Columns

કર્ણાટકની સરકાર નાણાં મંત્રી નિર્મલા સીતારામનને જેલમાં મોકલી શકશે ખરી?

ભાજપે વિપક્ષના ઘણા નેતાઓ સામે ઇડી, સી.બી.આઈ., આઈ.ટી. વગેરે એજન્સીઓનો દુરુપયોગ કર્યો તેનું વેર વાળવા વિપક્ષો હવે ભાજપને તેમની જ દવાનો કડવો ઘૂંટડો પીવડાવી રહ્યા છે. ભ્રષ્ટાચારની બાબતમાં ભારતના તમામ રાજકારણીઓ એકબીજા સામે હરીફાઈ કરી શકે તેટલી હદે ખરડાયેલા છે, પણ હજુ સુધી જેલમાં જવાનો વારો માત્ર વિપક્ષોના નેતાઓનો જ આવ્યો છે. હવે કદાચ શાસક પક્ષના નેતાઓ પણ જેલમાં જઈ શકે છે. કેન્દ્ર સરકાર પાસે જેમ ઇડી અને સી.બી.આઈ. જેવી એજન્સીઓ છે તેમ રાજ્ય સરકારો પાસે પોલીસ, સી.આઈ.ડી. અને એ.સી.બી. ઉપરાંત લોકપાલ જેવી સંસ્થાઓ છે, જેનો ઉપયોગ તે ભ્રષ્ટાચારીઓ સામે કરી શકે છે.

કર્ણાટક સરકારે લોકપાલ નામની સંસ્થાનો ઉપયોગ કરીને કેન્દ્રનાં નાણાં મંત્રી નિર્મલા સીતારામનને સાણસામાં લીધાં છે. મામલો ચૂંટણી બોન્ડનો છે, જે બાબતમાં સુપ્રીમ કોર્ટે ગયા વર્ષના નવેમ્બર મહિનામાં ચુકાદો સંભળાવ્યો હતો. આ મામલામાં નિર્મલા સીતારામન ભ્રષ્ટાચાર આચરતાં રંગે હાથે પકડાઈ ગયાં છે. તેમની સામે ફરિયાદ પણ રજિસ્ટર કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે કર્ણાટક સરકાર નિર્મલા સીતારામનને ખરેખર જેલમાં મોકલી શકે છે કે નહીં?

કર્ણાટકની જનઅધિકાર સંઘર્ષ પરિષદ નામની સંસ્થા દ્વારા નાણાં મંત્રી નિર્મલા સીતારામન સામે કોર્ટમાં લગાવવામાં આવેલા આરોપોમાં કહેવામાં આવ્યું છે કે દેશનાં નાણાં મંત્રીએ ચૂંટણી બોન્ડ દ્વારા નાણાંની ઉચાપત કરી છે. અરજદારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, કર્ણાટકના તત્કાલીન ભાજપ અધ્યક્ષ નલિન કુમાર કાતિલ અને બી.વાય. વિજયેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ સાથે તેણે ઇડી અધિકારીઓ પર પણ આરોપો લગાવ્યા હતા. આદર્શ અય્યરની અરજી પર સુનાવણી કરીને બેંગલુરુની જનપ્રતિનિધિ અદાલતે બેંગલુરુના તિલક નગર પોલીસ સ્ટેશનને નાણાં મંત્રી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. જેએસપીના સહપ્રમુખ આદર્શ અય્યરે ગયા વર્ષે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ખંડણીના મામલે ૪૨મી એસીએમએમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જો કે આ કેસની સુનાવણી ૧૦ ઓક્ટોબર સુધી ટાળી દેવામાં આવી છે.

ચૂંટણી બોન્ડ દ્વારા કથિત ભંડોળ એકત્ર કરવાના સંબંધમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન સામે નોંધાયેલી FIR પર કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના સાંસદ અને એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું છે કે આનાથી પાર્ટીનું સાચું ચરિત્ર ખુલ્લું પડી ગયું છે. રવિવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં સિંઘવીએ કહ્યું કે ભાજપની યોજના ભયંકર હતી અને ચૂંટણી બોન્ડ્સે કેટલીક કંપનીઓને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સાથેના તેમના કેસને સરળ બનાવવામાં અથવા કસ્ટડીમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી.

