અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ન બનવાની ઘટનાઓ બની રહી છે. આ વર્ષના નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ હશે અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન હશે, એ લગભગ નક્કી થઈ ગયું હતું; પણ જો બિડેનની વધતી જતી ઉંમર અને ઘટતી જતી યાદશક્તિને કારણે ડેમોક્રેટિક પાર્ટીમાં ઉમેદવાર બદલવા બાબતમાં ગંભીર ચર્ચા ચાલુ થઈ ગઈ છે. ડેમોક્રેટિક પાર્ટીમાં પણ જો બિડેનની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે આવી રહ્યો છે તે જોતાં તેઓ ટ્રમ્પનો મુકાબલો કરે તેવી સંભાવના ઘટી રહી છે. જો ડેમોક્રેટિક પાર્ટી ચૂંટણી થાય તે પહેલાં જ હારી જવા ન માગતી હોય તો તેણે ઉમેદવાર બદલવો પડશે. આ સંયોગોમાં ભારતીય મૂળનાં કમલા હેરિસ ઉમેદવાર બને તેવી સંભાવના વધી રહી છે.
ગયા અઠવાડિયે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટી.વી. ડિબેટ દરમિયાન જો બિડેનનું પ્રદર્શન ઘણા ગંભીર પ્રશ્નો પાછળ છોડી ગયું છે. આ પ્રશ્નો રાષ્ટ્રપતિપદની ઉમેદવારી માટે તેમના સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ સાથે સંબંધિત છે. ગયા શુક્રવારે એબીસી ચેનલ પર બતાવેલ ઈન્ટરવ્યુ બાદ તેમની ઉમેદવારી અંગે અટકળોનું બજાર વધુ ગરમાયું છે. ડેમોક્રેટ પાર્ટીના ઘણા વરિષ્ઠ સભ્યો વિચારણા કરી રહ્યા છે કે શું બિડેનને રાષ્ટ્રપતિની રેસમાંથી દૂર કરવા જોઈએ. સોમવારે તેમણે ડેમોક્રેટિક નેતાઓને પત્ર લખીને કહ્યું કે તેઓ ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે પ્રતિબદ્ધ છે.
પરંતુ બિડેનના પ્રયાસો તેમની પાર્ટીના વરિષ્ઠ સભ્યોને પસંદ નથી આવી રહ્યા. ૮૧ વર્ષીય બિડેનને ઉમેદવાર તરીકે જાળવી રાખવા કે હટાવવામાં કેટલો નફો કે નુકસાન છે તે અંગે પક્ષમાં ચર્ચા ચાલી રહી છે. જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાં અમેરિકાનાં વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસનું નામ મોખરે છે. વહીવટી અનુભવ ઉપરાંત કમલા હેરિસના સમર્થનમાં વોશિંગ્ટનના રાજકારણમાં તેમના અસરકારક હસ્તક્ષેપનો પણ સમાવેશ થાય છે. અમેરિકાનાં મોખરાનાં સાપ્તાહિક ન્યૂઝવીકમાં છપાયેલા તંત્રીલેખમાં ભૂતપૂર્વ ડેમોક્રેટ નેતા ટિમ રેયાને લખ્યું છે કે કમલા હેરિસને ચૂંટવું એ સાચો રસ્તો છે અને તેનો વિરોધ કરનારાઓ વાસ્તવિકતાથી વાકેફ નથી.
ડેમોક્રેટ પાર્ટી માટે ફક્ત એક જ પ્રશ્ન છે કે બિડેનને ઉમેદવાર તરીકે રાખવા અથવા તેને રેસમાંથી દૂર કરવા, કયો વિકલ્પ વધુ જોખમી છે? ટી.વી. ડિબેટ દરમિયાન તેમના ચિંતાજનક પ્રદર્શન બાદ ડેમોક્રેટ પાર્ટીને રાષ્ટ્રપતિપદની ઉમેદવારીમાંથી બિડેનને હટાવીને તાત્કાલિક રાહત મળી શકે છે. રાષ્ટ્રપતિના કેટલાક કટ્ટર સમર્થકો પણ બિડેનની ઉંમર અને તેમની માનસિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
જો બિડેન ૮૧ વર્ષના છે અને ડોનાલ્ડ ટ્રમ્પ ૭૮ વર્ષના છે. બંને ઉમેદવારોની ઉંમર અમેરિકન મતદારોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. કેટલાંક સર્વેક્ષણોમાં જો બિડેન મતદારોનો વિશ્વાસ ગુમાવી રહ્યા હોવાનું જણાય છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા સર્વે અનુસાર ૮૬ ટકા ડેમોક્રેટ કહી રહ્યા છે કે તેઓ બિડેનની ઉમેદવારીને સમર્થન આપે છે. ફેબ્રુઆરીમાં ૯૩ ટકા ડેમોક્રેટ મતદારો બિડેનની તરફેણમાં હતા.
