આગામી નાણાંકીય વર્ષમાં બાર લાખ સુધીની આવક પર કોઈ ઇન્કમ ટેક્સ નહિ આપવો પડે. આ ઉપરાંત ટેક્સના સ્લેબ પણ બદલાયા, જેને કારણે ૨૪ લાખ સુધીની આવક ઉપર ટેક્સના દર ઘટ્યા. આ ઘોષણાએ મધ્યમ વર્ગને ખુશ કરી દીધો. ઘણા લાંબા સમયથી ઇન્કમ ટેક્સના દરમાં ફેરફાર થાય એની રાહ જોવાતી હતી. ઓછી આવક અને બેકાબૂ ફુગાવાના બેવડા ભારણને સહન કરતાં નાગરિકોને આવક વેરામાં થોડી હળવાશની અપેક્ષા હતી. પણ, નાણાં મંત્રીએ તો બગાસું ખાતાં પતાસું આપી દીધું! એટલે ચારે બાજુ આની જ ચર્ચા ચાલી રહી છે. સરકારની અપેક્ષા એવી રહેશે કે લોકોની ખરીદશક્તિ વધવાને કારણે આ પૈસા બજારમાં આવશે જેનાથી ઉત્પાદનને પણ વેગ મળશે અને મંદ પડેલી આર્થિક પ્રવૃત્તિઓને ગતિ મળશે. સ્વાભાવિક રીતે વડા પ્રધાને આ બજેટને વિકાસના ગુણોત્તરને વધારનારું ‘લોકો’નું બજેટ ગણાવ્યું.
શું ખરેખર આ બજેટમાં આર્થિક વિકાસને ગતિ આપવાની શક્યતા રહેલી છે? એ હકીકતથી તો સૌ વાકેફ જ છે કે દેશમાં આશરે ૩.૨ કરોડ લોકો એટલે કે માત્ર ૨.૬ ટકા નાગરિક જ આવકવેરો ભરે છે. એમાંથી પણ આ બજેટની જોગવાઈના કારણે ૧ કરોડ લોકો આવકવેરો ભરવાની જવાબદારીમાંથી મુક્ત થઇ જશે એવું નાણાં મંત્રીએ જણાવ્યું. એટલે માત્ર ૧.૮ ટકા લોકોના ભાગે જ આવકવેરાની જવાબદારી રહેશે. સરકારનો દાવો છે કે ટેક્સમાં અપાયેલી આ છૂટને કારણે સરકારની તિજોરીમાં અંદાજે ૧ લાખ કરોડ રૂપિયા ઓછા આવશે.
આની સામે બજેટ ખાધ પણ નીચી આંકવામાં આવી છે. જો આવક ઘટવાની હોય તો ખાધ ઘટાડવા માટે ખર્ચ પણ ઘટાડવો પડે અથવા જી.એસ.ટી. ની આવક વધારવી પડે. બજેટના આંકડા થોડા ધ્યાનથી જોઈએ તો દેખાય કે કેપિટલ ખર્ચ કે ગ્રામીણ વિકાસ પાછળના ખર્ચની કરોડોમાં દર્શાવવામાં આવેલી રકમનું નાણાંકીય મૂલ્ય વધારે છે પણ ફુગાવાના દર ગણતરીમાં લઈએ તો વાસ્તવિક મૂલ્ય ક્યાં તો વધ્યું જ નથી અથવા તો ઘટ્યું છે! મનરેગા યોજના માટે એટલી જ રકમની ફાળવણી થઇ છે જે ગયા વર્ષે કરવામાં આવી હતી, એટલે કે એનું વાસ્તવિક મૂલ્ય તો ઓછું થયું! સરકારી આંકડા બતાવે છે કે ડિસેમ્બર’૨૪ માં મનરેગા થકી રોજગારની માંગમાં વધારો થયો હતો! જ્યાં સુધી બિનકૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન ગતિ નહીં પકડે ત્યાં સુધી સરકારી રોજગારનો આધાર જરૂરી છે.