તેમણે નિર્મલા સીતારામનના રાજીનામાંની પણ માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે નાણાં મંત્રી સહિત ભાજપની યોજના ડરાવનારી હતી. આ એફઆઈઆરએ ભાજપની અસલી ઓળખ છતી કરી છે. પેટર્ન એવી હતી કે ઈલેક્ટોરલ બોન્ડ ક્યારે લેવામાં આવ્યા અને કેટલી રકમ લેવામાં આવી અને પછી બોન્ડ ખરીદતા પહેલાં અને ઈલેક્ટોરલ બોન્ડ લાવ્યા પછી EDએ કેટલી વાર તેમના દરવાજા ખટખટાવ્યા હતા. પછી કાં તો તેમની સામેના કેસ ધીમા પડી ગયા અથવા તેઓને કસ્ટડીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.    

એક પેઢીએ રૂ. ૫૦૦ કરોડના બોન્ડ ખરીદ્યા હતા. આ કેસ સંબંધિત કુલ આંકડો ૮,૦૦૦ કરોડ રૂપિયા છે. આમાં ભાજપના અન્ય ટોચના નેતાઓને પણ સામેલ કરવા જોઈએ. કોર્ટમાં દાખલ કરાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આરોપી નંબર એક નિર્મલા સીતારામને આરોપી નંબર બે (ED) ની છૂપી મદદ અને સમર્થન સાથે રાષ્ટ્રીય સ્તરે આરોપી નંબર ત્રણ (જે. પી. નડ્ડા) ના સહકારમાં ગુનાનું આયોજન કર્યું છે અને આરોપી નંબર ચારે તેમાં મદદ કરી છે.

આરોપી નંબર એકે વિવિધ કોર્પોરેટ, તેમના સીઈઓ, એમડી વગેરે પર દરોડા, જપ્તી અને ધરપકડ કરવા માટે આરોપી નંબર બે(ED) ની સેવાઓ લીધી હતી. આરોપી નંબર એક દ્વારા શરૂ કરાયેલા આરોપી નંબર બે દ્વારા દરોડાના ડરને કારણે, ઘણા કોર્પોરેટ અને શ્રીમંત લોકોને કરોડો રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદવાની ફરજ પડી હતી, જે આરોપી નંબર ત્રણ અને ચાર દ્વારા રોકડા કરવામાં આવ્યા હતા.

ફરિયાદમાં એલ્યુમિનિયમ અને કોપર જાયન્ટ મેસર્સ સ્ટરલાઇટ અને મેસર્સ વેદાંત કંપનીનું ઉદાહરણ ટાંકવામાં આવ્યું છે, જેમણે એપ્રિલ ૨૦૧૯, ઓગસ્ટ ૨૦૨૨ અને નવેમ્બર ૨૦૨૩ વચ્ચે ચૂંટણી બોન્ડ દ્વારા રૂ. ૨૩૦.૧૫ કરોડ આપ્યા હતા, જ્યારે મેસર્સ ઓરોબિંદો ફાર્મા ગ્રૂપ ઓફ કંપનીઝે ૫ જાન્યુઆરી ૨૦૨૩, ૨ જુલાઈ ૨૦૨૨, ૧૫ નવેમ્બર ૨૦૨૨ અને ૮ નવેમ્બર ૨૦૨૩ વચ્ચે રૂ. ૪૯.૫ કરોડ આપ્યા હતા.

આ ગુનાઓ માટે ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૮૪ (ખંડણી), ૧૨૦B (ગુનાહિત ષડયંત્ર) સાથે ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૪ (સામાન્ય હેતુ માટે ઘણાં લોકોની સંયુક્ત કાર્યવાહી) હેઠળ કેસ નોંધવામાં આવશે. ચૂંટણી બોન્ડની યોજના તમામ રાજકીય પક્ષો માટે કાયદેસર ભ્રષ્ટાચાર આચરવાનું સાધન બની ગયું હતું.  ચૂંટણી નિરીક્ષક એસોસીએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના અહેવાલ મુજબ કુલ સાત રાષ્ટ્રીય પક્ષો અને ૨૪ પ્રાદેશિક પક્ષોએ ૨૦૧૬-૧૭ અને ૨૦૨૧-૨૨ વચ્ચેનાં પાંચ વર્ષમાં ચૂંટણી બોન્ડમાંથી કુલ રૂ. ૯,૧૮૮ કરોડ મેળવ્યા હતા. આ રૂ. ૯,૧૮૮ કરોડમાંથી એકલા ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો અંદાજે રૂ. ૫,૨૭૨ કરોડ હતો.

