Comments

વિપક્ષો ગઠબંધન કરી શકશે?

2016માં સોનિયા ગાંધીએ તમામ વિરોધ પક્ષોને એક વિચાર સૂચવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ચસ્વ ખતમ કરવા બાબતમાં વિરોધ પક્ષો ગંભીર હોય તો લોકસભાની તમામ 543 બેઠક પર ભારતીય જનતા પક્ષ અથવા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ-એન.ડી.એ.ના ઉમેદવાર સમો એક જ સમાન ઉમેદવાર મૂકો. 2024ની લોકસભાની ચૂંટણી માટે આ જ હરોળમાં વિપક્ષી એકતા માટે કામ કરવા બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર ગયા અઠવાડિયે દિલ્હી ગયા હતા. સંયુકત વિપક્ષી મોરચો રચવા માટે વિરોધ પક્ષના નેતાઓને મળવાનો તેમણે આ કંઇ પહેલી વાર પ્રયત્ન નથી કર્યો. આ વખતે સૂચક રીતે રાહુલ ગાંધી પણ નીતીશકુમાર સાથે ચર્ચામાં જોડાયા છે.

આ પહેલાં એવું વિચારાતું હતું કે કોંગ્રેસને વર્ચસ્વવાળું સ્થાન નહીં મળે તો રાહુલ ગાંધી સંયુકત મોરચામાં જોડાવા સંમત નહીં થાય. 2024માં આખા દેશમાં ભારતીય જનતા પક્ષ સામે એક સમાન ઉમેદવાર મૂકવા તમામ પક્ષો પોતાની વ્યકિતગત મહત્ત્વાકાંક્ષાનો ભોગ આપશે? વિરોધ પક્ષોનો નેતા કોણ બનશે? લોકો તેને મોદીના વિકલ્પ તરીકે સ્વીકારશે?

આપણે જોયું છે કે આવું વિપક્ષી મહા જોડાણ હંમેશા અનુકૂળ પરિણામ નથી આપતું. ભારતીય જનતા પક્ષનો વિરોધ કરનારા પક્ષો એક બીજા સાથે અંદર અંદર લડે છે અને તેમાં કોઇ પણ સંકલિત પગલું કયારેય સરળ નથી. વૈચારિક અને વ્યકિતગત રીતે વિરોધાભાસ ઘણા છે અને ઘણાં સ્થળે હિતો ટકરાય છે. કેટલાક પક્ષો ભારતીય જનતા પક્ષ તરફ સાચવી સાચવીને ડગલાં માંડે છે અને તે પણ પોતાનું ઘર સાચવવાના ઇરાદે. આથી જ નીતીશકુમાર અને અન્ય પક્ષોના નેતાઓ કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, માર્કસવાદી સીતારામ યેચૂરી, આમ આદમી પક્ષના અરવિંદ કેજરીવાલ વગેરે વચ્ચેની બેઠક શકયતા તપાસનાર હતી, નિર્ણાયક નહીં.

એક વાત સ્પષ્ટ છે કે ભારતીય જનતા પક્ષ સિવાયના પક્ષોમાં એક સમજ વધી રહી છે કે પરસ્પર દુશ્મનાવટને કારણે તેઓ ભારતીય જનતા પક્ષનો શિકાર સહેલાઇથી બની જશે. ભારતીય જનતા પક્ષ સિવાયના આમાંના મોટા ભાગના પક્ષો કોંગ્રેસ સામેના વિરોધને પગલે પેદા થયા છે.

ભારતીય જનતા પક્ષ દેશના હિંદી પટ્ટામાં વર્ચસ્વધારી પક્ષ છે. અન્ય રાજયોમાં તેણે પ્રાદેશિક પક્ષોનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાદેશિક પક્ષો સાથેના જોડાણથી મત તબદીલ નથી થઇ શકતા કારણ કે તે જુદા જુદા પ્રદેશમાં જ અસ્તિત્વ ધરાવે છે. કેરળમાં ડાબેરી પક્ષો અને કોંગ્રેસ વચ્ચે જેમ શત્રુતા છે તેમ આમાંના કેટલાક પક્ષો રાજય સ્તરે એક બીજાના હરીફ છે. આથી ચૂંટણી પહેલાંના જોડાણના મર્યાદિત પરિણામ આવે છે. પણ એવાં કેટલાંય રાજયો છે જયાં ભારતીય જનતા પક્ષના મતમાં ભાગ પડાવવા પક્ષો એક થઇ શકે છે. આવાં રાજયો સામાન્ય રીતે ઉત્તરપ્રદેશ અને બિહાર છે પણ આવાં રાજયોમાં કોંગ્રેસ કેવી રીતે પ્રાપ્ત કરે છે તેના પર આધાર છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને કર્ણાટકમાં કોંગ્રેસ ભારતીય જનતા પક્ષનો મુખ્ય હરીફ પક્ષ છે.

