લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપની મુસીબતો વધી રહી છે. જૂની પેન્શન સ્કીમ (OPS) ને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે રવિવારે દેશભરમાંથી લાખો સરકારી કર્મચારીઓ રાષ્ટ્રીય રાજધાનીના રામલીલા મેદાનમાં એકઠાં થયાં હતાં. નેશનલ મૂવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ (NMOPS) ના નેજા હેઠળ પેન્શન શંખનાદ મહારેલીનું આયોજન હાલની નેશનલ પેન્શન સ્કીમ (NPS)ને બદલે જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવા માટે કેન્દ્ર પર દબાણ લાવવાના ઉદ્દેશ સાથે કરવામાં આવ્યું હતું. નવી અને જૂની પેન્શન યોજનાને લઈને કેન્દ્ર સરકાર અને બિનભાજપ શાસિત રાજ્યો વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે.
આ ઘમસાણ વચ્ચે ફરી એક વાર OPSની માંગને લઈને દેખાવો જોવા મળી રહ્યા છે. જો કે સરકાર જૂની પેન્શન સ્કીમને પુનઃસ્થાપિત કરવાના પક્ષમાં નથી. જૂની પેન્શન યોજના હેઠળ નિવૃત્ત કર્મચારીને ફરજિયાત પેન્શનનો અધિકાર મળે છે. તે નિવૃત્તિ સમયે મળતા મૂળ પગારના ૫૦ ટકા છે. જે બેઝિક વેતન પર કર્મચારી નોકરી પૂરી કરીને નિવૃત્ત થાય છે, તેનો અડધો ભાગ તેને પેન્શન તરીકે આપવામાં આવે છે. જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ પછી પણ સરકારી કર્મચારીને નોકરી કરતાં કર્મચારીની જેમ મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાંઓનો લાભ મળતો રહે છે.
એટલે કે જો સરકાર કોઈ પણ ભથ્થાંમાં વધારો કરે તો તે મુજબ પેન્શન વધે છે. નવી પેન્શન યોજના વર્ષ ૨૦૦૪ માં અટલબિહારી વાજપેયીની સરકાર દ્વારા લાગુ કરવામાં આવી હતી. જૂની અને નવી પેન્શન યોજના વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે OPS હેઠળ પેન્શનની રકમ સરકારી તિજોરીમાંથી ચૂકવવામાં આવે છે અને આ યોજનામાં પેન્શન માટે કર્મચારીઓના પગારમાંથી કોઈ પૈસા કાપવાની જોગવાઈ નથી. NPSના દાયરામાં આવતાં કર્મચારીઓના પગારમાંથી ૧૦ ટકા પગાર કાપવામાં આવે છે. નવી પેન્શન સ્કીમ શેરબજાર પર આધારિત છે. તેથી ઓછા વળતરના કિસ્સામાં ખોટ જવાની સંભાવના છે.
રાષ્ટ્રીય પેન્શન યોજનામાં સરકારી અને બિનસરકારી બંને કર્મચારીઓનો સમાવેશ થાય છે. શરૂઆતમાં તે માત્ર સરકારી કર્મચારીઓ માટે હતી, જે ૨૦૦૯માં બદલીને ખાનગી કર્મચારીઓમાં પણ લાગુ કરવામાં આવી હતી. ૧૮-૬૦ વર્ષની ઉંમરનો કોઈ પણ કર્મચારી તેમાં રોકાણ કરી શકે છે. નવી પેન્શન યોજના બજાર આધારિત છે. તેનું ભંડોળ શેર બજારમાં રોકવામાં આવે છે. તેનો લાભ અદાણી અને અંબાણી જેવી સરકારની માનીતી કંપનીઓને થાય છે. જો શેરોના ભાવો ગગડી ગયા તો કર્મચારીઓનું પેન્શન ઘટી જાય છે.
જો શેર બજાર નીચે જાય અને મોંઘવારી વધતી જાય તો સરકારી કર્મચારીઓને ભીખ માગવાનો વારો પણ આવી શકે છે. નવી પેન્શન યોજનામાં નિવૃત્તિ પછી મળેલી રકમ કરપાત્ર છે. માત્ર દોઢ લાખ રૂપિયા સુધીનો જ ટેક્સ બેનિફિટ મળે છે. તેથી વિરુદ્ધ OPS હેઠળ પેન્શન પર કોઈ ટેક્સ નથી. નિવૃત્તિ પછી મળતો પગાર પણ કરમુક્ત છે. જૂની પેન્શન યોજના માત્ર નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે છે. જે રાજ્યોએ તેને ફરીથી લાગુ કરી છે તેમાં હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, ઝારખંડ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે.
દિલ્હીમાં યોજાયેલી મેગા રેલીના મુખ્ય સંયોજક અને NMOPSના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજય કુમાર બંધુએ કહ્યું હતું કે ‘‘જો આ સરકાર જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત નહીં કરે તો કર્મચારીઓ તેમને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પેન્શન પર ઊતારી દેશે.’’ હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર હુડ્ડા, આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને કિસાન નેતા રાકેશ ટિકૈતે OPS મુદ્દે સમર્થન આપ્યું છે. રાકેશ ટિકૈતે તો ત્યાં સુધી કહ્યું કે કિસાન આંદોલનની જેમ OPS પણ આંદોલનનો મુદ્દો બની રહેશે. વિજય કુમાર બંધુએ જણાવ્યું હતું કે તેમણે છેલ્લા છ મહિનામાં દેશભરમાં ૧૮,૦૦૦ કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો અને લાખો કર્મચારીઓને એકઠાં કર્યાં છે.
