લોકસભા ચૂંટણીને હવે એક વર્ષ કરતા પણ ઓછો સમય બાકી છે ત્યારે સામ સામા હાકોટા પડકારા શરૂ થઇ ગયા છે. આ વખતે ભાજપને હરાવવા વિપક્ષો વધુ જોર બતાવી રહ્યા હોવાનું જણાય છે. ગઇ લોકસભા ચૂંટણી વખતે વિરોધ પક્ષોની અને રાજકીય વિશ્લેષકોની અટકળો એવી હતી કે મોદી સરકારના એક ટર્મના શાસનથી લોકો કંટાળી ગયા છે. નોટબંધી જેવા પગલાએ લોકોને સખત નારાજ કર્યા છે અને થોડું જોર બતાવવાથી જ મોદી સરકારને ઘરભેગી કરી દેવાશે. એવો અંદાજ હતો કે ભાજપને અને તેના એનડીએના સહયોગી પક્ષોને પૂરતી બહુમતિ મળશે નહીં અને ચૂંટણી પરિણામ આવે તે પહેલા વિવિધ વિપક્ષોને ભેગા કરીને કઇ રીતે સરકાર બનાવી શકાય તે માટેની દોડા દોડી પણ કેટલાક નેતાઓ કરવા માંડ્યા હતા! પણ પરિણામ તો તેમના માટે એકદમ આઘાતજનક આવ્યું.
ભાજપને અને એનડીએને ૨૦૧૪ કરતા પણ વધુ બેઠકો મળી. આના પછી વિશ્લેષણ શરૂ થયું. પુલવામા હુમલો અને તેના પછી ભારતે કરેલી સર્જીકલ સ્ટ્રાઇક કામ કરી ગયા એમ કહેવાતું થયું. હવે આ વખતે વિપક્ષો કદાચ આવી ગફલતમાં નથી. તેઓ વધુ એકતા સાધીને અને વધુ ગણતરીપૂર્વક ભાજપ સામે લડવા માટે પ્રયાસો કરી રહ્યા છે. અને આ માટે તેમણે બિહાર અને તેના પછી હવે કર્ણાટકમાં વિપક્ષી એકતા માટેની બેઠકો યોજી છે. જો કે તેમની એકતા ચૂંટણી સુધી કેવીક ટકી રહે છે અને ભાજપને કેવી ટક્કર આપી શકે છે તે જોવાનું રહે છે.
એકતા માટેની હાકલ સાથે ૨૬ વિરોધ પક્ષોએ લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપને હરાવવાના હેતુ માટેનો તેમનો સંયુક્ત કાર્યક્રમ ઘડી કાઢવા માટે સોમવારે તેમની મહત્વની ચર્ચા વિચારણાઓનો આરંભ બેંગલોરમાં કર્યો હતો. આ પહેલા પટનામાં તો એક બેઠક યોજાઇ ચુકી છે. બેંગલોર અથવા બેંગલુરુમાં આ બીજી અને વધુ મોટી બેઠક યોજાઇ છે. બેઠકના પ્રારંભે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી)ના વડા મમતા બેનરજી એકબીજાની બાજુ બાજુમાં બેઠા હતા, આ ઉપરાંત કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, બિન ભાજપ શાસિત રાજ્યોના કેટલાક મુખ્યમંત્રીઓ તથા રાજદના વડા લાલુ પ્રસાદ પણ હાજર હતા.
