Columns

૧૯૯૦ના દાયકાના ડોટકોમની જેમ મેટાવર્સનો ફુગ્ગો પણ ફૂટી જશે?

૧૯૯૦ ના દાયકામાં ઇન્ટરનેટ જ્યારે નવુંસવું હતું ત્યારે દુનિયામાં અઢળક ડોટ કોમ કંપનીઓ ફૂટી નીકળી હતી, જેમાં રોકાણ કરવા લોકો ગાંડાં થયાં હતાં. તેને પરિણામે ઇન્ટરનેટ સાથે જોડાયેલી નવી કંપનીઓના શેરોના ભાવો આસમાનમાં ઊડવા લાગ્યા હતા. ૧૯૯૫ અને ૨૦૦૦ વચ્ચે જેમ જેમ ભાવો વધતા ગયા તેમ તેમ વધુ નફાની લાલચે વધુ રોકાણકારો તેમાં જોડાતાં ગયાં હતાં. તેને કારણે ન્યુ યોર્ક સ્ટોક માર્કેટના ઇન્ડેક્સમાં પાંચ વર્ષમાં ૪૦૦ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. આ બાજુ ઇન્ટરનેટ ટેકનોલોજીનો વિકાસ કરવાની દિશામાં અપેક્ષા મુજબ પ્રગતિ ન થતાં તેમના માટે લોકોનો મોહ ઘટી ગયો હતો. રોકાણકારો ડોટ કોમ કંપનીઓના શેરો વેચવા લાગ્યા હતા, જેને કારણે ૨૦૦૨ ના ઓક્ટોબરમાં શેર બજાર કડડભૂસ થઈ ગયું હતું. તેજી દરમિયાન રોકાણકારો દ્વારા જેટલી પણ કમાણી કરવામાં આવી હતી તેની ૭૮ ટકા ધોવાઈ ગઈ હતી. મંદીના વમળમાં ઘણી ડોટ કોમ કંપનીઓ ઊઠી ગઈ હતી. જો કે એમેઝોન જેવી કેટલીક કંપનીઓ બચી પણ ગઈ હતી.

૧૯૯૦ ના દાયકામાં ડોટ કોમ કંપનીઓ માટે બજારમાં જેવો આશાવાદ જોવા મળતો હતો તેવો આશાવાદ હવે મેટાવર્સે પેદા કર્યો છે. મેટાવર્સને ઇન્ટરનેટનું તદ્દન અદ્યતન સ્વરૂપ માનવામાં આવે છે, જેમાં દુનિયાનાં કરોડો લોકો પોતાના ૩-ડી અવતાર બનાવીને કાલ્પનિક દુનિયામાં જિંદગી જીવતા હશે, તેવું માનવામાં આવે છે. ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા કરી નાખ્યું ત્યારથી દુનિયાભરનાં લોકોનું ધ્યાન મેટાવર્સની લેટેસ્ટ ટેકનોલોજી તરફ આકર્ષિત થયું છે. આ રોમાંચનો લાભ લઈને અનેક કંપનીઓ મેટાવર્સની દુનિયામાં ઝંપલાવી દેવા તલપાપડ બની છે. ફેસબુક પછી ગુગલ , માઇક્રોસોફ્ટ અને ડિઝની જેવી કંપનીઓ પણ તેમાં સક્રિય બની છે. મેટાવર્સને કારણે ક્રિપ્ટોકરન્સીની માર્કેટમાં પણ નવું રોકાણ આવી રહ્યું છે. મધ્યમ વર્ગના રોકાણકારો પણ તેમાં રસ લેતા થયા છે; પરંતુ ડોટ કોમની જેમ મેટાવર્સનો ફુગ્ગો પણ ફૂટી જાય તેવી સંભાવના છે.

