાંથી ઉપાડ અંગે ફેરફારો કરતી રહે છે, જેથી ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને સરળ પ્રક્રિયા મળે. આ ફેરફારો એટલા માટે પણ કરવામાં આવ્યા છે કે કર્મચારીઓ કટોકટીના સમયમાં કોઈપણ મુશ્કેલી વિના તેમના પૈસાનો ઉપયોગ કરી શકે. PF ખાતામાં 12 ટકા ફાળો કર્મચારી દ્વારા આપવામાં આવે છે અને 12 ટકા ફાળો નોકરીદાતા દ્વારા આપવામાં આવે છે.