Columns

શિવસેના પક્ષ અને નિશાન શિંદે જૂથને આપવાનું પગલું આત્મઘાતક પુરવાર થશે?

ગુજરાતીમાં કહેવત છે કે ‘કાબે અર્જુન લૂંટ્યો; એ જ ધનુષ, એ બાણ !’ અર્થાત્ જે ધનુષ્ય-બાણ વડે અર્જુન કાબા લૂંટારાને હરાવી શકે છે, તે જ ધનુષ્ય-બાણનો ઉપયોગ કરીને કાબો લૂંટારો અર્જુનને પણ હરાવી શકે છે.  આ નીતિકથામાં મહત્ત્વ ધનુષ્ય-બાણનું નથી, તેના વાપરનારાનું પણ નથી, પણ સમયનું છે. બાણાવળી અર્જુનનો સમય ખરાબ ચાલતો હતો ત્યારે તેના જ ધનુષ્ય-બાણ વડે કાબાએ તેને લૂંટી લીધો હતો. હિન્દુ હૃદયસમ્રાટ તરીકે વિખ્યાત બાળ ઠાકરે દ્વારા સ્થાપિત શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો સમય સારો ચાલતો હતો ત્યારે તેમણે વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાના ચૂંટણી પ્રતિક ધનુષ્ય-બાણનો ઉપયોગ કરીને સત્તા હાંસલ કરી લીધી હતી.

ઉદ્ધવ ઠાકરેનો સમય ખરાબ આવ્યો તો તેમના હાથમાં શિવસેના પક્ષ અને ધનુષ્ય-બાણ હતા તો પણ સત્તા ચાલી ગઈ. ભાજપે ઉદ્ધવ ઠાકરેના એક સમયના વિશ્વાસુ સાથીદાર એકનાથ શિંદેને બળવો કરવા ઉશ્કેરીને મોટો ખેલ પાડી દીધો. હવે ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને વધુ એક ફટકો મારીને તેમના હાથમાંથી શિવસેના પક્ષ, તેનું ચૂંટણી ચિહ્ન અને તેની સ્થાવર-જંગમ મિલકતો પણ એકનાથ શિંદે જૂથને સોંપવાનો નિર્ણય કર્યો છે. દેખીતી રીતે ઉદ્ધવ ઠાકરેનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે.

ઉદ્ધવ ઠાકરેના હાથમાં હવે મહારાષ્ટ્રની સત્તા નથી, શિવસેના પક્ષ નથી, તેનું ચૂંટણી પ્રતિક ધનુષ્ય-બાણ નથી, બહુમતી વિધાનસભ્યો નથી, બહુમતી સંસદસભ્યો નથી અને કદાચ આવતી કાલે દાદર પર આવેલું શિવસેના ભવન પણ તેમના હાથમાંથી ઝૂંટવાઈ જશે. બેન્કોમાં રહેલી આશરે ૩૫૦ કરોડની શિવસેનાની મૂડી માટે પણ ઝઘડો થવાનો છે. જો ભાજપની થિયરી સાચી માનીએ તો મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે બધું જ હારી ગયા છે. તો શું તેનો અર્થ એવો થાય છે કે લોકસભામાં અને વિધાનસભામાં શિવસેનાની તમામ બેઠકો હવે એકનાથ શિંદેના માધ્યમથી ભાજપના હાથમાં આવી જશે? જોકે મહારાષ્ટ્રનું રાજકારણ સમજનારા નિષ્ણાતો આ વાત સાથે સંમત થતા નથી.