બિહારમાં જનતા દળ (યુ) અને રાષ્ટ્રીય જનતા દળ જેવા તેમજ ઉત્તર પ્રદેશમાં બહુજનસમાજ પાર્ટી ગઇ? આધારિત પક્ષો કોંગ્રેસ સાથે સંકલન સાધી શકે પણ ‘સામાજિક ન્યાય’નું  રાજકારણ પોતે હિંદુત્વ સામે કટોકટ હાલતમાં આવી ગયું છે. ગઠબંધન મહત્ત્વનાં છે પણ લોકો સાથેના ટકાઉ સંપર્ક સાથે દીર્ઘદૃષ્ટિવાળો સંયુકત કાર્યક્રમ હોય તો વિપક્ષી ગઠબંધન સફળ થઇ શકે, પણ અહીં તો અદાણી વિવાદ હોય કે સાવરકર વિવાદ હોય, મુખ્ય વિરોધ પક્ષો વચ્ચે જ મોટાં તડાં પડે છે. તેમને માટે પડકાર સમાન ભૂમિકા શોધવાનો છે.

અત્યારે 14 રાજયોમાં વિપક્ષી શાસન છે. મહારાષ્ટ્રમાં પવાર એકતાની વાત કરે છે તો બંગાળમાં મમતા આવા કોઇ પ્રયાસમાં તે ભાગ લેશે કે નહીં તેનો ફોડ પાડતા નથી. ગોવા, મેઘાલય અને ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ ઉમેદવાર મૂકી તેમણે કોંગ્રેસે રૂંધવાનો પ્રયત્ન કર્યો. મમતા ઇચ્છે છે કે બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો નબળા રહે અને માત્ર તૃણમૂલ કોંગ્રેસ જ ભારતીય જનતા પક્ષ સામે લડે. સમાજવાદી પક્ષના અખિલેશ યાદવને એકલા હાથે ચૂંટણી લડવી છે. નીતીશ અને તેમના સહાયક રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ તેમને કોંગ્રેસ અને માયાવતીની બહુજન સમાજ પાર્ટી સાથે કામ કરવા મનાવશે? રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પછી કોંગ્રેસમાં પરિવર્તન થયું છે. તો અખિલેશ અને માયાવતી પોતાના ગઢની રક્ષા કરશે કે વિપક્ષી એકતાના વરઘોડામાં જોડાશે?

વિપક્ષના મુખ્ય પ્રધાનો નવીન પટનાઇક અને વાય.એસ. જગન મોહન રેડ્ડીને આ મંડળીમાં નથી જોડાવું. કે. ચંદ્રશેખર રાવે કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ બંને સામે બાંય ચડાવી છે. આ ત્રણેના રાજયની સંયુકતપણે 63 બેઠકો લોકસભામાં છે. નીતીશકુમાર અને શરદ પવાર પણ કંઇ સીધા નથી. કાલે મમતા બેનરજી આ મંડળમાં આવે તો વડાપ્રધાન કોણ બને? યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સના કન્વીનર કોણ? રાહુલ અને સોનિયા આ પંગતમાં નથી બેસવાના પણ નીતીશકુમારને માથે મોડ બાંધનારાઓનો ઉત્સાહ ઘટતો નથી.

વિપક્ષી જૂથોને મોદીના કરિશ્માની ટક્કર લઇ શકે તેવો નેતા જોઇએ છે. ભારતીય જનતા પક્ષને ગત સામાન્ય ચૂંટણીમાં માત્ર 37.7 ટકા મત મળ્યા હોવાથી વિરોધ પક્ષો ભેગા મળે તો પરિસ્થિતિ બદલાઇ જાય. પણ લોકસભાની ચૂંટણી એક ગણિતથી કંઇક વિશેષ છે. લોકો સાથેના સંબંધની વાત છે તો મોદી ઘણા આગળ છે. વિરોધ પક્ષોએ સફળ થવું હશે તો લોકોનાં માનસને ધરમૂળથી બદલવા માટે કયા મુદ્દા કામ લાગે તે વિચારવું પડશે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top