ભારતને બહારનાં દુશ્મનો આતંકવાદ દ્વારા હેરાન કરી રહ્યા છે તો અંદરના દુશ્મનો નક્સલવાદ અને માઓવાદ હેરાન કરી રહ્યા છે. આતંકવાદ માટે આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ જવાબદાર હોય છે તો નક્સલવાદ માટે દેશની આંતરિક સમસ્યાઓ જવાબદાર હોય છે. ભારતમાં નક્સલવાદના મૂળમાં ખાસ કરીને વનવાસી પ્રજા સાથે થતો અન્યાય અને તેમના પર ગુજારવામાં આવતા અત્યાચારો જવાબદાર હોય છે. નક્સલવાદનો પ્રારંભ જમીનદારો સામેના સંઘર્ષથી થયો હતો. ભારતમાં હવે જમીનદારો રહ્યા નથી પણ ઉદ્યોગપતિઓ નવા જમીનદારો બની ગયા છે.
તેઓ સરકારી તંત્રની સહાયથી ગરીબ કિસાનોની અને વનવાસીઓની જમીન પાણીના ભાવે પડાવી લે છે, જેનો મુકાબલો કરવા યુવાનો હાથમાં હથિયારો પકડે છે. નક્સલવાદી નેતાઓ આ હતાશ યુવાનોને પોતાના હાથા બનાવે છે અને પોતે એશઆરામની જિંદગી જીવે છે. સરકાર દ્વારા ગમે તેટલા નક્સલવાદીઓની હત્યા કરવામાં આવશે તો પણ જ્યાં સુધી વન વિસ્તારમાં ગરીબ માનવો પ્રત્યે અત્યાચારો ગુજારવાનું બંધ નહીં થાય ત્યાં સુધી નક્સલવાદનો અંત થશે નહીં.
છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષા દળોએ બસ્તર ડિવિઝનના નારાયણપુર, બીજાપુર અને દાંતેવાડા જિલ્લાની સરહદ પર ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ૨૭ માઓવાદીઓને ઠાર મારવાનો દાવો કર્યો છે, જેમાં સીપીઆઈ-માઓવાદીના મહાસચિવ અને નક્સલ ચળવળના મુખ્ય સૂત્રધાર નમ્બાલા કેશવ રાવ ઉર્ફે બસવરાજુનો પણ સમાવેશ થાય છે. નક્સલવાદ સામેની લડાઈના ત્રણ દાયકામાં પહેલી વાર ભારતનાં દળોએ મહાસચિવ સ્તરના નેતાને મારી નાખ્યો છે.
છેલ્લા દસ દિવસમાં સુરક્ષા દળોએ બસ્તર અને આસપાસના વિસ્તારોમાં ૫૬ માઓવાદીઓને માર્યા હોવાનો દાવો કર્યો છે. આ ઓપરેશનમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ્સના એક જવાનનું પણ મોત નીપજ્યું હતું. છત્તીસગઢમાં પોલીસની કાર્યવાહીમાં છેલ્લા ૧૫ મહિનામાં ૪૦૦ થી વધુ શંકાસ્પદ માઓવાદીઓ માર્યા ગયા છે. સરકારી આંકડાઓ અનુસાર વર્ષ ૨૦૨૫માં માર્યા ગયેલા માઓવાદીઓની સંખ્યા વધીને ૧૮૦ થી વધુ થઈ ગઈ છે. જો કે, માઓવાદ પર નજીકથી નજર રાખનારા કેટલાક નિષ્ણાતો માને છે કે માઓવાદનો અંત જાહેર કરવો ખૂબ જ વહેલું ગણાશે.
પોલીસે છત્તીસગઢના નારાયણપુરમાં એક એન્કાઉન્ટરમાં ૨૭ માઓવાદીઓ સાથે તેમના ટોચના કમાન્ડર નંબલ્લા કેશવ રાવ ઉર્ફે બસવરાજુને માર્યાનો દાવો કર્યો હતો. કેશવ રાવની હત્યા કેટલી મહત્ત્વપૂર્ણ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની સત્તાવાર જાહેરાત બસ્તરના કોઈ પોલીસ અધિકારી કે રાજ્યના ગૃહમંત્રી કે મુખ્યમંત્રી દ્વારા નહીં પણ દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સોશ્યલ મિડિયા પર કરવામાં આવી હતી. મે ૧૯૯૨માં, જ્યારે ઉનાળાની ઋતુ ચરમસીમાએ હતી ત્યારે તે સમયના સૌથી મોટા માઓવાદી સંગઠન સીપીઆઈ (એમએલ) પીપલ્સ વોર ગ્રુપમાં ચર્ચાનો ગરમાવો વધી રહ્યો હતો.
