વડોદરા: આગામી 30 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 100 મી મન કી બાત કરવા જઈ રહ્યા છે તે પૂર્વે વડોદરાના સાંસદ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ દ્વારા હાલ સુધી કરાયેલ 99 મન કી બાતની ઝાંખી તૈયાર કરી તેની પ્રદર્શની યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વડાપ્રધાન બન્યા બાદ લોકો સુધી સીધો સંવાદ કરવા રેડિયોના માધ્યમથી મન કી બાત કરવાની શરૂઆત કરી હતી. અને આ સંવાદના હાલ સુધી 99 એપિસોડ પૂર્ણ થયા છે. આગામી 30 એપ્રિલના રોજ 100 મી મન કી બાત યોજવામાં આવશે. ત્યારે ટીમ વડોદરા દ્વારા સાંસદ રંજનબહેન ભટ્ટ દ્વારા એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી 21 અને 22 એપ્રિલના રોજ ઊર્મિ સ્કૂલ ખાતે આ પ્રદર્શની યોજાશે. આ પ્રદર્શન તૈયાર કરવા માટે એમ.એસ. યુનિ. ના 30 થી વધુ વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલના હસ્તે કરવામાં આવશે.ત્યારે આ પ્રદર્શન નિહાળવા માટે સાંસદ રંજનબહેન ભટ્ટ દ્વારા શહેર તેમજ જિલ્લાના લોકોને આમંત્રણ પાઠવ્યું છે. હવે જયારે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે સાંસદ રંજનબહેન ભટ્ટ પુનઃ એક વાર મેદાનમાં આવી ગયા છે. અને તેઓ એક યા બીજા કાર્યક્રમો થકી સતત લોકોની વચ્ચે જઈ રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમને પણ આગામી ચૂંટણી માટેની જ પૂર્વ તૈયારીઓ ગણવામાં આવી રહી છે. ચાર વર્ષ સુધી લોકોનો સંપર્ક ઓછો કર્યો અને હવે અચાનક ચૂંટણીને એક વર્ષ બાકી છે ત્યારે તેઓ સતત દેખાઈ રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.