Columns

ભારત સરકાર અમેરિકાની ધમકીને વશ થઈને રશિયા સાથેનો વેપાર બંધ કરી દેશે?

ભારત એક સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ છે પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત યુરોપના શ્રીમંત દેશો પણ ભારતને તેનું ગુલામ માની રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવી દેવાનો દાવો ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર કર્યો હતો. હવે તેઓ ભારત પર રશિયાનું ખનિજ તેલ ખરીદવાનું બંધ કરવાનું દબાણ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જો આગામી ૫૦ દિવસમાં રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ નહીં થાય તો અમેરિકા રશિયા પાસેથી ખનિજ તેલ ખરીદનારા ભારત સહિતના દેશો પર ૧૦૦ ટકા જકાત લાદશે. બીજી બાજુ ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) ના મહાસચિવ માર્ક રૂટે ચીન, બ્રાઝિલ અને ભારતને યુક્રેનમાં યુદ્ધ રોકવા માટે રશિયા પર દબાણ લાવવા કહ્યું છે. તેમણે ધમકી આપી છે કે જો ભારત રશિયા પાસેથી ખનિજ તેલ ખરીદવાનું બંધ નહીં કરે તો અમેરિકા તેના પર પ્રતિબંધો લાદશે. માર્ક રૂટની આ ચેતવણી પર ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ‘‘ભારત માટે ઊર્જા સુરક્ષા પ્રાથમિકતા છે. તેલની આયાતના સંદર્ભમાં અમે વૈશ્વિક પરિસ્થિતિઓ દ્વારા માર્ગદર્શન મેળવીએ છીએ. અમે આ બાબતમાં બેવડાં ધોરણો સામે ચેતવણી આપીએ છીએ.’’

ભારત અને ચીન રશિયન ક્રુડ ઓઇલના સૌથી મોટા આયાતકાર છે. ભારત તેની તેલની જરૂરિયાતના લગભગ ૮૮ ટકા આયાત કરે છે. ભારત રશિયાની કુલ નિકાસના ૩૮ ટકા ખનિજ તેલની ખરીદી કરે છે . ફેબ્રુઆરી ૨૦૨૨ માં યુક્રેન પર રશિયાના હુમલા પહેલાં ભારતની રશિયાથી તેલની આયાત બે ટકાથી ઓછી હતી. રશિયાએ તેના તેલની ભારતમાં આયાત પર ડિસ્કાઉન્ટ આપ્યું હતું અને ભારતની ઘણી રિફાઇનરીઓએ તેનો લાભ લીધો હતો. જો બિડેનના શાસનકાળ દરમિયાન પણ ભારત પર રશિયા પાસેથી તેલની આયાત બંધ કરવાનું દબાણ હતું, પરંતુ મોદી સરકાર તે સમયે પશ્ચિમી દેશોને ખૂબ જ આક્રમક રીતે જવાબ આપી રહી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળમાં ભારત પ્રત્યે વધુ આક્રમક હોય તેવું લાગે છે. ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતને માત્ર ધમકી આપી રહ્યા નથી, પરંતુ અમેરિકાના સેનેટરો રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર ૫૦૦ ટકા ટેરિફ લાદવાનાં બિલ પર કામ પણ કરી રહ્યા છે.

ભારત સરકારે રશિયા પાસેથી ખનિજ તેલની આયાત બંધ કરવાની માનસિક તૈયારી કરી લીધી હોય તેમ ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીના વિધાન પરથી સમજાય છે. હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે ‘‘ જો રશિયાથી ખનિજ તેલની આયાત પ્રભાવિત થાય તો ભારતને તેલના પુરવઠા અંગે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં, કારણ કે આપણો તેલનો પુરવઠો કોઈ એક દેશ પર આધારિત નથી.’’ જો ભારતને રશિયાના ખનિજ તેલની ખરીદી બંધ કરવી પડે તો ભારતને બે પડકારોનો સામનો કરવો પડશે. જો રશિયાથી તેલની આયાત બંધ થઈ જશે તો ભારતને સસ્તું તેલ નહીં મળે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ખનિજ તેલના ભાવો વધશે અને ભારતે મોંઘું ખનિજ તેલ ખરીદવું પડશે. આ મામલો ફક્ત ખનિજ તેલનો નથી.

