Columns

પેટ્રોડૉલરનાં મરણ સાથે અમેરિકાના આર્થિક સામ્રાજ્યનો પણ અંત આવશે?

દુનિયામાં કેટલીક એવી શકવર્તી ઘટનાઓ બનતી હોય છે, જેના પર ફોકસ કરવાનું મીડિયા ભૂલી જાય છે અથવા ટાળે છે. તાજેતરના ભૂતકાળમાં બની ગયેલી એવી ઘટના પેટ્રોડૉલરનું અવસાન છે. જે પેટ્રોડૉલરના પાયા પર અમેરિકાના વિશ્વવ્યાપી આર્થિક તેમ જ લશ્કરી સામ્રાજ્યનું નિર્માણ થયું હતું, તેનું વર્ષ 2024માં શાંત મરણ થયું છે. આ પેટ્રોડૉલરનો જન્મ 1947માં અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચેના એક કરારના રૂપમાં થયો હતો, જેણે આગામી 50 વર્ષ માટે વિશ્વના અર્થકારણમાં આમૂલચૂલ ફેરફારો કર્યા હતા અને અમેરિકાને દુનિયાની સૌથી મોટી આર્થિક તાકાત બનાવી હતી. આ કરાર મુજબ સાઉદી અરેબિયા દુનિયાના કોઈ પણ દેશને ખનિજ તેલ વેચે તો ખરીદનાર દેશે તેની કિંમત ડૉલરમાં ચૂકવવાની હતી. અહીં સૌથી મોટો સવાલ એ છે કે અમેરિકાએ આવા કરાર કેમ કર્યા?
બીજાં વિશ્વયુદ્ધ પહેલાં જાગતિક વેપારમાં વિનિમયનાં સાધન તરીકે સોનાનો ઉપયોગ કરવામાં આવતો હતો. બીજાં વિશ્વયુદ્ધ પછી તેમાં ભાગ લેનારા દેશો દ્વારા ‘બ્રેટન વુડ’ નામની સંધિ કરવામાં આવી હતી, જેના કારણે દુનિયાના લગભગ બધા દેશો વિનિમયનાં સાધન તરીકે સોનાને બદલે ડૉલરનો ઉપયોગ કરવા લાગ્યા, કારણ કે, અમેરિકાનો ડૉલર સોના સાથે જોડાયેલો હતો. કોઈ પણ દેશ ડૉલરની સામે સહેલાઈથી સોનુ મેળવી શકતો હતો. 1971માં અમેરિકામાં ફુગાવો વધી ગયો એટલે તત્કાલીન રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને ડૉલરનું સોના સાથેનું જોડાણ તોડી નાખ્યું, જેને પરિણામે દુનિયાના બજારમાં ડૉલરની ડિમાન્ડ ઘટી ગઈ હતી. આ ડિમાન્ડ ફરી ઊભી કરવા સાઉદી અરેબિયા સાથે પેટ્રોડૉલર તરીકે ઓળખાતા કરાર કરવામાં આવ્યા. આ કરારમાં ખનિજ તેલનું ઉત્પાદન કરતાં ગલ્ફના બધા દેશો જોડાયા. તે સમયે દુનિયામાં ઊર્જા કટોકટી ચાલી રહી હતી. ખનિજ તેલનું ઉત્પાદન કરતા દેશોએ પશ્ચિમના દેશોને પોતાની તાકાત બતાડવા ખનિજ તેલના ભાવો વધારી દીધા હતા. અમેરિકાનું અર્થતંત્ર આયાતી ખનિજ તેલ પર નિર્ભર હતું. તે ઊર્જાના બજારને સ્થિર કરવા ઝઝૂમી રહ્યું હતું અને તેને પોતાની કરન્સીને પણ મજબૂત બનાવવાની જરૂર હતી. સાઉદી અરેબિયા સાથેના કરારને કારણે અમેરિકાનાં આ બંને હેતુઓ સિદ્ધ થઈ ગયા હતા. તેની અવેજમાં અમેરિકાએ સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર કર્યા હતા, જેમાં ખનિજ તેલનું ઉત્પાદન કરતાં ઓપેકના તમામ દેશોના સંરક્ષણની જવાબદારી અમેરિકાએ સ્વીકારી હતી અને તેમને ઇઝરાયલના સંભવિત આક્રમણ સામે સંરક્ષણ આપ્યું હતું. આ રીતે પેટ્રોડૉલર ગલ્ફના દેશો માટે પણ લાઇફલાઇન જેવા પુરવાર થયા હતા.
