Comments

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોદીને ૭૫ વર્ષની ઉંમરે રિટાયર થવાની ફરજ પાડશે?

કોઈ પણ નોકરીમાં રિટાયર થવાની ઉંમર હોય છે, પણ રાજકારણમાં રિટાયર થવાની ઉંમર હોતી નથી. સ્વ. મોરારજી દેસાઈ ૮૧ વર્ષની ઉંમરે ભારતના વડા પ્રધાન બન્યા હતા તો નરસિંહ રાવ ૭૦ વર્ષની ઉંમરે ભારતના વડા પ્રધાન બન્યા હતા અને ૭૫ વર્ષની ઉંમર સુધી વડા પ્રધાન બન્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ૭૮ વર્ષના છે અને તેઓ ૮૨ વર્ષના થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિ રહેવાના છે. હમણાં તો તેમણે ત્રીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાની આકાંક્ષા વ્યક્ત કરી છે. જો તેઓ ૮૨ વર્ષની ઉંમરે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે તો ૮૬ વર્ષની ઉંમર સુધી સત્તામાં રહેશે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૭૫ વર્ષની ઉંમર સુધી પહોંચવાની તૈયારીમાં છે. તેઓ જો ૨૦૨૯ સુધી વડા પ્રધાનપદે ચાલુ રહે તો ત્યારે તેમની ઉંમર ૭૯ વર્ષની થઈ ગઈ હશે. ભાજપના નિયમ મુજબ કોઈ પણ રાજકારણી જ્યારે ૭૫ વર્ષનો થઈ જાય ત્યારે તેણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થઈ જવું જોઈએ. ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલને જ્યારે રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી ત્યારે આ નિયમ ટાંકવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદીનો જન્મ ૧૯૫૦ની ૧૭ સપ્ટેમ્બરે થયો હતો તે જોતાં તેઓ આ વર્ષની ૧૭ સપ્ટેમ્બરે ૭૫ વર્ષ પૂરાં કરવાના છે. આ સંયોગોમાં તેમની નિવૃત્તિની અટકળો તેજ બની ગઈ છે.

નાગપુરમાં RSS મુખ્યાલયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંઘના વડા મોહન ભાગવત વચ્ચે થયેલી મુલાકાત અંગે ટિપ્પણી કરતાં શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં નિવૃત્ત થશે. તેમના કહેવા પ્રમાણે વડા પ્રધાન મોદી છેલ્લાં ૧૦-૧૧ વર્ષમાં RSS મુખ્યાલય ગયા નથી. હવે તેઓ મોહન ભાગવતને બાય-બાય કહેવા માટે ત્યાં ગયા હતા. તેમણે દાવો કર્યો હતો કે RSS પણ દેશના નેતૃત્વમાં પરિવર્તન ઇચ્છે છે, તેથી વડા પ્રધાન મોદીને નાગપુર બોલાવવામાં આવ્યા હતા. ઇતિહાસમાં આ બીજી વખત છે જ્યારે કોઈ વડા પ્રધાને સત્તાવાર રીતે RSS મુખ્યાલયની મુલાકાત લીધી છે. આ પહેલાં અટલબિહારી વાજપેયી ૨૦૦૦ માં તેમના ત્રીજા કાર્યકાળ દરમિયાન નાગપુરની મુલાકાતે આવ્યા હતા. મોદી જો સપ્ટેમ્બરમાં રિટાયર થાય તો તેમના ઉત્તરાધિકારી કોણ બનશે, તે બાબતમાં પણ જાતજાતની અફવાઓ ચાલી રહી છે.

ભાજપના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સંજય રાઉતના દાવાઓને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદી ઘણાં વર્ષો સુધી દેશનું નેતૃત્વ કરતા રહેશે. ૨૦૨૯ માં આપણે મોદીને ફરીથી વડાપ્રધાન તરીકે જોઈશું. તેમના ઉત્તરાધિકારી શોધવાની કોઈ જરૂર નથી. તેઓ આપણા નેતા છે અને રહેશે. આપણી સંસ્કૃતિમાં પિતા જીવિત હોય ત્યારે ઉત્તરાધિકારી વિશે વાત કરવી અયોગ્ય છે. એ મુઘલોની સંસ્કૃતિ છે.

મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ મંગળવારે શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉત પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપમાં એવો કોઈ નિયમ નથી કે વ્યક્તિએ ૭૫ વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવી પડે. દેશના લોકો જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યકાળ નક્કી કરશે. ભાજપના ભૂતપૂર્વ નેતા અટલબિહારી વાજપેયી ૭૯ વર્ષની ઉંમર સુધી વડા પ્રધાન રહ્યા, જ્યારે મોરારજી દેસાઈ અને ડૉ. મનમોહન સિંહ પણ ૭૫ વર્ષની ઉંમર પછી પણ વડા પ્રધાન રહ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૭૫ વર્ષની ઉંમરે રાજકારણમાંથી રિટાયર થઈ જશે, તેવો દાવો પહેલી વખત દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીની ચૂંટણી સભા દરમિયાન કર્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ પોતે આ નિયમ બનાવ્યો છે કે ૭૫ વર્ષ પછી તેમની પાર્ટીમાં કોઈ પણ સક્રિય રાજકારણમાં રહેશે નહીં. તેમણે પોતે ૨૦૧૪માં એક નિયમ બનાવ્યો હતો કે ૭૫ વર્ષનાં થનારાં લોકોને નિવૃત્ત કરવામાં આવશે.

તેમણે લાલકૃષ્ણ અડવાણીને નિવૃત્ત કર્યા. તેમણે મુરલી મનોહર જોશી અને સુમિત્રા મહાજનને પણ નિવૃત્ત કર્યાં. સ્વાભાવિક છે કે, તેઓ પણ આવતા વર્ષે નિવૃત્ત થશે. જો ભાજપ આ વખતે ચૂંટણી જીતે તો વડા પ્રધાન મોદી આવતા વર્ષે ૭૫ વર્ષના થશે અને પછી તેઓ અમિત શાહને વડા પ્રધાન બનાવશે. ગૃહમંત્રી અમિત શાહે અરવિંદ કેજરીવાલના દાવાનો જવાબ આપતાં કહ્યું કે ભાજપ બંધારણમાં એવું નથી કહેવામાં આવ્યું કે ૭૫ વર્ષની ઉંમર પછી પાર્ટીનો કોઈ પણ નેતા વડા પ્રધાન બની શકે નહીં.

જો નરેન્દ્ર મોદી આ વર્ષના સપ્ટેમ્બરમાં રિટાયર થાય કે તેમને રિટાયર થવાની ફરજ પાડવામાં આવે તો વડા પ્રધાન કોણ બને? તેના ઉપર પણ અટકળો શરૂ થઈ ગઈ છે. મોદીના ઉત્તરાધિકારી તરીકે ત્રણ નામો મોખરે ચાલી રહ્યાં છે. પહેલું નામ ગૃહ મંત્રી અમિત શાહનું છે, જેઓ કદાચ મોદીની પહેલી પસંદ છે. બીજું નામ પરિવહન મંત્રી નીતિન ગડકરી છે, જે RSSની પહેલી પસંદ છે. જો RSS કોઈ યુવાન ચહેરાને ભારતના વડા પ્રધાન બનાવવા માગતું હોય તો તેની પહેલી પસંદ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ હશે. કટ્ટર હિન્દુત્વમાં માનતાં લોકો પણ યોગી આદિત્યનાથને ભારતના આગામી વડા પ્રધાન તરીકે જોઈ રહ્યા છે. યોગી આદિત્યનાથ એક એવા નેતા છે, જેઓ મોદીના ખભા પર ચડીને નહીં પણ મોદીની સામે પડીને ભારતના વડા પ્રધાન બનવા માગે છે. RSSનું હિન્દુ રાષ્ટ્રનું સપનું યોગી જ સાકાર કરી શકે તેમ છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં તેમની બાબતમાં ચાલી રહેલી ઘણી અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. તેમણે કહ્યું હતું કે તેઓ વડા પ્રધાન પદની ઈચ્છા ધરાવતા નથી અને ન તો તેઓ રેસમાં છે. મુંબઈમાં આયોજિત ઈન્ડિયા ટુ ડે કોન્ક્લેવમાં ગડકરીને પૂછવામાં આવ્યું કે જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૭૫ વર્ષની ઉંમર વટાવીને વડા પ્રધાન પદ છોડી દે તો શું RSS તમને વડા પ્રધાન બનાવી શકે છે? જવાબમાં નીતિન ગડકરીએ કહ્યું કે હું રેસમાં નથી. હું કોઈ મુશ્કેલીમાં પડતો નથી. હું મારું કામ શાંતિથી કરું છું.