લોકશાહીમાં સંસદસભ્યો કે વિધાનસભ્યો સર્વસત્તાધીશ હોતા નથી, પણ કરોડો મતદારો સર્વસત્તાધીશ હોય છે. મતદારો જ સંસદસભ્યોને કે વિધાનસભ્યોને ચૂંટતા હોય છે. મતદારો જેમ સંસદસભ્યો કે વિધાનસભ્યોને ચૂંટી શકે છે તેમ તેમને ઘરે પણ બેસાડી શકે છે. ભારતની લોકશાહીમાં ચૂંટણી પંચ કે સુપ્રિમ કોર્ટનો શબ્દ આખરી માનવામાં નથી આવતો, પણ જનતા જનાર્દનનો ચુકાદો આખરી માનવામાં આવે છે. ભારતના ચૂંટણી પંચે ભાજપના ઇશારા પર શિવસેના પક્ષ અને તેનું ચિહ્ન શિંદે જૂથને આપી દીધા છે તે હકીકત છે. ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા તેની સામે સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. કદાચ આવતી કાલે સુપ્રિમ કોર્ટ પણ ચૂંટણી પંચના નિર્ણય પર મહોરછાપ મારે તો પણ તેનાથી લડાઈનો અંત આવી જવાનો નથી. શિવસેનાની આખરી લડાઈ તો ચૂંટણીના મેદાન પર લડાવાની છે, જેની રાહ ઉદ્ધવ ઠાકરે જોઈ રહ્યા છે.

કોઈ પણ પક્ષ માત્ર તેના વિધાનસભ્યો કે સંસદસભ્યોથી બનતો નથી. રાજકીય પક્ષનો આત્મા તેના સભ્યો હોય છે અને પદાધિકારીઓ હોય છે. પક્ષના પાયાના કાર્યકરો અને સંગઠનના નેતાઓ તનતોડ મહેનત કરીને ચૂંટણી લડતા હોય છે, મતદારોને પ્રભાવિત કરતા હોય છે અને સંસદસભ્યો કે વિધાનસભ્યો બનાવતા હોય છે. જ્યારે શિવસેનાના ભાગલા થયા ત્યારે મોટા ભાગના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એકનાથ શિંદે જૂથમાં જતા રહ્યા, પણ મોટા ભાગના શિવસૈનિકો અને શાખા પ્રમુખો ઉદ્ધવ ઠાકરે સાથે રહ્યા છે, તે નકારી ન શકાય તેવી હકીકત છે. શાસક પક્ષના નેતાઓ દ્વારા સામ,દામ, દંડ અને ભેદનો ઉપયોગ કરીને શિવસેનાના ૪૦ વિધાનસભ્યોને કે ૧૦-૧૨ સંસદસભ્યોને ખરીદી લેવામાં આવે તેનો અર્થ એવો ન કરી શકાય કે તેમણે આખો પક્ષ ખરીદી લીધો છે. બાળ ઠાકરે દ્વારા જે શિવસેનાની સ્થાપના કરવામાં આવી હતી તે પક્ષનો આત્મા હજુ પણ ઉદ્ધવ ઠાકરેના પક્ષમાં છે. લાખો શિવસૈનિકો આજે પણ ઉદ્ધવ ઠાકરેને જ શિવસેનાના અધ્યક્ષ માને છે.

ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા જ્યારે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવી ત્યારે તેમણે લાખો શિવસૈનિકો ઉપરાંત હજારો શાખા પ્રમુખો, તાલુકા પ્રમુખો, જિલ્લા પ્રમુખો વગેરેની એફિડેવિટો કરાવીને ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને જ સાચી શિવસેના માને છે. આવી લાખો એફિડેવિટોની ચકાસણી પણ કર્યા વિના ચૂંટણી પંચે ૫૦-૫૨ પક્ષપલટુ પ્રતિનિધિઓના આધારે નિર્ણય જાહેર કરી દીધો હતો કે એકનાથ શિંદેનું જૂથ ખરી શિવસેના છે. હવે આ ચુકાદાને ખોટો સાબિત કરવાનો પડકાર ઉદ્ધવ ઠાકરે સમક્ષ છે.

