ગત બે-ત્રણ દિવસો પહેલાં સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની ચૂંટણીમાં શાસકો અને વિપક્ષો વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો અને સુરતીઓને મનોરંજન મળ્યું! ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે શાસકો વિપક્ષો વચ્ચે બોલાચાલી થઇ અને છેવટે છુટ્ટા હાથની મારામારી, ગાળ-ગલોચ, વાણીવિલાસ અને મનપાની મિલ્કતોને નુકસાન! સુરત અને સુરત બહારની જનતાએ સમાચારોના માધ્યમથી આ હકીકતો જાણી એ સુરત માટે કેટલું શરમજનક કહેવાય? નગરસેવકોનું કામ સેવા કરવાનું છે તેને બદલે વાણીવિલાસ અને મારામારી કરતાં હોય એવા પાસે જનતા શું અપેક્ષા રાખી શકે? આમેય કોરોનાની બીજી લહેરમાં સુરતમાં એકેય નગરસેવકો જાહેરમાં દેખાયા નથી.
જે કાંઇ કામગીરી થઇ તે મ્યુ. કમિશ્નર અને કર્મચારીઓએ જ કરી છે? ઓછું ભણેલા અને તદ્દન નવા નિશાળિયા એવા નગરસેવકોને ટ્રેનિંગ આપવા છતાં મતદાન કરતાં ના આવડતું હોય એ જનતાને શું સાંભળવાના? સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં શાસકોની નબળી કામગીરી સામે થોડે-થોડે દિવસે પોસ્ટરો લાગી રહ્યાં છે. નવા મેયર તેમની વિવાદિત કામગીરીને લઇ સતત ચર્ચામાં રહે છે ત્યારે સુરત મનપાના આ શાસકો તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ કેવી રીતે પૂરો કરે છે તે જોવું રસપ્રદ હશે!
સુરત – ભાર્ગવ પંડયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.