બેન્ક ઓફ અમેરિકાના નિષ્ણાત હૈમ ઇઝરાયલ કહે છે કે મેટાવર્સને કારણે ક્રિપ્ટોકરન્સીના ઉદ્યોગમાં રોકાણકારો માટે માતબર તકો ઊભી થઈ છે. જે કંપનીઓ મેટાવર્સ ઉદ્યોગ સાથે સંકળાયેલી હોય તેના શેરોના ભાવોમાં રાતોરાત ઉછાળો જોવા મળી રહ્યો છે. જો કે કેટલાક લોકો ચેતવણી આપે છે કે ૨૦૦૦ ના દાયકામાં ડોટ કોમનો પરપોટો જેમ ફૂટી ગયો તેમ મેટાવર્સનો પરપોટો પણ ફૂટી જશે. તેમના કહેવા મુજબ દુનિયામાં હજુ મેટાવર્સ ટેકનોલોજી પા પા પગલીની દશામાં છે. તેને પૂર્ણરૂપે વિકસિત થવામાં ઓછામાં ઓછાં દસ વર્ષ નીકળી જશે. જેઓ નજીકના ભવિષ્યમાં મેટાવર્સ લોકપ્રિય થશે તેવી અપેક્ષાથી તેમાં રોકાણ કરવા દોડી રહ્યા છે, તેમને નારાજ થવાનો વારો આવશે, કારણ કે હાલમાં બહુ ઓછી કંપનીઓ તેમાં ખેડાણ કરી રહી છે.

મેટાવર્સ એટલે શું? તેની કોઈ નિશ્ચિત વ્યાખ્યા હજુ સુધી પ્રસ્થાપિત થઈ નથી. કેટલાક લોકો કહે છે કે ૩-ડી ગેમિંગ ઉદ્યોગ છે તે મેટાવર્સનું પ્રાથમિક સ્વરૂપ છે. કેટલાક લોકો કહે છે કે જે બ્લોકચેઇન ટેક્નોલોજી છે તે મેટાવર્સનું સૌથી લાક્ષણિક પાસું છે. કેટલાંક લોકો કહે છે કે મેટાવર્સનું સૌથી મહત્ત્વનું પાસું ક્રિપ્ટોકરન્સી બની જશે, જેને કારણે પેપર કરન્સી નકામી બની જશે. હકીકતમાં સ્ટિવન સ્પિલબર્ગની ફિલ્મ ‘રેડી પ્લેયર વન-ધ ઓએસિસ’ માં જે આભાસી દુનિયા ખડી કરવામાં આવી છે તે મેટાવર્સનું સાચું સ્વરૂપ છે, તેમ ઉદ્યોગના બધા નિષ્ણાતો કબૂલ કરે છે. આ ફિલ્મ રિલીઝ થઈ તે પછી જ મેટાવર્સની અને તેની ટેક્નોલોજીની ચર્ચા જોર પકડવા લાગી હતી.

મેટાવર્સનો વિચાર જો સફળ થાય તો તેમાં મુખ્ય ત્રણ પાસાંઓ અનિવાર્યપણે હોવાં જોઈએ. પહેલું પાસું એ હોવું જોઈએ કે તેનો ઢાંચો મોટો હોવો જોઈએ. તેમાં દુનિયાની વસતિના લગભગ તમામ લોકોનો સમાવેશ કરવાની ક્ષમતા હોવી જોઈએ. અત્યારે વીડિયો ગેમ બે-ચાર ખેલાડીઓ ભેગા થઈને રમતા હોય છે; જ્યારે મેટાવર્સનું સ્વરૂપ એવું હોવું જોઈએ કે તેમાં કરોડો લોકો એક જ પ્લેટફોર્મ પર જોડાઈ શકવા જોઈએ. બીજું, તેમાં ખરેખરી દુનિયા જેવું વૈવિધ્ય હોવું જોઈએ અને મનોરંજન પણ હોવું જોઈએ, જેને કારણે લોકોને વાસ્તવિક દુનિયા છોડીને કાલ્પનિક દુનિયામાં રહેવાનું મન થાય. જો કાલ્પનિક દુનિયામાં વાસ્તવિક દુનિયા જેવી વેરાયટી નહીં હોય તો લોકો તેમાં બોર થઈને વાસ્તવિક દુનિયામાં પાછા આવી જશે. ત્રીજું, મેટાવર્સમાં એટલો રોમાંચ હોવો જોઈએ કે લોકો કલાકોના કલાકો સુધી તેમાં મહાલ્યા કરે. લોકો જેટલો વધુ સમય મેટાવર્સની દુનિયામાં રહેશે, એટલો તેઓ ખર્ચો કરશે, જેના નફાથી મેટાવર્સ કંપનીઓ પોતાનો ખર્ચો કાઢી શકશે.