બીજું, તમે મને આ પ્રશ્ન કેમ પૂછી રહ્યા છો? તમારે RSS ને પૂછવું જોઈએ કે વડા પ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ હશે? જો કે કોઈ પણ રાજકારણી જ્યારે ના કહે ત્યારે તેમાં હા વાંચવી જોઈએ. નીતિન ગડકરી ભલે ના કહેતા, પણ જો નરેન્દ્ર મોદી સંસદમાં બહુમતી ગુમાવે તો નીતિન ગડકરી વડા પ્રધાન બની શકે છે. નીતિન ગડકરી વિપક્ષી નેતાઓ સાથે જે રીતના સંબંધો ધરાવે છે તે જોતાં તેઓ શરદ પવાર અને નીતીશ કુમાર જેવા નેતાઓનો સાથ લઈને વાજપેયીની જેમ મોરચા સરકાર ચલાવી શકે તેમ છે.

૨૦૧૯ માં ભાજપે ૭૫ વર્ષથી વધુ ઉંમરના ૨૦ થી વધુ અનુભવી સાંસદોને હાંકી કાઢ્યાં હતાં. તે પૈકી એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન, કલરાજ મિશ્રા, બી.એસ. કોશ્યારી, બી.સી. ખંડુરી, કારિયા મુંડા, શાંતા કુમાર, હુકુમદેવ નારાયણ યાદવ, સત્યનારાયણ જાટિયા, શત્રુઘ્ન સિન્હાને રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનું કહેવામાં આવ્યું હતું. મિશ્રા અને કોશ્યારી જેવા કેટલાકને રાજભવન મોકલવામાં આવ્યા હતા, જ્યારે યાદવ જેવા અન્ય લોકોનાં બાળકોને લોકસભાની ટિકિટ મળી હતી. પક્ષે જે રીતે તેમને પોતાના નિર્ણયની જાણ કરી તે અંગે અડવાણીએ નારાજગી વ્યક્ત કરી હતી. ભૂતપૂર્વ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને એક ખુલ્લા પત્રમાં પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી, જેમાં તેમણે પોતાની સંસદીય બેઠક અંગે પાર્ટીની અનિર્ણાયકતાનો ઉલ્લેખ કર્યો હતો. મુરલી મનોહર જોશીએ કાનપુરના મતદારોને જણાવ્યું હતું કે તેમની પાર્ટીએ તેમને આ મતવિસ્તારમાંથી રાષ્ટ્રીય ચૂંટણી ન લડવા અને બીજે ક્યાંય બેઠક શોધવા કહ્યું છે.

ભાજપના તત્કાલીન સંગઠન મહાસચિવ રામલાલે તેમને ફોન કરીને ચૂંટણીમાંથી ખસી જવાની જાહેરાત કરવા વિનંતી કરી હતી, પરંતુ અડવાણી અને જોશીએ પક્ષના આદેશનું પાલન કર્યું નહોતું. બાદમાં તત્કાલીન ભાજપ પ્રમુખ અમિત શાહે અડવાણીની બેઠક ગાંધીનગરથી તેમની પહેલી લોકસભા ચૂંટણી લડી હતી. તે સમયે અમિત શાહે એક ન્યૂઝ મેગેઝિનને કહ્યું હતું કે ૭૫ વર્ષથી વધુ ઉંમરનાં લોકોને ચૂંટણી ટિકિટ ન આપવાનો નિર્ણય પાર્ટીનો હતો. હવે જ્યારે મોદી ૭૫ વર્ષના થવાના છે, ત્યારે અમિત શાહ કહે છે કે તેવો કોઈ નિયમ નથી. જો RSS મોદીને ૭૫ વર્ષની ઉંમરે રિટાયર થવાની ફરજ પાડે તો કદાચ તેઓ અમિત શાહનું નામ વડા પ્રધાન તરીકે આગળ કરીને પોતે દેશના રાષ્ટ્રપતિ બની જાય તેવી સંભાવના પણ છે.

Most Popular

To Top