જૂની પેન્શન યોજનાને લઈને છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારીઓ દેશભરમાં આંદોલન કરી રહ્યા છે. છેલ્લી કેટલીક વિધાનસભાની ચૂંટણીઓમાં પણ આ મુદ્દો એક મોટો મુદ્દો બન્યો હતો. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ‘‘અમે OPSને પરત લાવવાની સરકારી કર્મચારીઓની માંગનું મજબૂત સમર્થન કરીએ છીએ. નવી પેન્શન યોજના (NPS) કર્મચારીઓ સાથે અન્યાય છે. અમે પંજાબમાં OPS લાગુ કર્યું છે અને દિલ્હીના સરકારી કર્મચારીઓ માટે તેને લાગુ કરવા માટે કેન્દ્રને પત્ર લખ્યો છે.’’ હવે બિનભાજપ શાસિત રાજ્યો નવી પેન્શન યોજનાના વિરોધમાં આવી રહ્યા છે, જેને કારણે કેન્દ્ર પર દબાણ વધી રહ્યું છે.
સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) સરકારી તિજોરી પર બોજો વધારે છે. આ સંદર્ભે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગયા સપ્ટેમ્બરમાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં આંકડાઓ સાથે આ વધારાના બોજા વિશે માહિતી આપવામાં આવી હતી. રિઝર્વ બેન્કના અહેવાલ મુજબ જૂની પેન્શન યોજનાના અમલીકરણથી રાજકોષીય સંસાધન પર વધુ દબાણ આવશે અને રાજ્યોની બચતને અસર થશે. જૂની પેન્શન યોજનાને ફરીથી અપનાવવાથી ટૂંકા ગાળામાં રાજ્યોના પેન્શન ખર્ચમાં ચોક્કસપણે ઘટાડો થશે, પરંતુ ભવિષ્યમાં પેન્શન જવાબદારીઓમાં ભારે વધારો થશે. OPSને કારણે પેન્શન બોજામાં વધારો ૨૦૩૦ સુધીમાં NPSમાં રાજ્યો દ્વારા કરવામાં આવેલા યોગદાન કરતાં વધુ હશે.
ભારતીય રિઝર્વ બેંકના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે જૂની પેન્શન યોજના અપનાવ્યા બાદ પેન્શન પરનો ખર્ચ નવી પેન્શન યોજના હેઠળ અંદાજિત પેન્શન ખર્ચ કરતાં લગભગ ૪.૫ ગણો વધી જશે. તેના કારણે સરકારી તિજોરી પરનો બોજો પણ ૨૦૬૦ સુધીમાં વધીને જીડીપીના ૦.૯ ટકા થઈ શકે છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર OPS પુનઃસ્થાપિત કરવાથી રાજ્યોની નાણાંકીય સ્થિતિ પર પણ અસર પડશે અને તે બગડી શકે છે. સરકારી કર્મચારીઓ તિજોરી પરના બોજાની નહીં પણ પોતાના સલામત ભવિષ્યની ચિંતા કરી રહ્યા છે. તેમને જૂની પેન્શન યોજનામાં સલામતી લાગતી હતી, જ્યારે નવી પેન્શન યોજનામાં તેમને લાગે છે કે તેમને શેર બજારની દયા પર છોડી દેવામાં આવ્યા છે.
રામલીલા મેદાનમાં જૂની પેન્શન યોજના માટે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આ દરમિયાન એક રસપ્રદ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો કે ‘‘જે ઓપીએસને પુનઃસ્થાપિત કરશે તે દેશ પર રાજ કરશે.’’ એટલા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મોદી સરકાર વિરુદ્ધ આંદોલન કરી રહેલ શિક્ષકો અને સરકારી કર્મચારીઓને સમર્થન આપવા પહોંચી ગયા હતા. કોંગ્રેસે હિમાચલ પ્રદેશમાં આ જૂની પેન્શન સ્કીમને માત્ર મોટો મુદ્દો બનાવ્યો હતો; એટલું જ નહીં પરંતુ તેને ફરીથી લાગુ પણ કર્યો હતો. હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને તેનો ફાયદો પણ થયો હતો. હવે વિપક્ષને લાગી રહ્યું છે કે જો તેઓ ૨૦૨૪ પહેલાં OPSને મોટો મુદ્દો બનાવવામાં સફળ થાય છે તો તેમના માટે સત્તાની સીડી સુધી પહોંચવાનું મોટું હથિયાર બની શકે છે. રવિવારે રામલીલા મેદાનની રેલીમાં સરકારી કર્મચારીઓનો જે મહાસાગર ઉમટ્યો હતો તેને કારણે કેન્દ્ર સરકાર વિમાસણમાં મૂકાઈ ગઈ છે. ભાજપને આ મુદ્દો ચૂંટણીમાં પરેશાન કરી મૂકે તેવો છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.