Columns

હિમાચલ પ્રદેશમાં ભૂતકાળ યાદ રખાશે કે વર્તમાન જોખાશે?

હિમાચલ પ્રદેશ એ એક સ્વિંગ સ્ટેટ છે જે છેલ્લા 3 દાયકાથી સત્તા પરથી સત્તામાં રહેલાં પક્ષને BJP અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વચ્ચે સત્તાની ફેરબદલ કરાવે છે. તે એવાં કેટલાંક રાજ્યોમાં સામેલ છે જ્યાં BJP અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ જોવાં મળી રહી છે. હિમાચલ પ્રદેશમાં ચૂંટણી ટાણે દર 5 વર્ષે એવું કહેવાય છે કે બાબુઓ મંત્રીઓની વાત સાંભળવાનું બંધ કરી દે છે, ફાઈલોની હિલચાલ અટકી જાય છે અને સરકારી તંત્ર જાણે થંભી જાય છે. કારણ કે, આ પર્વતીય રાજ્યમાં એક પરિબળ જે સતત રહ્યું છે તે પરિવર્તન છે, છેલ્લાં ત્રીસ કે તેથી વધુ વર્ષોમાં સત્તા બદલાતી રહી છે!

એન્ટિ – ઇન્કમ્બન્સીનો ઈતિહાસ, પેટા ચૂંટણીનાં વલણો વિધાનસભા ચૂંટણીની આગાહી કરવામાં મદદ કરશે? બાર નવેમ્બરે મતદાન યોજાશે, જ્યારે મત ગણતરી 8 ડિસેમ્બરે થશે. હિમાચલ પ્રદેશમાં ચૂંટણી બે મૂળભૂત કારણોસર મહત્ત્વપૂર્ણ છે. બંને પક્ષો સતત સ્થિર વોટ ભાગના લગભગ 40 % મેળવી રહ્યા છે. એક અપવાદ 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર ઘટીને 27 % થયો હતો. બાકી પરિણામો હંમેશાં જબરજસ્ત ટક્કર કરાવતાં હોય છે.

ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ એવાં 3 રાજ્યો છે જ્યાં 2019ની લોકસભા ચૂંટણીમાં BJPને 60 %થી વધુ વોટ શેર મળ્યા હતા. તેમાં હિમાચલ પ્રદેશમાં BJPનો મત ભાગ સૌથી વધુ હતો.  રાજ્યમાં કુલ મતદાનના બે તૃતીયાંશ 69 % કરતાં વધુ મત BJPને ફાળે ગયા હતા. તે વર્ષે હિમાચલ પ્રદેશનાં ચૂંટણી ઈતિહાસમાં પ્રથમ વખત કોંગ્રેસ પાર્ટીને રાજ્યમાં થયેલા મતદાનના 30 %થી ઓછા મત મળ્યા હતા. ગત લોકસભામાં BJP અને કોંગ્રેસ વચ્ચે વોટ શેરનું અંતર 42 % હતું, જે ભારતના અન્ય કોઈ પણ રાજ્ય કરતાં સૌથી વધુ હતું.

BJPની તરફેણમાં વોટ શેરનું આ વિશાળ અંતર ફક્ત રાજ્યમાં ભગવા પક્ષનું જંગી વર્ચસ્વ સૂચવે છે. તેથી જ્યારે આગામી વિધાનસભાની ચૂંટણીઓ સત્તાધારી BJP માટે કેકવોક જેવી લાગે છે. કેટલાક વિધાનસભા ચૂંટણી પરિણામો (અને હિમાચલ પ્રદેશમાં ભૂતકાળનાં ચૂંટણી વલણો) સૂચવે છે કે જે રાજ્ય સ્થિર દેખાઈ રહ્યું છે તે અસ્થિર હોઈ શકે છે! મૂળ તારણ તો અપવાદ સિવાય બંને પક્ષો વચ્ચે સમાન રહેતું આવ્યું છે BJP અને કોંગ્રેસના કેડર વોટ વધુ કે ઓછા અકબંધ છે. ફ્લોટિંગ વોટ વધારે નથી.

રાજ્યની વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં BJPનો વોટ શેર નોંધપાત્ર રીતે વધ્યો અને નાના રાજ્યોમાં સ્વિંગ રેટ ઊંચો છે. સરેરાશ, વિધાનસભા ચૂંટણીમાં BJPનો મત હિસ્સો રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં લગભગ 10 % જેટલો નકારાત્મક સ્વિંગ કરે છે. જો કે, નાના રાજ્યોમાં આ સ્વિંગ બમણું થાય છે. ઉદાહરણ તરીકે, 2019ની લોકસભા ચૂંટણી પછી, હરિયાણામાં 22 %, ઝારખંડમાં 19 %, ઉત્તરાખંડમાં 18 % BJPનો વોટ શેર ઘટ્યો હતો.

હિમાચલ પ્રદેશ નાનું અને સ્વિંગ સ્ટેટ છે. તેનો ચૂંટણી ઇતિહાસ એક સ્વિંગ પરિણામ દર્શાવે છે જ્યાં 1990 થી દરેક વિધાનસભા ચૂંટણીમાં, સત્તાધારી પક્ષને સત્તામાંથી બહાર કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે હિમાચલ પ્રદેશમાં પેટાચૂંટણી સમાન વલણો સૂચવે છે. BJPએ તમામ ચાર બેઠકો પણ ગુમાવી હતી. બે બાબતો સ્પષ્ટ છે. પહેલી એ કે લોકસભામાં BJPનો મત હિસ્સો વિધાનસભા ચૂંટણી (હિમાચલ પ્રદેશની અંદર અને બહાર બંને) કરતાં વધારે છે. બીજું BJPએ રાજ્યની ચૂંટણીઓમાં નોંધપાત્ર વોટ શેર ગુમાવ્યો, જેનો અર્થ છે કે ઉચ્ચ ચૂંટણીની અસ્થિરતા છે. તેથી આ પ્રશ્ન ઊભો થાય કે શું હિમાચલ પ્રદેશમાં રાજકીય પક્ષો માટે વોટ શેરનો અંદાજ કાઢવાનો કોઈ રસ્તો છે?

