અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતા જોસેફ સ્ટિગ્લિટ્ઝે કહ્યું હતું કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) ભારતનો સૌથી મોટો મૂળભૂત કાર્યક્રમ છે અને સમગ્ર વિશ્વે તેમાંથી શીખવું જોઈએ. કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર ૨૦૦૫માં મનરેગા કાયદો લાવી હતી, જેના હેઠળ ગ્રામીણ વિસ્તારોનાં પરિવારોને વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારીની ખાતરી આપવામાં આવી હતી.
આ યોજના ગ્રામીણ વિસ્તારોનાં એવાં મજૂરો અને કામદારો માટે એક સીમાચિહ્નરૂપ માનવામાં આવી છે, જેમની પાસે કોઈ ખાસ કુશળતા નથી. હવે મોદી સરકારે ૨૦ વર્ષથી અસ્તિત્વમાં રહેલા મનરેગા કાયદાને બદલવા માટે એક નવું બિલ રજૂ કર્યું છે. કેન્દ્ર સરકારે નવા કાયદાને વિકાસ ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહૂડ મિશન (ગ્રામીણ) એટલે કે વીબી-જી રામજી નામ આપ્યું છે. કેન્દ્ર સરકારના નવા કાયદામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, જેને કારણે વિરોધ પક્ષો સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. નવા કાયદામાં મહાત્મા ગાંધીનું નામ પણ પડતું મૂકવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારના પ્રસ્તાવમાં રોજગારની ગેરંટીને દૂર કરતી ઘણી જોગવાઈઓ છે. હાલમાં, આ યોજના સમગ્ર દેશમાં લાગુ છે, પરંતુ નવા પ્રસ્તાવની કલમ ૫ (૧) જણાવે છે કે કેન્દ્ર સરકાર નક્કી કરશે કે આ યોજના ક્યાં લાગુ કરવામાં આવશે. આ કારણે દેશનાં કરોડો ગરીબોને મળેલો રોજગારનો અધિકાર ઝૂંટવાઈ જશે. નવા કાયદામાં વર્ષમાં ૧૨૫ દિવસ રોજગાર પૂરો પાડવાનો પ્રસ્તાવ છે.
હાલમાં કાર્યરત મનરેગા કાયદાની જોગવાઈઓ અનુસાર કેન્દ્ર સરકાર કામદારોના વેતનનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવે છે, જ્યારે રાજ્ય સરકારો પુરવઠાના ખર્ચનો ચોક્કસ હિસ્સો વહેંચે છે. વધુમાં, રાજ્ય સરકારો વહીવટી જવાબદારીમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. નવા બિલમાં દરખાસ્ત કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર કુલ ખર્ચના ૬૦ ટકા ખર્ચ ઉઠાવશે, જ્યારે રાજ્ય સરકારો ૪૦ ટકા ખર્ચ ઉઠાવશે. અગાઉ રાજ્ય સરકારોનો હિસ્સો ફક્ત ૧૦ ટકા જેટલો હતો. નવી જોગવાઈ મુજબ કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ ઉત્તર-પૂર્વીય રાજ્યો, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોમાં થનારા કુલ ખર્ચના ૯૦ ટકા ખર્ચ ઉઠાવશે.
ભારતમાં અગિયારમી પંચવર્ષીય યોજના (૨૦૦૭-૧૨) શરૂ થાય તે પહેલાં જ, તેના પર કામ કરી રહેલા કાર્યકારી જૂથે તે સમયે દેશમાં હાજર આશરે ૩૬ ટકા ગરીબ વસ્તી અંગે ખાસ ચિંતા વ્યક્ત કરી હતી. તે સમયથી ગ્રામીણ વિસ્તારો માટે યોજના બનાવવાનું કામ શરૂ થયું હતું. જો કે અગાઉ વી.પી. સિંહના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે આવી યોજના પર વિચાર કર્યો હતો, પરંતુ તે યોજના સફળ થઈ ન હતી. વાસ્તવમાં, વી.પી. સિંહે વચન આપ્યું હતું કે તેમની સરકાર તેના બજેટનો ૬૦ ટકા ભાગ ગામડાંઓ અને ખેતી પર ખર્ચ કરશે. રાષ્ટ્રીય ગ્રામીણ ગેરંટી યોજના (NREGA) બિલ ડિસેમ્બર ૨૦૦૪ માં રજૂ કરવામાં આવ્યું હતું.
