નેપાળમાં સોશ્યલ મિડિયા પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયથી વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીની સરકાર સત્તાભ્રષ્ટ થઈ ગઈ છે. ફેસબુક, ઇન્સ્ટા અને વોટ્સએપ પર પ્રતિબંધ મૂકવાના સરકારના નિર્ણયથી સૌથી વધુ ગુસ્સે થયેલા લોકોમાં જનરલ-ઝેડનો સમાવેશ થાય છે, જેમનો જન્મ ૧૯૯૭ થી ૨૦૧૨ ની વચ્ચે થયો છે. સોશ્યલ મિડિયા પર પ્રતિબંધ સામે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનના પરિણામે સરકારે પણ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે, પરંતુ આ જનરલ-ઝેડ વિરોધીઓ અહીં અટક્યાં નથી.
હવે તેઓ માંગણી કરે છે કે કાઠમંડુના મેયરને દેશના નવા વડા પ્રધાન બનાવવામાં આવે. હવે બધાની નજર કાઠમંડુના મેયર બાલેન્દ્ર શાહ પર છે, જેમને બાલેન તરીકે પણ ઓળખવામાં આવે છે. સિવિલ એન્જિનિયર, રેપર, ગીતકાર અને રાજકીય નેતા બાલેન શાહને નેપાળના વડા પ્રધાનપદ માટેના મુખ્ય દાવેદાર માનવામાં આવે છે. સોમવારે મોડી રાત્રે સરકારે સોશ્યલ મિડિયા પરનો પ્રતિબંધ પાછો ખેંચી લેતાં જ લોકોનો ગુસ્સો ઓનલાઈન પ્લેટફોર્મ પર ઝડપથી ફેલાઈ ગયો છે. આ દરમિયાન કાઠમંડુના મેયર બાલેન શાહ અચાનક સોશ્યલ મિડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યા છે અને યુવાનોમાં ચર્ચાનો મોટો વિષય બની ગયા છે.
આ હોબાળા વચ્ચે બાલેન્દ્ર શાહે પણ વિરોધીઓ સાથે એકતા દર્શાવી છે. તેમણે તેમની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે આ આંદોલનમાં ભાગ લેવા માટેની વયમર્યાદા ૨૮ વર્ષ છે, તેથી તેઓ જોડાઈ શકતા નથી, પરંતુ તેમનું માનવું છે કે આ યુવાનોનો અવાજ સાંભળવામાં આવે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ૨૦૧૨ થી નેપાળના હિપ-હોપ રાજકીય દૃશ્ય પર સક્રિય રહેલા બાલેન શાહ ‘નેફોપ’ અને “રાજકીય રેપ’ જેવા પ્રકારો માટે જાણીતા છે. તેઓ તેમના રેપમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવા મુદ્દાઓ ઉઠાવતા રહ્યા છે. બાલેન શાહ નેપાળના રાજકારણમાં પ્રવેશતાં નવા યુવાનોનું પ્રતીક બની ગયા છે. તેમની ‘બાલેન ઇફેક્ટ’ ફક્ત કાઠમંડુ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેઓ દેશભરની નવી પેઢી માટે આશા અને સત્તામાં પરિવર્તનનું પ્રતીક બની ગયા છે.
જનરેશન-ઝેડ ચળવળનો અગ્રણી ચહેરો બનેલા કાઠમંડુના મેયર બાલેન્દ્ર શાહને ટાઈમ મેગેઝિન દ્વારા ૨૦૨૩માં નેપાળના ટોચના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોમાં સામેલ કરવામાં આવ્યા હતા. ૨૭ એપ્રિલ ૧૯૯૦ ના રોજ કાઠમંડુના નરદેવીમાં જન્મેલા બાલેન્દ્ર શાહ મધેસી સમુદાયના છે. તેઓ મૂળ નેપાળના ધનુષા જિલ્લાના વતની છે, જે તેરાઈ ક્ષેત્રમાં આવે છે. તેમણે હિમાલયન વ્હાઇટ હાઉસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન અને કર્ણાટકની વિશ્વેશ્વરૈયા ટેકનોલોજીકલ યુનિવર્સિટી (VTU)માંથી સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. બાલેન શાહે ૨૦૨૨ માં કાઠમંડુ મેટ્રોપોલિટન મેયરની ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડી હતી અને જંગી જીત સાથે જીતી હતી.