એકનાથ શિંદે દ્વારા બળવો કરવામાં આવ્યો, વિધાનસભ્યોનું હટાણું કરવામાં આવ્યું અને મહારાષ્ટ્રની સત્તા મહાવિકાસ અઘાડી પાસેથી પડાવી લેવામાં આવી તેના ઘેરા પ્રત્યાઘાતો મહારાષ્ટ્રના મતદારોમાં પડ્યા છે. મહારાષ્ટ્રના બહુમતી મતદારો એકનાથ શિંદેને હીરો નથી સમજી રહ્યા પણ ગદ્દાર સમજી રહ્યા છે, જેમણે પોતાના પક્ષ સાથે વિશ્વાસઘાત કર્યો છે. આવી લાગણી માત્ર શિવસેનાના મતદારોમાં નથી પણ તમામ મરાઠી માણસમાં છે.

મરાઠી મતદારોને લાગે છે કે ગુજરાત લોબી (વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમીત શાહ) એકનાથ શિંદેનો ઉપયોગ કરીને મહારાષ્ટ્રની અસ્મિતા પર પ્રહાર કરી રહ્યા છે. મહારાષ્ટ્રના ભાગે આવેલા બે મોટા પ્રોજેક્ટો ગુજરાત તરફ વાળી દેવામાં આવ્યા તેનાથી પણ મહારાષ્ટ્રના મતદારો નારાજ છે. મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારીને તેમની મુદ્દત પૂરી થાય તે પહેલાં દૂર કરવાની ફરજ પડી તે તેની સૌથી મોટી સાબિતી છે, પરંતુ ગવર્નરની બદલી કરવાથી મરાઠી માણસનો ગુસ્સો શાંત થાય તેમ નથી.

ભાજપનું મોવડીમંડળ એ વાત સમજી શકતું નથી કે તેઓ ઉદ્ધવ ઠાકરેને જેમ જેમ કોર્નર કરતા જાય છે તેમ તેમ તેમના પ્રત્યેની મતદારોની સહાનુભૂતિ વધી રહી છે અને તેમની તાકાત પણ વધી રહી છે.  એકનાથ શિંદે જૂથને શિવસેના પક્ષ અને તેનું પ્રતિક ફાળવવામાં આવ્યું તે પછી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’માં જે શિવસૈનિકોનો સ્વયંભૂ પ્રવાહ ઉમટ્યો તેનું કારણ ઉદ્ધવ ઠાકરે માટેની સહાનુભૂતિ હતી. લાખો શિવસૈનિકો આજે પણ ઉદ્ધવ ઠાકરેને બાળ ઠાકરેના સાચા વારસદાર માને છે અને એકનાથ શિંદેને તેમની પીઠમાં ખંજર હૂલાવનાર તરીકે જ ઓળખે છે.

જ્યારે એકનાથ શિંદે દ્વારા બળવો કરવામાં આવ્યો ત્યારે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીઓની તારીખ આવી ગઈ હતી, પણ મતદારોનો ઉદ્ધવ ઠાકરેતરફી મિજાજ જોઈને રાજ્ય સરકારે તે ચૂંટણી ટાળી રાખી હતી. હવે ઉદ્ધવ ઠાકરેએ પડકાર ફેંક્યો છે કે જો ભાજપમાં તાકાત હોય તો મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી જીતી બતાડો. જો આ ચૂંટણી ખરેખર યોજાય તો મતદારોનો મિજાજ પરખાઈ શકે તેમ છે.

હવે પછી ભાજપની ખરી કસોટી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં થવાની છે. સી-વોટરના સર્વે મુજબ હમણા ચૂંટણી થાય તો ભાજપને ૪૮ પૈકી માંડ ૧૪ બેઠકો મળે તેમ છે. તેનું કારણ એ છે કે પક્ષપલટુઓ દ્વારા ભાજપે સત્તા કબજે કરીને જનતાની સહાનુભૂતિ ગુમાવી છે. લોકસભાની ચૂંટણી પછી તરત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે ઉદ્ધવ ઠાકરે મતદારોની અદાલતમાં જઈને કેવો ચુકાદો લાવી શકે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.         – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top