જી.એસ.ટી. ના દરની ચર્ચા બજેટમાં થતી નથી. એના નિર્ણય જી.એસ.ટી કાઉન્સિલ કરે છે. એમના સૂચનના અમલ માટે કોઈ ચોક્કસ તારીખ નથી હોતી, એટલે એ નિર્ણય ગમે ત્યારે અમલમાં આવી શકે. કોઈ પણ પરોક્ષ કરની માફક જી.એસ.ટી. પણ પ્રતિગામી છે, એટલે કે ઓછી આવકવાળો વર્ગ એમની આવકના પ્રમાણમાં એનું વધુ ભારણ લે છે.એ સમજવું જરૂરી છે કે મધ્યમ વર્ગની ઘટેલી ખરીદશક્તિનો પ્રશ્ન માળખાકીય છે. અર્થતંત્ર એક એવા તબક્કાએ ઊભું છે જ્યાં જરૂર પ્રમાણે રોજગાર ઊભો થઇ શકતો નથી.
ફુગાવો એટલો ઊંચો છે કે વાસ્તવિક વેતન દર નીચો ગયો છે. સરકાર દ્વારા જ જાહેર થયેલા આર્થિક સર્વેક્ષણના આંકડા અનુસાર ૨૦૧૭-૧૮ની સરખામણીમાં સરેરાશ વાસ્તવિક વેતન દર નીચે ગયો છે. ૨૦૧૭-૧૮માં પુરુષ અને સ્ત્રીના માસિક વેતન દર અનુક્રમે રૂ.૧૨,૬૬૫ અને રૂ.૧૦,૧૧૬ હતા જે ૨૦૨૨-૨૩માં રૂ. ૧૧,૮૫૮ અને રૂ.૮૮૫૫ જેટલા ઘટ્યા છે. આવી જ હાલત સ્વરોજગારમાંથી મળતી આવકની પણ છે.
આ સંજોગોમાં બાર લાખ સુધીની આવક પર કર માફી આપવાની અસર ખૂબ મર્યાદિત હશે. વળી, આ જે પણ ફાયદા મળ્યા એ ત્રણ વર્ષ પહેલાં શરૂ થયેલા નવા રીજીમમાં રીટર્ન ફાઈલ કરનારને મળ્યા. જુના રીજીમમાં કોઈ ફેરફાર નથી. એટલે કે નાની બચત યોજના, વીમાનું કે મેડીક્લેમનું પ્રીમીયમ, ઘરની લોનના હપ્તા જેવા બચતલક્ષી વિકલ્પોમાં રોકાણ કરી ટેક્સ બચાવવાની જોગવાઈ કરનારને કોઈ ફાયદો મળનાર નથી. સરકારી નીતિનો ઝોક બચતને પ્રોત્સાહિત કરવાને બદલે લોકો ગ્રાહક બની ખર્ચ કરે અથવા તો પોતાની બચતને મૂડી બજારમાં નાખે એ દિશામાં વાળવાનો છે.
વર્તમાન મંદીનો પ્રશ્ન પેચીદો છે. આવકવેરામાં રાહત જેનો એક માત્ર ઉપાય ના હોઈ શકે. ઇન્કમ ટેક્સના દર બદલવાની બેશક જરૂરિયાત હતી. પણ ૧૨ લાખ સુધી કર મુક્તિથી ફાયદો ૨.૬ ટકા વેરો ભરનાર નાગરિકો પૂરતો મર્યાદિત રહેશે. જો સરકારે પેટ્રોલ પરના વેરા ઓછા કરવા જેવાં પગલાં લીધાં હોત તો બજારમાં ઘણી વસ્તુઓના ભાવ ઘટાડી શકાયા હોત, જેનો ફાયદો સમાજના બહોળા વર્ગને મળ્યો હોત, જેણે ખરીદશક્તિ વધારવામાં વધુ ટેકો કર્યો હોત.
નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.