નેતાઓ યુનાઇટેડ વી સ્ટેન્ડ સૂત્ર લખેલા એક મોટા બેનરની સામે બેઠા હતા, જે બેંગલુરુની શેરીઓમાં વિપક્ષી નેતાઓના ફોટાઓ વાળા મૂકાયેલા પોસ્ટરોમાં પણ લખવામાં આવ્યું હતું. તે એક સારી બેઠક હતી એમ મમતા બેનરજીએ બાદમાં કહ્યું હતું. આ બેઠક બેંગલુરુમાં હોટલ તાજ વેસ્ટ એન્ડમાં યોજાઇ હતી. આ બેઠકના યજમાન કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયા હતા. બે દિવસની બેઠકમાં વિપક્ષી એકતાની ઘણી વાતો થઇ, પરંતુ કેટલાકના હાવભાવ પરથી કંઇક જુદી જ અટકળ કરવાનું મન થાય તેવું હતુ. કોંગ્રેસ તથા અન્ય પક્ષોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ બેઠક એક ખયાલ પ્રસ્થાપિત કરશે અને ભારતીય રાજકારણના પરિદ્રશ્યમાં એક ગેમ ચેન્જર પુરવાર થશે. ભાજપ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું હતું કે જેઓ વિપક્ષને એકલા હાથે હરાવવાની વાત કરતા હતા તેઓ હવે એનડીએમાં નવા પ્રાણ પૂરવાના પ્રયાસ કરી રહ્યા છે.
ભાજપ હચમચી ગયો છે તેવો દાવો કરતા કોંગ્રેસ પ્રમુખ ખડગેએ કહ્યું હતું કે વિપક્ષી ગઠબંધનના તમામ ભાગીદારો ભાજપ સામે ભેગા મળીને લડશે અને તેમના વચ્ચે ફૂટ પડાવવાના પ્રયાસોને ખાળશે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા અને રાહુલ ગાંધી, ટીએમસીના વડા મમતા બેનરજી, વિપક્ષ શાસિત રાજ્યોના અન્ય મુખ્યમંત્રીઓ એમ.કે. સ્ટાલિન, રાહુલ ગાંધી, મુખ્યમંત્રીઓ એમ.કે. સ્ટાલિન, નીતિશ કુમાર, અરવિંદ કેજરીવાલ, હેમંત સોરેન હાજર હતા. ઉપરાંત રાજદના વડા લાલુ પ્રસાદ પણ હતા. ઉપરાંત તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે, ડો. ફારૂક, મેહબૂબા મુફતી, સીતારામ યેચુરી વગેરે હાજર હતા. શરદ પવાર પ્રથમ દિવસે હાજર નહી હતા. જો કે બીજા દિવસે તેઓ હાજર હતા.
વિપક્ષી એકતાના પ્રયાસોની ભાજપ ક્યારનો ઠેકડી ઉડાવી રહ્યો હતો. તેના નેતાઓ કહેતા હતા કે અમે એકલે હાથે આ લોકોને પહોંચી વળીશું. પરંતુ હવે ભાજપ તેના એનડીએ ગઠબંધનને મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યો છે. બેંગલુરુમાં વિપક્ષોની બેઠક ચાલી રહી હતી તે જ દિવસે મંગળવારે દિલ્હીમાં એનડીએની બેઠક યોજાઇ હતી અને નવા પક્ષોના સમાવેશ સાથે ૩૮ પક્ષો આ ગઠબંધનમાં હોવાનું જાહેર થયું હતું.
જો કે મુખ્ય પક્ષ ભાજપ અને બીજા કેટલાક મોટા પક્ષો જેવા કે શિરોમણી અકાલી દળ અને શિવસેના(શિંદે જૂથ)ને બાદ કરતા આમાં ઘણા બધા પક્ષો એવા છે કે જે બહુ જાણીતા નથી. બીજી બાજુ વિરોધપક્ષોએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં એનડીએ સામે ભેગા થઇને લડવા માટે એક ગઠબંધન – ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ(ઇન્ડિયા)ની રચના મંગળવારે કરી હતી જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તે ઇન્ડિયા અને મોદી વચ્ચેની લડાઇ હશે. જો કે આમાં અનેક પક્ષો વચ્ચે હિતોની ટક્કર છે જ. હવે આ નવું ઇન્ડિયા ગઠબંધન ભાજપની આગેવાની હેઠળના એનડીએને કેવી ટક્કર આપી શકશે તે જોવાનું રહે છે.