પક્ષની સેન્ટ્રલ કમિટીના સેક્રેટરી કોંડાપલ્લી સીતારામૈયા તેમના સાથીદારો સાથે અલગ સંગઠન બનાવવાના મૂડમાં આવી ગયા હતા. સીતારામૈયા સાથે જવાને બદલે ૧૯૮૦ ના દાયકામાં વારંગલ યુનિવર્સિટીમાંથી બી.ટેક. પૂર્ણ કર્યા પછી સંગઠનમાં જોડાયેલા નંબલ્લા કેશવ રાવે પીપલ્સ વોર ગ્રુપમાં રહેવાનું પસંદ કર્યું હતું. જૂન ૧૯૯૨માં જ્યારે મુપ્પલ્લા લક્ષ્મણ રાવ ઉર્ફે ગણપતિને સીપીઆઈ (એમએલ) પાર્ટીનો મહાસચિવ બનાવવામાં આવ્યો ત્યારે નંબલ્લા કેશવ રાવ તેના નજીકના સહાયક તરીકે ઉભરી આવ્યો હતો. નંબલ્લા કેશવ રાવને પાર્ટીની કેન્દ્રીય સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
નંબલ્લા કેશવ રાવ જ્યારે એમ.ટેક.નો અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તેણે નક્સલવાદી સંગઠન સીપીઆઈ પીપલ્સ વોર ગ્રુપ માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. સંગઠનમાં એક સામાન્ય કાર્યકર તરીકે જોડાયેલા નંબલ્લા કેશવ રાવે એક પછી એક જવાબદારીઓ સંભાળી અને સંગઠનમાં નેતૃત્વનો વિશ્વાસ જીત્યો હતો. એક પોલીસ અધિકારી કહે છે કે તેને પૂર્વીય વિભાગના સચિવ તરીકેની પહેલી મોટી જવાબદારી મળી અને પછી તેમનું નામ ગંગાન્ના રાખવામાં આવ્યું હતું. દરેક જવાબદારી અને ક્ષેત્ર સાથે કેશવ રાવનું નામ બદલાતું રહ્યું; જેમ કે ગગન્ના, પ્રકાશ, કૃષ્ણ, વિજય, કેશવ, બીઆર, પ્રકાશ, દર્પા નરસિમ્હા રેડ્ડી, આકાશ, બસવરાજ, બસવરાજુ. ૧૯૯૨માં જ્યારે પીપલ્સ વોર ગ્રુપ પતનના આરે હતું ત્યારે ગણપતિની સાથે ઊભા રહેલા કેશવ રાવને સેન્ટ્રલ કમિટીના સભ્ય તરીકેની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.
૧૯૯૨માં પીપલ્સ વોર ગ્રુપની સેન્ટ્રલ કમિટીના સભ્ય તરીકે ચૂંટાયા બાદ કેશવ રાવે લાંબા સમય સુધી માઓવાદી સંગઠનમાં સ્પેશ્યલ ગેરિલા સ્ક્વોડનું નેતૃત્વ કર્યું હતું. શસ્ત્રોથી લઈને તાલીમ સુધીની દરેક બાબતનો હવાલો સંભાળતા કેશવ રાવને અવિભાજિત આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને અવિભાજિત મધ્યપ્રદેશમાં સંગઠનનો વિસ્તાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન કેશવ રાવે સેન્ટ્રલ મિલિટરી કમિશનના ઇન્ચાર્જ તરીકે કામ કર્યું હતું. વર્ષ ૨૦૦૦ માં માઓવાદી સંગઠને પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મીની રચના કરી અને આ તે સમય હતો જ્યારે કેશવ રાવને સંગઠનના પોલિટબ્યુરોમાં સ્થાન મળ્યું હતું.