અમેરિકા કહી રહ્યું છે કે ભારતે રશિયા સાથે વેપાર બંધ કરવો જોઈએ. આવી સ્થિતિમાં ભારતના સંરક્ષણ પુરવઠાનું શું થશે? જો ભારત અમેરિકાના દબાણ સામે ઝૂકી જાય તો રશિયા સાથેના તેના સંબંધો પર શું અસર પડશે? જો રશિયા પાસેથી ખનિજ તેલ ખરીદનારા દેશો પર ટેરિફ લાદવાની ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી વાસ્તવિકતામાં ફેરવાઈ જશે તો ભારત માટે મુશ્કેલીઓ વધશે. જ્યાં સુધી રશિયાનો સવાલ છે, ત્યાં સુધી તે ભારતની મજબૂરી સમજે છે, પરંતુ ભારતની સામે ચીન પણ છે અને ચીન અમેરિકન ધમકીઓ સામે ઝૂકશે નહીં. ચીને ટ્રમ્પની દરેક ધમકીનો જવાબ આપ્યો છે અને તેને કારણે ટ્રમ્પ પોતે ચીન સાથે વેપાર સોદો કરવા મજબૂર થયા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ તેમના મિત્રો સાથે ખૂબ જ કડક વર્તન કરી રહ્યા છે પરંતુ તેમની જ ભાષામાં કડકાઈથી જવાબ આપનારાઓ સાથે કરાર કરી રહ્યા છે. ચીને અમેરિકાને દુર્લભ પૃથ્વી ખનિજો અને સેમિકન્ડક્ટરનો પુરવઠો બંધ કરી દીધો હતો. પહેલાથી જ એવો ભય હતો કે રશિયાની ચીન પર નિર્ભરતા વધી રહી છે. જો ભારત અમેરિકાના દબાણ સામે ઝૂકી જાય તો શું તે ચીનના ફાયદામાં રહેશે? તે સ્પષ્ટ છે કે રશિયાની ચીન પર નિર્ભરતા વધશે અને આ ભારત માટે કોઈ પણ રીતે સારું નથી. રશિયા પાસે હવે ચીન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. રશિયાની કુલ તેલ નિકાસના ૪૭ ટકા ચીનમાં થઈ રહી છે. આમ છતાં, ચીન સંપૂર્ણપણે પશ્ચિમવિરોધી ન થઈ શકે, કારણ કે પશ્ચિમના દેશો સાથે ચીનનો વેપાર ખૂબ મોટો છે.

રશિયાએ ગયા વર્ષે ખનિજ તેલની નિકાસમાંથી ૧૯૨ અબજ ડોલરની કમાણી કરી હતી. હકીકતમાં રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં જે ખર્ચાઓ કરી રહ્યું છે તે ખનિજ તેલની નિકાસ દ્વારા સરભર કરી રહ્યું છે. રશિયાના ખનિજ તેલની આવક બંધ થઈ જાય તો તે યુક્રેનનું યુદ્ધ લાંબો સમય સુધી ચાલુ રાખી શકે તેમ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ આ આવકને લક્ષ્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેની અસર ફક્ત રશિયા પૂરતી મર્યાદિત રહેશે નહીં. રશિયા દરરોજ ૭૦ લાખ બેરલથી વધુ તેલની નિકાસ કરી રહ્યું છે અને જો આમાં વિક્ષેપ પડે તો ક્રુડ ઓઇલના ભાવમાં વધારો થશે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ એવા દેશોને નિશાન બનાવી રહ્યા છે જે રશિયા પાસેથી ખનિજ તેલ ખરીદી રહ્યા છે.

રશિયામાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત અને ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે માર્ક રૂટના નિવેદનને ફરીથી પોસ્ટ કરતી વખતે X પર લખ્યું છે કે ‘‘નાટો હવે ભારતને ધમકી આપી રહ્યું છે. ભારત, ચીન અને બ્રાઝિલને ધમકી આપીને નાટોના વડા ફક્ત ભૂ-રાજકીય ઊંડાણ પ્રત્યેની તેમની અજ્ઞાનતા જ પ્રગટ કરી રહ્યા છે. શું નાટો આ ત્રણ દેશોને પણ ધમકીઓ આપશે? નાટોના સેક્રેટરી જનરલને ખ્યાલ નથી કે આવી ચેતવણીઓનો શું પ્રભાવ પડશે. તુર્કી રશિયા પાસેથી મોટી માત્રામાં ખનિજ તેલની આયાત કરે છે. તુર્કી નાટોનું સભ્ય છે. શું નાટોના સેક્રેટરી જનરલ તુર્કી પર પણ પ્રતિબંધો લાદશે? નાટો પોતાની સુવિધા મુજબ તુર્કીના કિસ્સામાં મૌન છે.