સાઉદી અરેબિયા સાથેના પેટ્રોડૉલર તરીકે ઓળખાતા કરારને કારણે દુનિયાભરમાં અમેરિકન ડૉલરની ડિમાન્ડ વધી ગઈ હતી, કારણ કે દુનિયાના બધા દેશોને ખનિજ તેલની જરૂર હતી અને અમેરિકન ડૉલર વગર ખનિજ તેલ ખરીદવું અશક્ય બની ગયું હતું. બ્રેટન વુડ કરારને કારણે દુનિયાનો વેપાર અમેરિકન ડૉલરમાં જ ચાલતો હતો. હવે ખનિજ તેલ ખરીદવા માટે દુનિયાના તમામ દેશો ડૉલરનો સંગ્રહ કરવા લાગ્યા, જેને કારણે ડૉલર દુનિયાની રિઝર્વ કરન્સી બની ગઈ. દુનિયાના બધા દેશોની સેન્ટ્રલ બેન્કો પોતાની કરન્સીને મજબૂત બનાવવા ડૉલરનો સંગ્રહ કરવા લાગી. અમેરિકાને તેનો જબરદસ્ત ફાયદો થયો કે અમેરિકા તેની મરજી મુજબ બેફામ ડૉલર છાપવા લાગ્યું અને તેના વડે દુનિયાના બધા દેશો સાથે વેપાર કરવા લાગ્યું. અમેરિકા દુનિયાના દેશોમાંથી જેટલા માલની આયાત કરતું હતું તેના કરતાં બહુ ઓછા માલની નિકાસ કરતું હતું, જેને કારણે તેની વેપાર ખાધ વધી રહી હતી, પણ તેને તેની ચિંતા નહોતી, કારણ કે દુનિયાના બધા દેશો ડૉલરના ભૂખ્યા રહેતા હતા.
પેટ્રોડૉલરને કારણે અમેરિકાને ફાયદો એ થયો કે તેણે દુનિયાના કોઈ પણ દેશમાંથી કોઈ પણ ચીજની આયાત કરવી હોય તો તેણે તેની સામે કોઈ વસ્તુની નિકાસ કરવી જરૂરી નહોતી. અમેરિકા ડૉલરની નિકાસ કરીને કોઈ પણ ચીજની આયાત કરી શકતું હતું અને ડૉલર તે પોતાની મરજી મુજબ છાપી શકતું હતું. અમેરિકાને પોતાના માલની આયાત કરતા દેશો જે ડૉલર કમાતા હતા તેનું રોકાણ તેઓ અમેરિકાના ટ્રેઝરી બોન્ડમાં કરવા લાગ્યા, કારણ કે તેના પર તેમને વ્યાજ મળતું હતું. આ ટ્રેઝરી બોન્ડ હકીકતમાં અમેરિકન સરકારનું દેવું હતું, જેના પર તેણે બહુ ઓછું વ્યાજ ચૂકવવું પડતું હતું. અમેરિકાને ટ્રેઝરી બોન્ડના રૂપમાં જે સસ્તું ધિરાણ મળતું હતું તેનો ઉપયોગ કરીને તેણે દુનિયાના અનેક દેશોમાં પોતાનાં લશ્કરી થાણાંઓની સ્થાપના કરી અને તે લશ્કરી મહાસત્તા બની ગયું. અમેરિકાને ટ્રેઝરી બોન્ડની સામે જે વ્યાજ ચૂકવવાનું હતું તે પણ ડૉલરના રૂપમાં હતું અને ડૉલર તો તે મફતમાં છાપી શકતું હતું. આ કારણે અમેરિકાનું દેવું વધીને 38 ટ્રિલિયન ડૉલર પર પહોંચી ગયું છે.