મેટાવર્સના સફળતાની ત્રણ શરતો પરથી ખ્યાલ આવે છે કે દુનિયામાં જેટલું વૈવિધ્ય છે તેટલું વૈવિધ્ય તેમાં પેદા કરવા માટે કરોડો ૩-ડી ગ્રાફિકો તૈયાર કરવા પડે અને સાયબર વર્લ્ડમાં તરતા મૂકવા પડે. આ કામ કોઈ એક વ્યક્તિનું કે કંપનીનું નથી. આપણી વર્તમાન દુનિયાના નિર્માણમાં જેમ દુનિયાના દરેક રહેવાસીઓનો નાનો-મોટો ફાળો છે તેમ જો કાલ્પનિક દુનિયાને રસપ્રદ બનાવવી હોય તો તેના બાંધકામમાં પણ કરોડો લોકોને સામેલ કરવા જોઈએ. વર્તમાનમાં ૩-ડી ગેમિંગની જે ટેક્નોલોજી છે તે અત્યંત જટિલ છે અને ખર્ચાળ પણ છે. તેનો ઉપયોગ ભારે મૂડીરોકાણ ધરાવતી ગણતરીની કંપનીઓ જ કરી શકે છે. જો મેટાવર્સની ટેકનોલોજીને સરળ અને લોકભોગ્ય બનાવવામાં આવે તો જ કરોડો લોકો તેમાં સામેલ થઈને તેનું નિર્માણ કરી શકે.

વર્તમાનમાં ૩-ડી ગેમિંગની દુનિયામાં બે જાતનાં પ્લેટફોર્મ હયાત છે. એક પ્લેટફોર્મ એવું છે, જેમાં રમનારા પ્લેટફોર્મની ચાર દિવાલો વચ્ચે રહીને જ પોતાનું કૌશલ બતાવી શકે છે. વર્લ્ડ ઓફ વોરક્રાફ્ટ જેવા પ્લેટફોર્મ પર ખેલાડીઓ મર્યાદા છોડીને બહાર જઈ શકતા નથી કે બીજા ખેલાડીઓ સાથે રમી શકતા નથી. બીજું પ્લેટફોર્મ રોબ્લોક્સ પ્રકારનું છે, જેમાં રમનારાઓ પોતાની કન્ટેન્ટ બનાવી શકે છે અને ચાર દિવાલની બહાર જઈને બીજા ખેલાડીઓ સાથે પણ રમી શકે છે.

પહેલું પ્લેટફોર્મ ચોક્કસ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે, જેમાં રમનારને કોઈ સ્વતંત્રતા હોતી નથી. તેને કારણે તે પોતાની સૃજનાત્મકતાનો ઉપયોગ કરી શકતો નથી. બીજા પ્લેટફોર્મમાં તે પોતાની કન્ટેન્ટ મૂકી શકે છે. તેને કારણે હજારો લોકો આ પ્લેટફોર્મના નિર્માણમાં સહભાગી બની શકે છે. વર્તમાનમાં મેટાવર્સનો જે ઢાંચો છે તેમાં બધો માલ તૈયાર હોય છે. મેટાવર્સમાં સમય વીતાવવા ચાહનારને જે દુનિયા આપવામાં આવી હોય તેમાં જ જીવવાનું હોય છે. તેમાં તે ફેરફાર કરી શકતો નથી. જો મેટાવર્સ બનાવતી કંપનીઓ પોતાની મોનોપોલી નહીં છોડે તો તેનો વિકાસ કુંઠિત થઈ જશે.

જો મેટાવર્સનો જુગાર સફળ થયો તો આપણે જે પ્રકારની જિંદગી જીવીએ છીએ તેનું સ્વરૂપ તો બદલાઈ જશે; પણ કાલ્પનિક દુનિયાના કાયદાઓ પણ બદલાઈ જશે. દાખલા તરીકે રિયલ દુનિયામાં આપણે જે સ્થાવર મિલકત ખરીદીએ છીએ તેના માલિક આપણે પોતે હોઈએ છીએ. આપણી પરવાનગી વિના તે મિલકત સાથે કોઈ છેડછાડ કરી શકતું નથી. મેટાવર્સની દુનિયામાં આપણે જે મિલકત ખરીદશું તેનું નિયંત્રણ તો કંપનીના હાથમાં જ રહેશે. તેને મન ફાવે ત્યારે આપણી મિલકતમાં તે ફેરફાર કરી શકશે. તેને કારણે કોર્ટોમાં નવા પ્રકારના કેસો આવશે.

Most Popular

To Top