EU હજુ પણ તેની ખનિજ તેલની જરૂરિયાતના સાત ટકા રશિયા પાસેથી આયાત કરે છે. શું હંગેરી અને સ્લોવાકિયા પર પણ પ્રતિબંધો લાદવામાં આવશે? આ બંને દેશો પણ નાટોના સભ્યો છે. નાટોએ સત્તાવાર રીતે અમને જવાબ આપવો જોઈએ જેથી ડોનાલ્ડ ટ્રમ્પ સુધી પણ તેમનો સંદેશો પહોંચે.’’ રાજનીતિના જાણકારો કહે છે કે ભારતે આ દબાણ સ્વીકારવું જોઈએ નહીં, કારણ કે આ અમેરિકા તરફથી છેલ્લું દબાણ નહીં હોય. જો તેમની આ માંગણી ભારત સ્વીકારી લેશે તો તેમની માંગણીઓ વધતી જશે. અમેરિકાના કિસ્સામાં તેનો લક્ષ્યાંક નક્કી નથી. રશિયા પાસેથી સસ્તું તેલ ઉપલબ્ધ છે અને ભારતે તે ખરીદવું જોઈએ.

જો આપણે રશિયા પાસેથી તેલ નહીં ખરીદીએ તો તેલ મોંઘું થશે અને તેની સીધી અસર ભારતના અર્થતંત્ર પર પડશે. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ભારતની રણનીતિ થોડી બદલાઈ ગઈ હોય તેવું લાગે છે. જો બિડેનના શાસનમાં ભારત અમેરિકાને સચોટ જવાબ આપતું હતું પરંતુ હવે તે ચૂપ છે. ચીન સિવાય કોઈ દેશ બોલી રહ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પની માંગણીઓનો કોઈ અંત નથી. અમેરિકા ટોલ ટેક્સ જેવા ટેરિફની માંગ કરી રહ્યું છે, પરંતુ લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે હજુ સુધી આમાંથી કંઈ હાંસલ કર્યું નથી. જે દેશો સાથે વેપાર સોદો થયો છે તેઓ પણ બહુ સહમત નથી.

અમેરિકાનાં લોકોને આનો ભોગ બનવું પડશે. જો ભારત રશિયા સાથેના વેપાર બાબતમાં અમેરિકાની ધમકીને વશ થશે તો તેની અસર રશિયા અને ભારત વચ્ચેના સંરક્ષણ કરાર ઉપર પણ પડશે. ભારત અને રશિયા સંયુક્ત રીતે સંરક્ષણ સાધનોનું ઉત્પાદન કરી રહ્યાં છે. ઉદાહરણ તરીકે બ્રહ્મોસ મિસાઇલ છે. આપણે અમેરિકા સાથે આ પ્રકારનો સંરક્ષણ સહયોગ કરી શકતા નથી કારણ કે તે ખૂબ ખર્ચાળ હશે અને આ ઉપરાંત તે ભારત સાથે ટેકનોલોજી શેર કરવા પણ તૈયાર નથી. રશિયા પાસે ભારતમાં એક પરમાણુ ઊર્જા પ્લાન્ટ છે જ્યારે અમેરિકા સાથે નાગરિક પરમાણુ કરાર હોવા છતાં, ભારતમાં કોઈ પરમાણુ ઊર્જા પ્લાન્ટ નથી. જો આપણે રશિયાથી દૂર જઈશું તો ઈરાનમાં ભારતનો ચાબહાર પ્રોજેક્ટ આગળ વધી શકશે નહીં. ભારતે જો પોતાનું સાર્વભૌમ ગિરવે મૂકી દીધું હોય તો જ તેણે અમેરિકાની ધમકીને વશ થવું જોઈએ. વડા પ્રધાન મોદી ટ્રમ્પને તેમની ૫૬ ઇંચની છાતી બતાવી શકશે ખરા?

Most Popular

To Top