જો બિડેનના સમર્થકો કહી રહ્યાં છે કે તેમની જગ્યાએ બીજા કોઈને ઉમેદવાર બનાવવાથી ટ્રમ્પને સીધો ફાયદો થશે. કેટલાક ડેમોક્રેટિક નેતાઓ માને છે કે બિડેનને દૂર કરવાના ફાયદા પરિવર્તનનાં જોખમો કરતાં વધી શકે છે અને જો રાષ્ટ્રપતિ બિડેન પીછેહઠ કરે છે, તો મોટો પ્રશ્ન એ છે કે તેમનું સ્થાન કોણ લેશે? ડોનાલ્ડ ટ્રમ્પ સામે આ ઉમેદવાર કેટલો અસરકારક સાબિત થશે? તાજેતરના દિવસોમાં બિડેનનાં ઘણાં સાથીઓએ કહ્યું છે કે પરિવર્તનમાં ઘણા ગેરફાયદા છે કારણ કે ભલે ગમે તે હોય, બિડેન અત્યાર સુધી સફળ રહ્યા છે.
મોટો પ્રશ્ન એ છે કે જો બિડેનને હટાવવામાં આવે તો તેમનું સ્થાન કોણ લેશે? કમલા હેરિસ જો બિડેન પ્રત્યે વફાદાર છે. છેલ્લા કેટલાક દિવસોમાં ૫૯ વર્ષીય હેરિસનું નામ ગાજતું થયું છે. એડમ શિફે રવિવારે એક ટી.વી. ઈન્ટરવ્યુમાં કહ્યું કે કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પને સરળતાથી હરાવી દેશે. કમલા હેરિસનાં સમર્થકોનું કહેવું છે કે ઉપરાષ્ટ્રપતિ તરીકે તેઓ ચૂંટણી પ્રચારની ગૂંચવણોથી પહેલાંથી જ વાકેફ છે. ડેમોક્રેટિક નેશનલ કમિટીના ચેરવુમન ડોના બ્રાઝિલે જણાવ્યું હતું કે કમલા હેરિસ તેમનું કામ જાણે છે.
કમલા હેરિસનાં સમર્થકો જે દિલાસો આપે છે તેમાં જોખમ પણ છે. મતદારોને માત્ર જો બિડેનની વધતી ઉંમર સામે જ વાંધો નથી. તેમને વર્તમાન વહીવટીતંત્રની નીતિઓ સામે પણ વાંધો છે. આવી સ્થિતિમાં જો કમલા હેરિસ ઉમેદવાર બને તો તેમના માટે આ બધી બાબતો બોજ બની શકે છે. ૨૭ જૂનના રોજ સીએનએન પર પ્રસારિત થયેલી ચર્ચામાં રાષ્ટ્રપતિ બિડેન શરમમાં મૂકાઈ ગયા ત્યારથી કમલા હેરિસે સતત તેમના બોસનો બચાવ કર્યો છે. કમલા હેરિસે રાષ્ટ્રપતિ બિડેનના બચાવમાં કહ્યું હતું કે નેવું મિનિટની ચર્ચાના આધારે રાષ્ટ્રપતિ તરીકેના તેમના રેકોર્ડને ઓછો આંકવો જોઈએ નહીં. જો બિડેને આગ્રહ કર્યો છે કે તેઓ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રહેશે.