આ યોજના મૂળરૂપે મહારાષ્ટ્ર રાજ્યમાં ચાલતી રોજગાર યોજનાથી પ્રેરિત હતી. ત્યાર બાદ આ બિલ ગ્રામીણ વિકાસ મંત્રાલયની સંસદીય સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યું હતું. જૂન ૨૦૦૫ માં સમિતિના અધ્યક્ષ કલ્યાણસિંહે તેને સ્વતંત્રતા પછીનું સૌથી મહત્ત્વપૂર્ણ બિલ ગણાવ્યું હતું. સંસદ દ્વારા પસાર થયા પછી, સપ્ટેમ્બર ૨૦૦૫ માં આ કાયદાને લાગુ કરવા માટે એક સૂચના જારી કરવામાં આવી હતી. ત્યાર બાદ ૨ ફેબ્રુઆરી ૨૦૦૬ ના આ યોજના આંધ્રપ્રદેશના બંગલાપલ્લી ગામથી તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહ અને યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવી હતી.
શરૂઆતમાં આ યોજના ૨૦૦ પસંદગીના જિલ્લાઓમાં લાગુ કરવામાં આવી હતી અને એપ્રિલ ૨૦૦૮ માં તે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી હતી. શરૂઆતમાં, નરેગાનું બજેટ આશરે ૧૫,૦૦૦ કરોડ રૂપિયા હતું, પરંતુ હવે તે વધીને આશરે ૮૬,૦૦૦ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરનાં પુરુષો અને સ્ત્રીઓ બંનેને રોજગારની ખાતરી આપે છે. વર્ષ ૨૦૧૦ માં આ યોજનાનું નામ બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે મનરેગા રાખવામાં આવ્યું. વાસ્તવમાં, આ પાછળની દલીલ એ હતી કે આ યોજનાએ ગ્રામીણ વિસ્તારોને સશક્ત બનાવ્યા અને મહાત્મા ગાંધી ભારતનાં ગામડાંઓને મજબૂત બનતાં જોવા માંગતા હતા, તેથી આ યોજના તેમના નામ સાથે જોડવામાં આવી. વિશ્વ બેંકે તેને વિશ્વનો સૌથી મોટો રોજગાર કાર્યક્રમ ગણાવ્યો હતો.
ખાસ વાત એ છે કે મનરેગા હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને તેમની ખાનગી જમીન પર પણ મદદ આપી શકાય છે. આમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને મહિલાઓને રોજગાર આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. હાલમાં આ યોજનામાં મહિલાઓની ભાગીદારી ૫૬ ટકા છે, જે આ મહિલા સશક્તિકરણ તરફ સંકેત આપે છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર પૂરો પાડતી આ યોજના ભ્રષ્ટાચાર જેવા વિવાદોમાં ફસાઈ છે. આ યોજના અંગે ફરિયાદો હતી કે ઘણી જગ્યાએ લોકોને કામ આપ્યા વિના માત્ર કાગળ પર રોજગાર દર્શાવવામાં આવ્યો હતો.
હાલમાં મનરેગા હેઠળ ૧૨ કરોડથી વધુ સક્રિય કામદારો નોંધાયેલાં છે અને આમ જનતાને રોજગાર પૂરો પાડવાની દૃષ્ટિએ તે એક મોટી યોજના છે. એવો દાવો કરવામાં આવે છે કે મનરેગાની સૌથી મોટી સફળતા કોવિડ-૧૯ દરમિયાન જોવા મળી હતી, જ્યારે દેશમાં રોજગાર સંકટ ખૂબ વધી ગયું હતું અને મનરેગા હેઠળ રોજગારની માંગ વધી હતી. વર્ષ ૨૦૨૦-૨૧માં મનરેગા હેઠળ બજેટ ફાળવણી લગભગ ૧ લાખ ૧૧ હજાર કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે હતી.
ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશ માટે રોજગાર એક મોટી સમસ્યા રહી છે અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતાં લોકો માટે આ કટોકટી વધુ મોટી હતી. આવી સ્થિતિમાં, ગ્રામીણ વિસ્તારોની આ સમસ્યા અંગે ઘણાં સંગઠનો લાંબા સમયથી અવાજ ઉઠાવી રહ્યાં હતાં. આ વિસ્તારોમાં રહેતાં પરિવારો દ્વારા સામનો કરવામાં આવતાં આજીવિકાના પડકારોને દૂર કરવામાં મનરેગાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ યોજનાએ માત્ર અકુશળ કામદારોના સ્થળાંતર અને બેરોજગારીના સંકટને જ સંબોધિત કર્યું ન હતું, પરંતુ ગ્રામીણ લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
મનરેગાનો ઉદ્દેશ ગ્રામીણ પરિવારોને ૧૦૦ દિવસની રોજગારી પૂરી પાડવાનો છે, જે તેમની આજીવિકા સુરક્ષામાં વધારો કરે છે. ગ્રામીણ વિસ્તારો પર મનરેગાની અસર સમજાવવા માટે ખેડૂતો અને મજૂરોના અધિકારો માટે કામ કરતા કાર્યકર નિખિલ ડે રાજસ્થાનનું ઉદાહરણ આપે છે. રાજસ્થાનમાં કેટલીક જગ્યાએ દુષ્કાળ અને કેટલીક જગ્યાએ પૂરની સમસ્યા હતી. ત્યાંનાં લોકો ફક્ત મફતમાં કંઈક મેળવવા અને ખાવા માટે ભીખ માંગવા માંગતા ન હતાં. તેઓ કામ કરવા માંગતા હતા, પરંતુ સરપંચ પાસે ૫૦ લોકો માટે કામ હતું, જ્યારે એક હજાર બેરોજગારો હતા. દરરોજ સવારે સરપંચના ઘરે આખું ગામ દેખાતું હતું. લોકો સરપંચ અને વોર્ડ સભ્યોની સામે હાથ જોડીને, તેમના પગ પકડીને કામ માટે ઊભાં રહેતાં હતાં. તેઓ ગામમાંથી સ્થળાંતર કરવા પણ માંગતાં ન હતાં. મનરેગાએ રોજગારની ખાતરી આપીને લોકોને સશક્ત બનાવ્યાં હતાં.
મનરેગાનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં ટકાઉ સંપત્તિનું નિર્માણ કરવાનો છે, જેનાથી મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને સામાજિક લાભ મળે છે. મનરેગા હેઠળ, દરેક નોંધાયેલા કામદારને ૧૫ દિવસની અંદર અકુશળ કામમાં રોજગાર માંગવાનો અને મેળવવાનો અધિકાર છે. જો કામ ન મળે, તો તેઓ બેરોજગારી ભથ્થાં માટે હકદાર છે. મનરેગા હેઠળ કામ કરતાં લોકોને સમયસર ચુકવણી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સ્વતંત્ર એજન્સી દ્વારા તેની સામાજિક અસરનું સમયાંતરે મૂલ્યાંકન કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. મનરેગામાં ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ, તળાવો અને સિંચાઈ સુવિધાઓ, નદીના કાયાકલ્પ અને રાષ્ટ્રીય ગ્રામીણ મિશન સંબંધિત અન્ય કાર્યોનો સમાવેશ થાય છે. હાલમાં, આ યોજના હેઠળ ૨૬૨ પ્રકારનાં કામ હાથ ધરી શકાય છે, જેમાંથી ૧૬૪ કૃષિ સંબંધિત છે.