બીજાં વિશ્વયુદ્ધ પહેલાં દુનિયામાં બ્રિટનનું એકચક્રી રાજ ચાલતું હતું. કહેવાય છે કે બ્રિટીશ રાજમાં ક્યારેય સૂર્ય આથમતો નહોતો. બીજાં વિશ્વયુદ્ધને કારણે બ્રિટન ખખડી ગયું અને અમેરિકાનો નવા વિશ્વસમ્રાટ તરીકે ઉદય થયો. બીજાં વિશ્વયુદ્ધને અંતે બ્રિટનની એક પછી એક કોલોનીઓ સ્વતંત્ર થઈ ગઈ, જેમાં ભારતનો પણ સમાવેશ થતો હતો. બીજાં વિશ્વયુદ્ધ પહેલાં જગતભરમાં બ્રિટનનું રાજકીય વર્ચસ્ હતું, જેનો ઉપયોગ આર્થિક શોષણ માટે કરવામાં આવતો હતો. બીજાં વિશ્વયુદ્ધ પછી અમેરિકાની મલ્ટિનેશનલ કંપનીઓ વિશ્વમાં પોતાનું આર્થિક સામ્રાજ્ય ઊભું કરતી ગઈ, જેનો ઉપયોગ પણ દુનિયાના દેશોના આર્થિક શોષણ માટે જ કરવામાં આવતો હતો.
બીજાં વિશ્વયુદ્ધ પછી વર્લ્ડ બેન્ક, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન વગેરે સંસ્થાઓનો ઉપયોગ જગતમાં અમેરિકાના આર્થિક સંસ્થાનવાદના ફેલાવા માટે થયો, જેનો ચિક્કાર લાભ અમેરિકાને થયો હતો. જે દેશો અમેરિકાના આર્થિક સંસ્થાનવાદનો પ્રતિકાર કરતા હતા તેમની સામે અમેરિકા યુદ્ધ કરતું હતું અને તેમને નમાવી દેતું હતું. વિયેટનામ, કોરિયા, ઇરાક, સીરિયા, અફઘાનિસ્તાન, ક્યુબા વગેરે તેનાં ઉદાહરણો છે. જે દેશોમાં અમેરિકા પોતાનું લશ્કર નહોતું મોકલી શકતું ત્યાં આતંકવાદ પેદા કરીને અમેરિકા તેને પાઠ ભણાવતું હતું. વિશ્વના રાજકારણ અને અર્થકારણ પર લગભગ આઠ દાયકા સુધી એકચક્રી રાજ કર્યા પછી હવે અમેરિકાનો સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં છે.
આ પ્રક્રિયાનો પ્રારંભ પહેલાં કોવિડ-૧૯ અને પછી રશિયા-યુક્રેન યુદ્ધના માધ્યમથી કરવામાં આવ્યો હતો. કોવિડ-૧૯ પછી વિશ્વમાં અમેરિકાના એકચક્રી સામ્રાજ્યના પતનનો પ્રારંભ થઈ ગયો હતો. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે યુરોપના દેશો પરનો અમેરિકાનો પ્રભાવ લગભગ ખતમ થઈ ગયો છે. ડોલરનું રિઝર્વ કરન્સી તરીકેનું સ્થાન જોખમમાં આવી ગયું છે. હવે રશિયા-ચીનની દોસ્તીને કારણે અમેરિકાનું જગત પરનું નિયંત્રણ ખતમ થવાની તૈયારીમાં છે.
ચીનના પ્રમુખ શી જિનપિંગ હમણા મોસ્કોની ત્રણ દિવસની મુલાકાતે જઈ આવ્યા અને રશિયાના પ્રમુખ વ્લાદામિર પુતિન સાથે દોસ્તી કરી આવ્યા. તેમની બીજા દિવસની બેઠકના અંતે જે સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું તેમાં ‘શાંતિ યોજના’ના માધ્યમથી જગત ઉપર પોતાનું નિયંત્રણ જમાવવાની યોજના દૃષ્ટિગોચર થઈ રહી છે. હમણા હમણા ચીન મલ્ટિલેટરીઝમ (બહુધ્રુવીયતા) ની વાતો કરી રહ્યું છે, જેનો ઇરાદો અમેરિકાના નેતૃત્વવાળા યુનિપોલાર (એકચક્રી) વર્લ્ડ ઓર્ડર સામે પડકાર ઊભો કરવાનો છે.
