Comments

ગુજરાતમાં શું ક્યારેય કોંગ્રેસ બેઠી નહીં થાય?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો જયજયકાર થયો અને કોંગ્રેસનો રાબેતા મુજબ રકાસ થયો. આપ પણ કોઈ સારો દેખાવ કરી શક્યો નથી. ગુજરાતમાં જાણે ભાજપને કોઈ ટક્કર જ ના આપી શકે એવી સ્થિતિ થઇ ગઈ છે અને એ લોકશાહી માટે સારી સ્થિતિ નથી. પણ સવાલ એ છે કે, આ સ્થિતિ ક્યાં સુધી રહેશે? શું કોંગ્રેસ બેઠી જ નહિ થાય?

માત્ર એક નગરપાલિકામાં કોંગ્રેસને સત્તા મળી છે અને કેટલીય નગરપાલિકાઓમાં એક પણ બેઠક મળી નથી. ભાજપ અને કોન્ગ્રેસને મળેલા મતોમાં બમણો તફાવત છે. અર્થ સીધોસાદો છે કે ભાજપ શહેરથી, નગરથી માંડી ગામડાં સુધી ભાજપનો જનાધાર મજબૂત છે અને આમ છતાં ગુજરાતનાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કહે છે કે, સાવ નિરાશ થવાની જરૂર નથી. ૨૦૧૮ની સરખામણીએ કોંગ્રેસનો દેખાવ સુધર્યો છે. જુનાગઢમાં એક બેઠકથી ૧૧ બેઠક સુધી કોંગ્રેસ પહોંચી છે. આવો અભિગમ કોંગ્રેસને કઈ રીતે તારી શકે?

મુદો્ એ છે કે, કોંગ્રેસની આટલી ખરાબ સ્થિતિ કેમ થઇ છે? ૨૦૧૭ની ધારાસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જે રીતે ટક્કર આપી હતી એ કોંગ્રેસ ક્યાં છે? ૨૦૧૭ પછી કેટલા કોંગ્રેસી નેતાઓ પક્ષ છોડી ભાજપમાં ગયા અને આજે એમાંના ઘણા મંત્રી બની ગયા છે. શક્તિસિંહે એ સ્વીકાર્યું કે, અમરીશ ડેરથી માંડી અર્જુન મોઢવાડિયા ભાજપમાં ગયા એનું નુકસાન થયું છે. પણ આ નેતાઓ ભાજપમાં કેમ ગયા? એ પ્રશ્ન કોંગ્રેસ ખુદને કેમ પૂછતી નથી?

હા, એય માન્યું કે, ભાજપ સામ, દામ, દંડ, ભેદ દ્વારા કોંગ્રેસને કે અન્ય પક્ષને તોડે છે પણ બધા આ જ કારણોસર પક્ષ છોડતા નથી. કોંગ્રેસ વર્ષોથી સત્તાથી દૂર છે એ કારણે નેતાઓથી માંડી કાર્યકર્તાઓ નિરાશ છે અને હતાશ છે. એમનામાં પ્રાણ ફૂંકવા પક્ષે શું કર્યું? કેન્દ્રની નેતાગીરીએ શું કર્યું? ગુજરાતમાં ભાજપ સામે રોષ નથી એમ નથી. ઘણા મુદા્ઓ એવા છે કે, જે મુદે્ લોકો રોષિત છે. અરે! ખુદ ભાજપમાં રોષ છે.

આંતરિક અસંતોષ વારેવારે બહાર આવે છે. તાજેતરમાં ભાજપના જૂની પેઢીના નેતા હેમાબહેન આચાર્યે જે નિવેદન ભાજપ માટે આપ્યું હતું એ આકરું હતું અને સાચું પણ હતું. છતાં જુનાગઢમાં ભાજપ સારી રીતે જીતી ગયો. ફરી સત્તા મેળવી. આવું શા માટે બન્યું? એ વિષે કેમ કોંગ્રેસ તપાસ કરતી નથી. આ માત્ર ચૂંટણી વ્યવસ્થાનો જ સવાલ નથી. પણ કોઈ રાજકીય પક્ષ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ હોવો જોઈએ એનો સવાલ છે. કોંગ્રેસ પ્રજાના પક્ષે ક્યારે રહી છે? અને પ્રજાના પ્રશ્નને સડક સુધી લઇ જવા માટે તનતોડ પ્રયત્નો ક્યારે કર્યા છે? માત્ર નિવેદન કરી કે પછી ટોકન કાર્યક્રમ કરીને પ્રજા સાથે નાતો જોડી શકાતો નથી.

