Charchapatra

સુધરાઈ ક્યારેય નહીં સુધરે?

વર્ષોવર્ષથી આપણે સાંભળીએ છીએ કે, ન-ગ-ર પાલિકા એટલે જ..નળ , ગટર  અને રસ્તાનું પાલન પોષણ સતત શહેરી નાગરિકો માટે હંમેશા યાને,  ચોવીસે કલાક દરમિયાન આ અતિ સંવેદનશીલ બાબતે મનપાના ( લોકલ ગવર્નમેન્ટ વિભાગના ) સૂત્રધારોએ-વહીવટી સત્તાવાળાઓએ, સજાગ રહેવાની જરૂર હોય છે. નાગરિકોને પડતી હાલાકી તકલીફ વખતે સ્થાનિક સ્વરાજ્યના વહીવટી તંત્રે જે તે વખતે , સત્તાવાર પક્ષોના મોટા ભાઈ કે મોટા માથાના જોહુકમી વલણને નિષ્પક્ષ બનાવી દેવો જરૂરી હોય, લોકોની પ્રથમ જરૂરિયાત જાણી સમજી લોકહિતને હૈયે ધરી પડતી તકલીફોનું નિવારણ બને એટલી ઝડપે મતલબ દિવસ કે રાત્રી દરમિયાન પણ યુધ્ધના ધોરણે જ કરવાનું હોય. સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પીવાના શુદ્ધ પાણીની સમસ્યાઓ હોય કે, ગટરનાં તૂટેલાં ઢાંકણો કે,ઉભરાતી ગટરની લાઈન પર લીકેજનો પ્રશ્ન , દર વર્ષ ચોમાસા પહેલાંની અને પછીની અગણિત કામગીરી સમયસર હાથ ધરાવી જોઈએ.

દરેક સમસ્યાઓ ઉદ્ભવે ત્યારે મનપાના ઉદાસીન વલણ એવા રહે છે કે, પડશે એવું દેવાશે. આવા પ્રકારની માનસિકતા હવેના સતત પરિવર્તનશીલ અને નગરપાલિકાથી મહાનગરપાલિકા , બાદ મેટ્રો સિટીની તૈયારીઓ થઈ ચૂકેલ છે,ત્યારે છાસવારે એવોર્ડ લેવા દોડાદોડ કરતી સુરત મનપાના તમામ સૂત્રધારો ( નગર સેવકો સમેત ) જેઓને માથે આવશ્યક સેવાઓની જવાબદારી છે ,એ પ્રત્યેકે હંમેશ માટે એમની આંખ અને કાન ખુલ્લાં જ રાખવાનાં રહેતા હોય છે. હાલ તુરંત શહેરભરના રસ્તાઓ ઉપર મેટ્રોની મગજમારી ,વાહનોની અવરજવર ઉપર વરસાદી માહોલમાં જાહેર માર્ગ ઉપર ટ્રાફિક સિગ્નલ પર દરરોજ ધ્યાનપૂર્વક ચિંતન ખૂબ આવશ્યક ગણાતું જાય છે, ઠેરઠેર મંગળની ધરતી, ખાડા – ખાબોચિયાં સંભાળી વાહન હંકારવા સાથે, નિયમોના પાલન- ઉલ્લંઘન વચ્ચે પગપાળા પસાર થઇ રહેલ રાહદારીઓની પણ જવાબદારી બને છે કે,હંમેશા ઝીબ્રા ક્રોસિંગ પર થઈ સામેપાર જવું સલામત છે.

નળ , ગટર  કે રસ્તાઓ ઉપરની સમસ્યાઓ દૂર કરવા યુધ્ધના ધોરણની અમલવારી જ ફરિયાદ અટકાવે છે,અન્યથા લાખ્ખો રૂપિયાની વેરાની આવક સામે કરોડોના જાહેર ખર્ચાઓ પર દરરોજ જાણે માથાદીઠ દેવું વધતું જ જાય તેમ દર વર્ષ વેરાની વસૂલાતનો આંકડો વધતો જાય.સામે નાગરિકોને પડતી હાલાકીઓ બેસુમાર રહેતી હોય ત્યારે જ તો છેલ્લે બધી વાતે પરેશાન રહેતો મધ્યમ વર્ગીય મતદાર જાહેરમાં જણાવશે કે સુરત મહાનગરપાલિકા ( સુધરાઈ ) ક્યારેય નહીં સુધરે.
સુરત      – પંકજ શાંતિલાલ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top