૨૦૦૧માં જ્યારે પીપલ્સ વોર ગ્રુપની સાતમી કોંગ્રેસ યોજાઈ હતી, ત્યારે કેશવ રાવને સેન્ટ્રલ મિલિટરી કમિશનના ઇન્ચાર્જની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન કેશવ રાવનું નામ દેશના વિવિધ ભાગોમાં હિંસક માઓવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાવાનું શરૂ થયું અને તેમનાં માથાં પર જાહેર કરાયેલા ઈનામની રકમ પણ વધતી ગઈ. ગયા મહિને જ છત્તીસગઢ સરકારે બસવરાજુ પર ૧ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. NIA, CBI અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા કેશવ રાવ પર જાહેર કરાયેલાં ઇનામોને સામેલ કરીએ તો બસવરાજુના માથા પર જાહેર કરાયેલા ઇનામનો કુલ જથ્થો દોઢ કરોડ રૂપિયાથી વધુ થાય છે.
પહેલી વાર કેશવ રાવે ૧૯૮૭માં આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના દારાગડ્ડામાં થયેલા હુમલાનું નેતૃત્વ કર્યું હતું, જેમાં એક પોલીસ અધિકારી સહિત ૬ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. ૧૦ એપ્રિલ ૨૦૧૦ ના રોજ દાંતેવાડામાં ૭૬ જવાનોની હત્યાનો મામલો હોય કે ૨૩ મે ૨૦૧૩ ના રોજ દરભા ખીણમાં ઝીરામ હત્યાકાંડ હોય, જેમાં કોંગ્રેસના ટોચના નેતાઓ સહિત ૨૭ લોકો માર્યા ગયા હતા, કેશવ રાવે આવી દરેક મોટી ઘટનામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. પોલીસનું માનવું છે કે કેશવ રાવે ઓપરેશન માટે બહાર નીકળેલી સુરક્ષા દળોની ટીમોને ઘેરી લેવા માટે વિવિધ પ્રકારના ફાંસા અને ઓચિંતો હુમલો કરવાની નવી તકનીકો શોધી કાઢી હતી, જેનો ઉપયોગ મધ્ય ભારતમાં પહેલાં ક્યારેય થયો ન હતો.
૨૦૧૮માં અરાકુમાં થયેલા હુમલામાં આંધ્ર પ્રદેશના ધારાસભ્ય કિદારી સર્વેશ્વર રાવ અને ભૂતપૂર્વ ધારાસભ્ય સિવેરી સોમાની હત્યા માટે પણ કેશવ રાવને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. ૨૦૧૯માં ગઢચિરોલીમાં ૧૫ કમાન્ડો સહિત ૧૬ લોકોની હત્યા પાછળ કેશવ રાવ રણનીતિકાર હતો. આંધ્રના તત્કાલીન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પર થયેલા ખૂની હુમલા પાછળ પણ કેશવનો હાથ હતો. ઓડિશા અને છત્તીસગઢમાં જેલ પર હુમલો કરવા માટે પણ કેશવ જવાબદાર હતો.
ભાજપના રાજમાં માઓવાદી વિરોધી કાર્યવાહીમાં વધારો દર્શાવે છે કે માઓવાદી ચળવળ ૧૯૭૦ પછીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. વર્ષ ૨૦૨૪ માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં માઓવાદીઓનો ખાત્મો કરવાનો દાવો કર્યો હતો, ત્યાર બાદ માઓવાદીવિરોધી કામગીરીમાં અણધારી ગતિ આવી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં વિવિધ જાહેર સંગઠનોના લોકોની મોટી સંખ્યામાં ધરપકડ પણ કરવામાં આવી હતી. નિર્દોષ આદિવાસીઓના ઉત્પીડનના સમાચારો પણ સામે આવ્યા હતા અને ઘણા એન્કાઉન્ટર પર પ્રશ્નો ઊભા થયા હતા, પરંતુ તેનાથી સરકારી કાર્યવાહીમાં કોઈ ફરક પડ્યો નથી. જૂનો ઇતિહાસ દર્શાવે છે કે ૧૯૭૩માં નક્સલવાદી ચળવળને ખરાબ રીતે કચડી નાખવામાં આવ્યા પછી પણ નક્સલવાદીઓએ ઘણા દાયકાઓ પછી પોતાની ચળવળને પુનર્જીવિત કરી હતી.