૧૯૮૯ પછી આ પહેલી વાર હતું જ્યારે કોઈ અપક્ષ ઉમેદવાર કાઠમંડુના મેયર બન્યા હતા. તેમને ૬૧,૭૬૭ મત મળ્યા હતા, જ્યારે તેમના નજીકના હરીફ ઉમેદવારો ફક્ત ૩૮,૦૦૦ મત મેળવી શક્યા હતા. કાઠમંડુના મેયર પદ સુધીની શાહની સફર કોઈ સામાન્ય રાજકારણી જેવી બિલકુલ નહોતી. એક સમયે, તેઓ શહેરનાં છાપરાં પર ઊભા રહીને રેપ સોંગ કરતા હતા. તેમનાં ગીતોમાં નેપાળના રાજકારણમાં ગરીબી, પછાતપણું અને ભ્રષ્ટાચારનો અવાજ ગૂંજતો હતો. આ મુદ્દાઓને અવાજ આપતાં તેમનાં ગીતોએ તેમને લોકો સાથે જોડ્યા હતા અને ધીમે ધીમે તેઓ રાજકારણમાં એક નવા ચહેરા તરીકે ઊભરી આવ્યા હતા. તેમનાં ગીતોનો યુવાનો પર ભારે પ્રભાવ પડ્યો છે, ખાસ કરીને તેમના લોકપ્રિય ટ્રેક બલિદાનને યુટ્યુબ પર ૭૦ લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન બાલેન શાહ ફક્ત તેમના શબ્દો માટે જ નહીં પરંતુ તેમની શૈલી માટે પણ જાણીતા હતા. તેમનો લાક્ષણિક દેખાવ કાળો બ્લેઝર, જીન્સ, ચોરસ સનગ્લાસ અને ખભા પર લપેટાયેલો નેપાળી ધ્વજ હતો. આ શૈલીએ તેમને યુવાનોમાં એક અનોખી પ્રભાવશાળી છબી આપી અને તેમને રાજકારણમાં આઇકોન બનાવ્યા છે. તેમના દેખાવને કારણે તેમની સામે ચૂંટણી પંચમાં ધ્વજનું અપમાન કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, છતાં તેમની લોકપ્રિયતા વધી હતી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે નેપાળની યુવા પેઢી એવા નેતાઓ ઇચ્છે છે જે પરંપરાઓને પડકારવામાં શરમાતા નથી અને તેમની પ્રામાણિકતા સાથે સમાધાન કરતા નથી.
યુવાન હોવા છતાં બાલેન શાહે નેપાળના રાજકારણમાં પ્રભાવશાળી છાપ છોડી છે. તેમણે પોતાના રેપ સંગીત દ્વારા ભ્રષ્ટાચાર, સામાજિક અસમાનતા અને યુવા સમસ્યાઓ સામે અવાજ ઉઠાવ્યો હતો. કાઠમંડુના મેયર તરીકે તેઓ શહેરના માળખાગત સુધારા અને વિકાસ પ્રોજેક્ટ્સમાં સક્રિય છે. બાલેન શાહ પોતાની કંપની બાલેન કન્સલ્ટિંગ એન્ડ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છે. આ વ્યવસાય દ્વારા તેઓ સિવિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ અને પુનર્નિર્માણ કાર્યોમાં સામેલ છે. આ તેમની આવકનો સૌથી મોટો સ્રોત છે. આ ઉપરાંત તેમનાં રેપ ગીતો અને મ્યુઝિક વિડિયો, ટી.વી. શો અને સ્પર્ધાઓમાં ભાગ લેવાથી તેમની આવકમાં ફાળો મળે છે. તેમનાં ગીતો યુવાનોમાં લોકપ્રિય છે અને તેમની સંગીત કારકિર્દી તેમની આવકનો નોંધપાત્ર ભાગ છે.