શી જિનપિંગ તેમની ‘શાંતિ યોજના’નો પ્રારંભ યુક્રેનની રાજધાની કીવની મુલાકાત સાથે કરશે. રશિયા અને યુક્રેન વચ્ચેનાં યુદ્ધનો અંત આણવા માટે શી જિનપિંગે ૧૨ મુદ્દાની એક યોજના તૈયાર કરી છે, જેમાં રશિયાના પ્રમુખ પુતિનની મંજૂરી તેમણે લઈ લીધી છે. હવે તેઓ કીવ જઈને યુક્રેનના પ્રમુખ વ્લાદોમોર ઝેલેન્સ્કીને તેમની યોજના ગળે ઊતારશે. જો ઝેલેન્સ્કી તેમાં સંમત થઈ જશે તો રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત આવશે અને શી જિનપિંગ નોબેલ શાંતિ પુરસ્કારના પ્રબળ દાવેદાર બની જશે. શી જિનપિંગે થોડા સમય પહેલાં સાઉદી અરેબિયાની મુલાકાત લઈને તેને ઇરાન સાથેની દુશ્મની છોડી દેવા સમજાવ્યું હતું. સાઉદી અરેબિયા અને ઇરાન વચ્ચેના મૈત્રીકરાર પરના સહીસિક્કા બીજિંગમાં જ કરવામાં આવ્યા હતા.
રશિયા અને ચીન વચ્ચેની દોસ્તીને કારણે ભારતનું ટેન્શન વધી ગયું છે. ચીન ભારતનું પરંપરાગત દુશ્મન છે, કારણ કે ચીન-ભારત વચ્ચેના સરહદી ઝઘડાનો નિવેડો આવતો નથી. ચીન જ્યારે જ્યારે ભારતને દબાવવાની કોશિષ કરે છે ત્યારે ભારત રશિયાની અને અમેરિકાની સહાય લઈને પોતાની સ્થિતિ મજબૂત બનાવતું હોય છે. ૧૯૬૨માં ચીને ભારત પર હુમલો કર્યો ત્યારે અમેરિકા ભારતની વહારે આવ્યું હતું. ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું ત્યારે અમેરિકાની દાદાગીરીનો મુકાબલો કરવા માટે ભારતે રશિયા સાથેના લશ્કરી મૈત્રીકરારનો ઉપયોગ કર્યો હતો.
ભારત હંમેશા રશિયા અને અમેરિકા વચ્ચે સમતુલા રાખતું આવ્યું છે અને પોતાનાં હિતોની રક્ષા કરતું આવ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ભારત રશિયા તરફ ઢળ્યું તેને કારણે અમેરિકા નારાજ થઈ ગયું હતું. ભારતે અમેરિકાના આર્થિક પ્રતિબંધોની પરવા કર્યા વિના રશિયાનું ખનિજ તેલ મોટા પ્રમાણમાં ખરીદીને યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને આડકતરો ટેકો આપ્યો હતો. હવે રશિયા-ચીન વચ્ચે મૈત્રીકરાર થયા છે ત્યારે ભારતને ચીન તરફનું જોખમ વધી ગયું છે. જો ચીન ભારત ઉપર હુમલો કરે તો હવે અમેરિકા ભારતની મદદ નહીં કરે અને રશિયા મદદ કરે તેવી સંભાવના નથી.