પેટ્રોડૉલરનો જન્મ થયો તેનાં 50 વર્ષ પછી જાગતિક વેપારમાં અને અર્થકારણમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. સાઉદી અરેબિયાને હવે પોતાનું ખનિજ તેલ વેચવા માટે અમેરિકા પર નિર્ભર રહેવાની જરૂર નથી, કારણ કે ચીનનો મહાસત્તા તરીકે ઉદય થયો છે. ચીન હવે અમેરિકા કરતાં પણ ખનિજ તેલનો મોટો ખરીદદાર બન્યો છે. બીજી બાજુ અમેરિકામાં શેલ ઓઈલની શોધ થઈ હોવાથી અમેરિકા પણ ખનિજ તેલ માટે ઓપેકના દેશો પર નિર્ભર રહ્યું નથી. તેની મોટા ભાગની ખનિજ તેલની જરૂરિયાત શેલ ઓઈલ દ્વારા જ પૂરી થઈ જાય છે. આ કારણે સાઉદી અરેબિયાએ 2024માં પેટ્રોડૉલરના કરારનો અંત આણ્યો છે અને તે ડૉલર સિવાયની કરન્સીમાં પણ પોતાનું ખનિજ તેલ વેચવા લાગ્યું છે. સાઉદી અરેબિયા હવે ચીનને યુઆનમાં ખનિજ તેલ વેચે છે અને ભારતને રૂપિયામાં ખનિજ તેલ વેચે છે. આ યુઆનનો ઉપયોગ કરીને શાંઘાઈ મેટલ એક્સચેન્જમાંથી તે સોનુ ખરીદી શકે છે. આ રીતે તેને ખનિજ તેલની સામે સોનુ મળે છે, જે તેને વધુ લાભદાયક છે. સાઉદી અરેબિયા ભારત સાથે રૂપિયામાં વેપાર કરી શકે છે, કારણ કે તે ભારતથી માલની આયાત કરે છે.
સાઉદી અરેબિયા દ્વારા પેટ્રોડૉલરના કરારનો અંત આણવામાં આવ્યો તેને કારણે અમેરિકાના આર્થિક સામ્રાજ્યના પાયા હચમચી ગયા છે. દુનિયાના દેશોને બ્રહ્મજ્ઞાન થયું છે કે હવે તેમને ખનિજ તેલ ખરીદવા માટે કે જાગતિક વેપારમાં ભાગ લેવા માટે ડૉલરની જરૂર નથી. આ વેપાર તેમની પોતાની કરન્સીમાં કે ચીનના યુઆનમાં પણ કરી શકાય છે. આ દરમિયાન બીજી મહત્ત્વની ઘટના એ બની કે 2023માં યુક્રેન યુદ્ધને કારણે અમેરિકાએ રશિયાના 300 અબજ ડૉલરના રિઝર્વને ફ્રીજ કરી દીધું, જેના કારણે ડૉલરને રિઝર્વ કરન્સી માનીને ટ્રેઝરી બોન્ડમાં રોકાણ કરતા દેશોનો અમેરિકા પરનો વિશ્વાસ ડગમગી ગયો. તેમને ડર લાગ્યો કે અમેરિકા આવતી કાલે તેમની ડૉલરની અસ્કયામતો પણ જપ્ત કરી શકે છે. આ કારણે ચીન, જાપાન અને ભારત જેવા દેશોએ અમેરિકાના ટ્રેઝરી બોન્ડ વેચવા માંડ્યા અને તેની સામે સોનુ ખરીદવા માંડ્યું. છેલ્લાં બે વર્ષમાં દુનિયાની સેન્ટ્રલ બેન્કો દ્વારા આ રીતે ટ્રેઝરી બોન્ડ વેચીને આશરે 1,000 મેટ્રિક ટન જેટલું સોનુ ખરીદવામાં આવ્યું છે. આ કારણે છેલ્લાં બે વર્ષમાં સોનાના ભાવો ઔંસના 2,000 ડૉલરથી વધીને 4,000 ડૉલર પર પહોંચી ગયા છે. હકીકતમાં સોનાના ભાવો બમણા નથી થયા પણ ડૉલરની કિંમત અડધી થઈ ગઈ છે.