બાલેન શાહની આવક મુખ્યત્વે ત્રણ સ્રોતોમાંથી આવે છે. તેમના એન્જિનિયરિંગ અને બાંધકામના વ્યવસાય દ્વારા તેમને દર મહિને ૨ લાખ નેપાળી રૂપિયાથી વધુ અને વાર્ષિક લગભગ ૨૪ લાખ નેપાળી રૂપિયાની કમાણી થાય છે. સંગીત અને ટી.વી. શોમાંથી તેઓ દર મહિને લગભગ ૫૦ હજારથી ૧ લાખ નેપાળી રૂપિયા અને વાર્ષિક ૬ થી ૧૨ લાખ નેપાળી રૂપિયા કમાય છે. કાઠમંડુ મહાનગરપાલિકાના મેયર તરીકે તેમનો પગાર દર મહિને ૪૬,૦૦૦ નેપાળી રૂપિયા અને વાર્ષિક લગભગ ૫.૫ લાખ નેપાળી રૂપિયા છે. આમ તેમની કુલ માસિક આવક ૩ લાખ નેપાળી રૂપિયાથી વધુ અને વાર્ષિક આવક લગભગ ૩૬ લાખ નેપાળી રૂપિયા જેટલી હોવાનો અંદાજ છે.
બાલેન શાહનાં કેટલાંક નિવેદનો અને કાર્યોને ભારતવિરોધી માનવામાં આવ્યાં હતાં. ૨૦૨૩ માં બાલેન શાહે કાઠમંડુમાં બોલિવુડ ફિલ્મોના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. ખાસ કરીને આદિપુરુષ ફિલ્મના એક સંવાદ સામે તેમને વાંધો હતો, જેમાં સીતાને “ભારત કી બેટી’ તરીકે ઓળખવામાં આવી હતી. બાલેન શાહે દલીલ કરી હતી કે આ સંવાદ નેપાળની માન્યતાની વિરુદ્ધ છે, જે માને છે કે માતા સીતાનો જન્મ નેપાળના જનકપુરમાં થયો હતો. તેમણે ફિલ્મ નિર્માતાઓને સંવાદ દૂર કરવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો હતો. જ્યારે આ ન થયું ત્યારે તેમણે કાઠમંડુમાં બધી હિન્દી ફિલ્મો પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, નેપાળની પાટણ હાઈકોર્ટે મેયર બાલેન શાહના ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને રદ કર્યો હતો.
બાલેન શાહે પાછળથી સ્પષ્ટતા કરી કે તેમનો વિરોધ આદિપુરુષના ચોક્કસ સંવાદ અને સામગ્રી સુધી મર્યાદિત હતો અને તે ભારત કે બોલિવુડ સામે હતો નહીં. બોલિવુડની ફિલ્મો વિશેનાં તેમનાં નિવેદનો દર્શાવે છે કે આ ફિલ્મો નેપાળની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે રમત રમીને એક ચોક્કસ વિચારધારા ફેલાવે છે, જેની નેપાળનાં યુવાનો પર સારી અસર થતી નથી. બાલેન શાહ માનતા હતા કે ભારતીય ફિલ્મોમાં દર્શાવવામાં આવતી આધુનિક સામગ્રી નેપાળની પોતાની સાંસ્કૃતિક અને સામાજિક ઓળખને અસર કરે છે. તેમણે ઘણી વાર ચિંતા વ્યક્ત કરી છે કે નેપાળી યુવાનો ભારતીય ફિલ્મોમાં દર્શાવવામાં આવતી વિચારધારા, ભાષા, જીવનશૈલી અને સામાજિક નીતિશાસ્ત્રથી પ્રભાવિત થઈ રહ્યા છે, જે તેમની પોતાની સંસ્કૃતિને નબળી બનાવી શકે છે.
બાંગ્લા દેશમાં બન્યું હતું તેમ નેપાળમાં પણ સત્તાપલટાના આંદોલનમાં યુવાનો મુખ્ય ભાગ ભજવી રહ્યાં છે, પણ બાંગ્લા દેશમાં જોવા મળ્યું તેમ સત્તાપરિવર્તન થાય ત્યારે નવી સત્તા યુવાનોના નેતાના હાથમાં આવવાને બદલે અમેરિકા જેવી મહાસત્તાની કઠપૂતળી જેવા કોઈ નેતાના હાથમાં આવી જાય છે. નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલી ચીનના પ્રભાવ હેઠળ હતા માટે તેમની સામે અમેરિકાના દોરીસંચારથી બળવો કરાવવામાં આવ્યો છે. હવે જો કદાચ બાલેન શાહ અમેરિકાની કઠપૂતળી બનવા તૈયાર નહીં થાય તો સત્તામાં કોઈ જૂના જોગીને જ બેસાડી દેવામાં આવશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.