હિમાચલ પ્રદેશના મતદારોની અસ્થિરતા અને સ્વિંગ મૂડને ચકાસવા માટે રાજ્યની તાજેતરની પેટાચૂંટણીમાં BJP અને કોંગ્રેસના પ્રદર્શન પર નજર નાખીએ જ્યાં પેટાચૂંટણી યોજાઈ હતી તે બેઠકોના ભૂતકાળના ચૂંટણી વલણોના વિશ્લેષણ નોંધપાત્ર પરિણામ સૂચવે છે. 2021માં 3 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. મંડી લોકસભા મતવિસ્તારની સાથે આર્કી, ફતેહપુર અને જુબ્બલ-કોટખાઈ. ચારેય બેઠકો કોંગ્રેસે જીતી હતી. આ એ હકીકત હોવાં છતાં 2019માં ચારેય BJPએ જીતી હતી. જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં બંને પક્ષો માટે વોટ સ્વિંગ પર નજર નાખી ત્યારે પરિણામ વધુ નોંધપાત્ર હતું.

ફતેહપુર, અરકી અને જુબ્બલ-કોટખાઈમાં, 2019 ની લોકસભા ચૂંટણીની તુલનામાં 2021ની પેટાચૂંટણીમાં BJPએ અનુક્રમે 42, 24 અને 53 % વોટ શેર ગુમાવ્યા હતા. તે જ સમયે, કોંગ્રેસને આ વિધાનસભાઓમાં 21, 26 અને 3 % વોટ શેર મળ્યા હતા. મતદાતાઓના ઉત્સાહમાં ખાસ્સો ફરક હતો. 2009થી આ ત્રણેય બેઠકો માટે BJP અને કોંગ્રેસ બંને માટેના ભૂતકાળના મતદાન વલણોનું પણ વિશ્લેષણ અને અવલોકન નિર્દેશ કરે છે કે ચૂંટણીની અસ્થિરતા ખૂબ જ ઊંચી હતી. સળંગ ચૂંટણીઓમાં BJP અને કોંગ્રેસ માટે મતોમાં ભારે ફેરફાર થાય છે.

જ્યારે પેટાચૂંટણીના પરિણામો અને વિધાનસભા ચૂંટણીના પરિણામો વચ્ચેનો સંબંધ નબળો છે તે છતાં હજુ પણ ભવિષ્યના ચૂંટણી પરિણામોની સારી આગાહી છે. એ પણ નોંધનીય છે કે જ્યારે કેરળ અને ઉત્તરાખંડ જેવાં રાજ્યોએ ભૂતકાળમાં સમાન વલણો દર્શાવ્યા છે, ત્યારે કોઈ પણ રાજ્યમાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓમાં સત્તા વિરોધી વલણ જોવાં મળ્યું નથી. સરળ શબ્દોમાં કહીએ તો, પેટાચૂંટણી રાજકીય પક્ષો માટે વોટ શેર નુકસાન અને લાભોની અનન્ય સમજ આપે છે. હવે ગણતરીનો લાભ કોંગ્રેસ ઉપાડે તે પહેલાંનું આકલન પણ મહત્ત્વ રાખશે, સત્તામાં પક્ષનું પરિભ્રમણ કોંગ્રેસ માટે ફાયદાકારક બની શકે જો તે માત્ર તેના આંતરિક મતભેદોને ઉકેલી લે અને રાજ્યમાં વર્ચસ્વ ધરાવતાં નેતાને આગળ લાવે.

 તાજેતરમાં તેના રાજ્ય પ્રભારી આનંદ શર્માએ સ્ટીયરિંગ કમિટિમાંથી રાજીનામું આપ્યું હતું. ચૂંટણી જીતવા માટે નેતૃત્વ મહત્ત્વપૂર્ણ છે. રાજ્ય સ્તરે કોંગ્રેસ ક્ષીણ થઈ રહી છે. 5 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા વીરભદ્રસિંહના અવસાનથી કોંગ્રેસનાં મૂળિયાં ડગ્યા છે. તેમનાં પત્ની પ્રતિભાસિંહ અને પુત્ર વિક્રમાદિત્યસિંહ કોંગ્રેસને સ્વિંગનો ફાયદો અપાવે તો સમીકરણ ભેગાં થાય. તે સામે BJPએ બાબુ કલ્ચરની નોંધ લઈ બેઠકો દીઠ એન્ટિ – ઇન્કમ્બન્સીની નોંધ લીધી અને ઘણાં વર્તમાન વિધાયકોની ટિકિટ કાપી! પહાડી રાજ્યમાં કોંગ્રેસ અને BJPમાં પરિવારના સભ્યો વચ્ચે જ ઉમેદવારી માટે હરીફાઈ છે, બળવો છે, સ્ટાર પ્રચારકો નક્કી થઈ ગયા, સ્વતંત્ર ઉમેદવાર હમણાં તો ઘણાં દેખાય છે, લાગે છે ધીમે ધીમે ઢોળાવ જોઈ બેસી જશે! પર્વતીય ક્ષેત્રમાં મુકામે – મુકામે સમસ્યાઓ બદલાય છે, જમા ખાતે PM મોદી હોય તો BJPના કેડરોએ સ્વિંગને સ્વિપ કરાવી ઈતિહાસ બદલવો રહ્યો!
– કુસુમ ઠક્કર

Most Popular

To Top