રશિયા અને ચીન વચ્ચેનાં સંયુક્ત નિવેદનમાં લેટિન અમેરિકા અને આફ્રિકા સાથેના સંબંધો મજબૂત બનાવવા બાબતનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજાં વિશ્વયુદ્ધ પછી અમેરિકા દ્વારા જે નવા વર્લ્ડ ઓર્ડરની રચના કરવામાં આવી તેમાં લેટિન અમેરિકા તેમ જ આફ્રિકાની ઉપેક્ષા જ કરવામાં આવી હતી. અમેરિકા તેમ જ યુરોપ આ બે ખંડોની કુદરતી સંપત્તિઓ લૂંટીને સમૃદ્ધ બન્યા હતા, પણ તેના દેશોને ગરીબીમાં સબડતા જ રાખવામાં આવ્યા હતા.
ચીને છેલ્લા કેટલાક સમયથી લેટિન અમેરિકા અને આફ્રિકાના દેશો સાથે આર્થિક કરારો કરવા માંડ્યા છે. ચીનના મહત્ત્વાકાંક્ષી ‘વન બેલ્ટ, વન રોડ’પ્રોજેક્ટમાં લેટિન અમેરિકાનો અને આફ્રિકાનો પણ સમાવેશ છે. તેનો મતલબ એવો નથી કે ચીન અને રશિયાને લેટિન અમેરિકા અને આફ્રિકા માટે કોઈ પ્રેમ ઊભરાઈ આવ્યો છે. તેનો મતલબ એટલો જ થાય છે કે તેમનું આર્થિક શોષણ અત્યાર સુધી યુરોપ અને અમેરિકાના દેશો દ્વારા કરવામાં આવ્યું હતું; હવે રશિયા અને ચીન મળીને તેમની કુદરતી સંપત્તિ લૂંટશે.
રશિયા અને ચીન વચ્ચેના સંયુક્ત નિવેદનમાં કોરિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોરિયાના ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા એવા ભાગલા પાડવામાં અમેરિકાએ મોટી ભૂમિકા ભજવી હતી. ભાગલા પછી ચીન ઉત્તર કોરિયાની પડખે રહ્યું હતું તો અમેરિકા દક્ષિણ કોરિયાની પડખે રહ્યું હતું. અમેરિકા દ્વારા દક્ષિણ કોરિયાનો ઉપયોગ પોતાનાં લશ્કરી થાણાં તરીકે કરવામાં આવ્યો હતો. અમેરિકા દ્વારા દક્ષિણ કોરિયાનો આર્થિક વિકાસ જરૂર કરવામાં આવ્યો હતો, પણ તેનો મુખ્ય લાભ અમેરિકાની મલ્ટિનેશનલ કંપનીઓને થયો હતો. હવે જો રશિયા અને ચીનનું ચાલશે તો તેઓ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેની શત્રુતા ખતમ કરીને તેમને એક કરી દેશે.
રશિયા અને ચીન વચ્ચેના સંયુક્ત નિવેદનમાં તાઈવાનનો અને ભારત સાથેના સરહદી વિવાદનો ઉલ્લેખ ઇરાદાપૂર્વક ટાળવામાં આવ્યો છે. ચીન તિબેટની જેમ તાઈવાનને પણ ગળી જવા માગે છે, પણ અમેરિકા તેને સહાય કરી રહ્યું છે. ભારત-ચીન વચ્ચેના સરહદી વિવાદમાં રશિયા કોઈનો પક્ષ લઈ શકે તેમ નથી, કારણ કે તે બંને દેશો સાથે સારા સંબંધો ધરાવે છે. જોકે સંયુક્ત નિવેદનમાં દરેક વિવાદનો ઉકેલ શાંતિમંત્રણા વડે કરવાની વકીલાત કરવામાં આવી છે. આ વાત ભારત-ચીન વચ્ચેના સરહદી વિવાદને પણ લાગુ પડે છે. હવે કદાચ રશિયા ભારત-ચીન વચ્ચેના વિવાદને ઉકેલવાની દિશામાં સક્રિય બની શકે છે. જો રશિયા-ચીન-ભારત વચ્ચે પણ મૈત્રી પેદા થાય તો જ તેઓ ભેગા મળીને અમેરિકાની આઠ દાયકાની દાદાગીરીનો અંત આણી શકે તેમ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.