દુનિયાના દેશો અમેરિકાના ટ્રેઝરી બોન્ડ વેચી રહ્યા હોવાથી અમેરિકાને તેની ડિમાન્ડ ટકાવી રાખવા તેના વ્યાજના દરો સતત વધારવા પડી રહ્યા છે. આ વ્યાજના દરો જેમ જેમ વધતા જાય છે તેમ અમેરિકાની સરકારનો ખર્ચો વધતો જાય છે અને તેનું દેવું પણ વધતું જાય છે. આજની તારીખમાં અમેરિકાનું કુલ દેવું 38 ટ્રિલિયન ડૉલર પર પહોંચી ગયું છે, જેના પર તેણે વાર્ષિક 800 અબજ ડૉલર જેટલું તો વ્યાજ ચૂકવવું પડે છે. અમેરિકાનો જીડીપી આશરે 30 ટ્રિલિયન ડૉલર જેટલો છે, જેના 125 % જેટલું તો તેનું દેવું છે. આ દેવું સતત વધી રહ્યું હોવાથી અમેરિકા તેનું દેવું આવતાં સો વર્ષમાં પણ ચૂકવી શકે તેમ નથી. બીજી બાજુ તેના પેટ્રોડૉલરના આધિપત્યનો અંત આવ્યો હોવાથી તે સહેલાઈથી નવું દેવું કરી શકે તેમ નથી, કારણ કે તેના ટ્રેઝરી બોન્ડની ડિમાન્ડ સાવ ઘટી ગઈ છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમેરિકાના ટ્રેઝરી બોન્ડ અમેરિકાનું પોતાનું ફેડરલ રિઝર્વ જ ખરીદી રહ્યું છે.
બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દ્વારા શરૂ કરાયેલા બ્રિક્સ સંગઠનમાં જોડાવા દુનિયાના ઘણા દેશો તૈયાર થઈ રહ્યા છે. હવે બ્રિક્સ દ્વારા પોતાની કરન્સી લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જે દિવસે બ્રિક્સના દેશો દ્વારા પોતાની કરન્સી લોન્ચ કરવામાં આવશે અને બ્રિક્સના દેશો પોતાનો આપસનો વેપાર તે કરન્સીમાં કરવા લાગશે તે દિવસે ડૉલરનો મૃત્યુઘંટ વાગશે. તાજેતરમાં સાઉદી અરબિયા પણ અમેરિકાને આંચકો આપીને બ્રિક્સમાં જોડાઈ ગયું છે. હકીકતમાં ગલ્ફના દેશો અમેરિકાની છાવણી છોડીને ચીનની છાવણીમાં જોડાઈ રહ્યા છે. ગલ્ફના દેશોને હવે અમેરિકાની જરૂર નથી રહી, કારણ કે 1970ના દાયકામાં તેમને જે લશ્કરી સુરક્ષા અમેરિકા પૂરું પાડતું હતું તે સુરક્ષા હવે ચીન પૂરી પાડી શકે છે. હકીકતમાં સાઉદી અરેબિયા જેવા દેશો દ્વારા હવે પોતાનું લશ્કર પણ ઊભું કરવામાં આવ્યું છે, જે ઇઝરાયલ સામે લડી શકે છે. પેટ્રોડૉલરના મરણને કારણે અમેરિકા આર્થિક રીતે કંગાળ થઈ દેવાળું ફૂંકે તેવી પણ સંભાવના છે.

-સમકિત શાહ

Most Popular

To Top