જો બિડેનના દાવા છતાં ડેમોક્રેટિક પાર્ટીનાં કેટલાંક મોટાં નામ કમલા હેરિસની પાછળ એકઠાં થતાં જોવા મળે છે. તેમને લાગે છે કે કમલા હેરિસ જો બિડેનની જગ્યાએ સ્વાભાવિક ઉમેદવાર છે. ડેમોક્રેટ સમર્થકો ચૂંટણી સર્વેક્ષણો ટાંકે છે, જે સૂચવે છે કે કમલા હેરિસ રાષ્ટ્રપતિ બિડેન કરતાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે વધુ સારું પ્રદર્શન કરી શકે છે. તેમનું કહેવું છે કે કમલા હેરિસની રાષ્ટ્રીય છબી છે, તેમની પાસે ચૂંટણી પ્રચાર માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે અને તેઓ યુવા મતદારોને અપીલ કરી શકે છે. આ સાથે ચૂંટણીના ચાર મહિના પહેલાં કોઈ પણ અવરોધ વિના ઉમેદવાર બદલી શકાશે. જો આવું થાય તો તે કમલાની રાજકીય કારકિર્દીમાં એક મોટો વળાંક હશે, જેને થોડા સમય પહેલાં વ્હાઇટ હાઉસમાં બિડેન સરકારમાં નબળી કડી તરીકે જોવામાં આવી હતી.
ટ્રમ્પ-બિડેન વચ્ચેની ટી.વી. ચર્ચા પછી કમલા હેરિસે તેમનાં તમામ સમયપત્રકને રદ કરી દીધાં છે અને તેઓ પ્રમુખ બિડેન સાથે દરેક જગ્યાએ જોવા મળે છે. અમેરિકન સ્વતંત્રતા દિવસ એટલે કે ચોથી જુલાઈના દિવસે, કમલા હેરિસે વ્હાઇટ હાઉસમાં બિડેન સાથે સ્વતંત્રતાની ઉજવણી કરી હતી. કમલા હેરિસે ટ્રમ્પ-બિડેન ટી.વી. ચર્ચા બાદથી જાહેર નિવેદનોમાં ટ્રમ્પની ટીકા કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
તેઓ કહેતાં રહ્યાં છે કે મતદારોએ સમજવું જોઈએ કે ટ્રમ્પ લોકશાહી અને મહિલા અધિકારો માટે ખતરો છે. તેમણે દરેક જગ્યાએ જો બિડેન પ્રત્યે વફાદારી દર્શાવી છે. અમેરિકામાં વાઇસ પ્રેસિડેન્ટને હંમેશા પોતાની મહત્ત્વાકાંક્ષા અને વફાદારી વચ્ચે નાજુક સંતુલન જાળવવાની જરૂર હોય છે. કમલા હેરિસ પણ જાણે છે કે આ પોતાની અને રાષ્ટ્રપતિ વચ્ચે કોઈ મતભેદ દર્શાવવાનો સમય નથી; પરંતુ બિડેન માટે કમલા હેરિસ એકમાત્ર વિકલ્પ નથી.
જો બિડેનનું સ્થાન લેનારાઓની યાદીમાં મિશિગનના ગ્રેચેન વ્હિટમર, કેલિફોર્નિયાના ગેવિન ન્યૂઝમ, પેન્સિલવેનિયાના જોશ શાપિરો અને ઇલિનોઇસના જેબી પ્રિટ્ઝકરનાં નામો સામેલ છે. કેલિફોર્નિયા કોંગ્રેસના સભ્ય રો ખન્ના પણ આ નામોમાં સામેલ છે. કમલા હેરિસના સ્ટાફે આ તમામ અટકળોથી અંતર રાખ્યું છે. ઇન્ટરનેટ પર એક નોટ શેર કરવામાં આવી રહી છે જેમાં કમલા હેરિસના ગુણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ નોટમાં લખવામાં આવ્યું છે કે કમલા હેરિસ સિવાય અન્ય કોઈને પસંદ કરવાથી પાર્ટીનો ચૂંટણી પ્રચાર પાટા પરથી ઊતરી જશે. બીજી તરફ રિપબ્લિકન પાર્ટીનું પણ માનવું છે કે કમલા હેરિસ બિડેનની જગ્યા લેવા માટે સૌથી આગળ છે. રિપબ્લિકન પાર્ટીના સાઉથ કેરોલિનાના સેનેટર લિન્ડસે ગ્રેહામે રવિવારે કહ્યું હતું કે જો કમલા હેરિસ ચૂંટણીમાં ઊતરશે તો તેમની પાર્ટીએ અલગ પ્રકારના ચૂંટણી પ્રચાર માટે તૈયારી કરવી જોઈએ. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસને નિરાશાજનક વ્યક્તિ ગણાવી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.