 મતલબ કે ભાજપને ચૂંટણી બોન્ડ દ્વારા આપવામાં આવેલા કુલ દાનમાંથી લગભગ ૫૮ ટકા દાન મળ્યા હતા. આ જ સમયગાળા દરમિયાન કોંગ્રેસને ચૂંટણી બોન્ડ્સમાંથી આશરે રૂ. ૯૫૨ કરોડ મળ્યા હતા, જ્યારે તૃણમૂલ કોંગ્રેસને રૂ. ૭૬૭ કરોડ મળ્યા હતા. ADR રિપોર્ટ અનુસાર નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ અને નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ વચ્ચે ચૂંટણી બોન્ડ દ્વારા રાષ્ટ્રીય પક્ષોને મળેલા દાનમાં ૭૪૩ ટકાનો વધારો થયો હતો. બીજી તરફ, આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય પક્ષોને કોર્પોરેટ દાનમાં માત્ર ૪૮ ટકાનો વધારો થયો હતો. ADR એ તેના વિશ્લેષણમાં શોધી કાઢ્યું છે કે આ પાંચ વર્ષોમાંથી, લોકસભા ચૂંટણી વર્ષ ૨૦૧૯-૨૦ માં સૌથી વધુ ૩,૪૩૯ કરોડ રૂપિયાનું દાન ચૂંટણી બોન્ડ દ્વારા આવ્યું હતું. એ જ રીતે, વર્ષ ૨૦૨૧-૨૨માં (જેમાં ૧૧ વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી) રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા લગભગ રૂ. ૨,૬૬૪ કરોડનું દાન મળ્યું હતું.

આ મામલાની માહિતી સામે આવતાં જ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ એકબીજા પર કાદવ ઉછાળવાનું શરૂ કરી દીધું હતું. કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા આર અશોકે મિડિયાને જણાવ્યું હતું કે કોંગ્રેસ પણ ચૂંટણી બોન્ડ યોજનાની લાભાર્થી રહી છે. જ્યારથી રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મૂડા સંબંધિત મામલામાં મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા સામે કેસ શરૂ કરવાની મંજૂરી આપી છે, ત્યારથી ભાજપ તેમના રાજીનામાંની માંગણી કરી રહ્યું છે. રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલી મંજૂરીને રદ કરવાની સિદ્ધારમૈયાની અરજી કર્ણાટક હાઈકોર્ટે ફગાવી દીધી હતી.

આ પછી ભાજપની માંગણી ટૂંક સમયમાં વિરોધમાં ફેરવાઈ ગઈ હતી. શુક્રવારે જ્યારે સિદ્ધારમૈયા મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તાઓને મળી રહ્યા હતા ત્યારે ભાજપે મૈસુરમાં પ્રદર્શન કર્યું હતું. મોડી સાંજે મૈસુરની લોકાયુક્ત પોલીસે વિશેષ અદાલતના નિર્દેશો પર એફઆઈઆર નોંધી. ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે અમે એફઆઈઆરને રદ કરવાની માંગ સાથે હાઈકોર્ટમાં અપીલ કરીશું. રસપ્રદ વાત એ છે કે સિદ્ધારમૈયાની કાનૂની ટીમ તેમની સામેની એફઆઈઆર રદ કરવા માટે હાઈકોર્ટના દરવાજા ખટખટાવવાની તૈયારી કરી રહી છે. હાઇ કોર્ટમાં અપીલ દાખલ કરવાની છેલ્લી તારીખ સોમવાર છે, કારણ કે તે પછી હાઇ કોર્ટની રજાઓ શરૂ થશે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top