કોન્ગ્રેસમાં બાર ભાયા અને તેર ચોકા છે. પક્ષમાં જ એકતા ના હોય તો પ્રજા શેને તમારા પર વિશ્વાસ મૂકે? બીજું કે, કોંગ્રેસે કાર્યકર્તા અને એમાંથી નેતા બનવાની પ્રક્રિયા જ સાવ ઠેકાણે પાડી દીધી છે. ગુજરાત જ નહિ પણ ગુજરાત બહાર દેશભરમાં આ સ્થિતિ છે. નેતા બની શકે એવા ચહેરા સર્જવા પડે છે. પણ એવું થતું જ નથી. નવા લોહીને તક મળતી જ નથી. માત્ર નરેન્દ્ર મોદીની કે ભાજપની ટીકા કરવાથી માત્ર નહિ મળે. પ્રજાના પ્રશ્નોનો ઝંડો હાથમાં લઇ સડકો પર ઊતરવું પડશે. એ માટે પરસેવો પાડવો પડશે. આવું નહિ થાય ત્યાં સુધી લાગતું નથી કે, ગુજરાતમાં કે દેશમાં કોંગ્રેસ બેઠી થઇ શકે. કોંગ્રેસ એક જ એવો પક્ષ છે જે આખા દેશમાં ફેલાયેલો છે. ગામડાં સુધી એનાં મૂળિયાં છે. કોંગ્રેસ પાછી બેઠી થાય એ માત્ર કોંગ્રેસ માટે જ નહિ ગુજરાત અને દેશ માટે આવશ્યક છે.

દિલ્હીમાં મહિલા મુખ્યમંત્રી
દિલ્હીમાં ભાજપને ફત્તેહ મળી અને રેખા ગુપ્તા નવા મુખ્યમંત્રી બન્યાં છે. પસંદગી કરવામાં ભાજપે વાર લગાડી પણ મહિલાને તક અપાશે એ નક્કી હતું. સુષ્મા સ્વરાજ , શીલા દીક્ષિત અને આતીશી બાદ રેખા ગુપ્તા મહિલા મુખ્યમંત્રી બન્યાં છે. આ સારું પગલું છે. પણ દિલ્હીમાં હવે ડબલ એન્જીનની સરકાર છે અને ભાજપે આપેલાં વચનો પાળે એ જરૂરી છે એના કરતાંય બદલાની રાજનીતિને બાજુએ મૂકી દિલ્હીને સારું મહાનગર બનાવે એ જરૂરી છે. યમુનાનાં પ્રદૂષિત પાણી અને દિલ્હીમાં હવાનું પ્રદૂષણ એ મુખ્ય પ્રશ્નો છે.

આ મુદે્ ભાજપ ઝડપથી કોઈ ઉકેલ ભણી કામ કરે એ જરૂરી છે. હવે એલજીનું વલણ કેવું રહે છે એના પર પણ મીટ રહેવાની. આપ અને એલજી વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ રહ્યો. બંને પક્ષે ભૂલો થઇ હતી. હવે સરળતાપૂર્વક બધું ચાલવું જોઈએ.  સૌથી મહત્ત્વની વાત એ છે કે, આપે ઘણી બધી ‘રેવડી’ યોજનાઓ આપી હતી. ભાજપે કલ્યાણકારી યોજના ચાલુ રહેશે એવું વચન આપેલું. આપની એ બધી યોજના ભાજપ ચાલુ રાખે છે કે, એમાં કોઈ ફેરફાર કરે છે એ જોવાનું પણ રસપ્રદ બનશે. અને હા, ભાજપ આપમાં હજુય તોડફોડ કરે છે કે કેમ? અને આપના નેતાઓ સામેના ધુરા કેસોમાં કઈ રીતે આગળ વધે છે એ પણ રસપ્રદ બનશે.

સિદ્ધારમૈયાને કલીનચીટ
કર્નાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને લોક્પાલે કલીનચીટ આપી છે. મુડા જમીન કેસમાં સિદ્ધા અને એમનાં પત્ની સામે કેસ થયો અને કેન્દ્રની સરકારી એજન્સીઓ એમાં સક્રિય બની હતી. લોકપાલ પાસે કેસ ગયો અને તપાસના અંતે એવું જણાયું કે, કોઈ પૂરતા પુરાવા નથી અને કેસ રદ કરી દેવાયો છે. કેન્દ્ર સરકાર અને એની એજન્સીઓ દ્વારા વિપક્ષી  નેતાઓ સામે કેસ થયા અને એમાં ઘણા નેતાઓ જેલમાં ગયા પણ સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા બાદ એ જામીન પર છૂટ્યા. સિદ્ધા સામેનો કેસ તો પુરવાર જ ના થયો. આવું અગાઉ પણ કેટલાક કેસમાં થયું છે. એટલે રાજકીય હેતુસર કેસ થયાના આરોપો થાય એમાં સત્યનો અંશ છે. આવી કાર્યવાહીથી બચવું જોઈએ પણ બધે રાજકારણ આડે આવી જાય છે..
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top